ખેડૂતો માટે ફાયદાની વાત! ઘઉંની આ જાત વાવો, ઉપજ ખટારા ભરીને ઉતરશે, 44 વર્ષ બાદ નવું સંશોધન
સ્વખર્ચે કાર્યરત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ દ્વારા ઘઉંની વિવિધ જાતો પર નું સંશોધન શરૂ રાખી 44 વર્ષ બાદ વધુ ઉત્પાદકતા નહીં પરંતુ ગુણવત્તાના રૂપમાં લોક-૭૯ ઘઉંની જાત વિકસિત કરી છે, જેના પર સરકારે પણ મહોર લગાવતા આ સંસ્થાના કૃષિ વિજ્ઞાન સાથે સંકળાયેલા લોકોની ખુશીનો કોઈ પાર નથી.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: દેશની સૌ પ્રથમ ગ્રામ વિદ્યાપીઠ કે જેની સ્થાપના નાનાભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થાએ વર્ષ 1980 માં દેશને હરિત ક્રાંતિના ભાગરૂપે લોક-1 ઘઉંની અમૂલ્ય ભેટ આપી હતી. સ્વખર્ચે કાર્યરત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ દ્વારા ઘઉંની વિવિધ જાતો પર નું સંશોધન શરૂ રાખી 44 વર્ષ બાદ વધુ ઉત્પાદકતા નહીં પરંતુ ગુણવત્તાના રૂપમાં લોક-૭૯ ઘઉંની જાત વિકસિત કરી છે, જેના પર સરકારે પણ મહોર લગાવતા આ સંસ્થાના કૃષિ વિજ્ઞાન સાથે સંકળાયેલા લોકોની ખુશીનો કોઈ પાર નથી.
ગામડાઓના સ્થાયી વિકાસ માટે સ્થપાયેલી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ કે જેનો માત્ર એક જ ઉદેશ્ય છે. કે જો ગામડું સદ્ધર હશે, તો દેશ સદ્ધર બનશે, આ ઉદેશ્ય સાથે આ સંસ્થા આજે 1953 થી કાર્યરત છે. આ સંસ્થા ગ્રામ્ય વિસ્તારોના લોકોને ખેતી, વેપાર અને ધંધા રોજગાર તેમના જ વિસ્તારમાં પ્રાપ્ત થાય અને લોકો શહેરો તરફ દોટ ન મૂકે, તેવા ખાસ અભિગમથી કામ કરી રહી છે. આ સંસ્થાના મોટાભાગના અભ્યાસક્રમો કૃષિ, બાગાયતી અને ગોપાલન આધારિત હોય છે.
આવા અભ્યાસક્રમ હેઠળ અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ સમૃદ્ધ ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છે. શિક્ષણ, સંશોધન અને વિસ્તરણના ક્ષેત્રમાં સ્વખર્ચે કામ કરતી દેશની એકમાત્ર સંસ્થાએ એક સમય કે જ્યારે અહીંની કરોડોની વસ્તીને ખોરાક માટે જરૂરી ઘઉં, બાજરી જેવા ધાન્ય કે જે વિદેશથી આયાત કરવા પડતા હતા તેને બદલે વર્ષ 1980 માં લોક-૧ ઘઉંની ભેટ આપી જેનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થઈ શકે છે અને ખેડૂતોને આવક સાથે હરિત ક્રાંતિના ભાગરૂપે દેશમાં આ ઘઉંનું મોટા પાયે ઉત્પાદન શરૂ થયું અને આજે 44 વર્ષ બાદ પણ લોક-૧ ઘઉં ઉત્પાદન સાથે ઉત્તમ ગ્રેડ ધરાવે છે. આ લોક-૧ ઘઉં આજે દેશના 16 રાજ્યોમાં 35 લાખ હેકટરમાં વાવેતર થઈ રહ્યું છે.
આ સંસ્થાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સમયાંતરે ઘઉંની અનેક જાતો ક્રોસ બ્રિડ કરી ને વિકસિત કરવામાં આવી છે, જેમાં લોક -૧ થી લઈને અત્યાર સુધીમાં લોક-86 જેટલી જાતોનું સંશોધન કરવામાં આવ્યું છે. આ સંસ્થા વિદેશની અનેક કૃષિ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે, જેથી ત્યાંના ઘઉંની જાતો અને અહીંના ઘઉંની જાતોની આપ લે કરી તેમના પર સંશોધન કરી અલગ અલગ જાતો વિકસિત કરે છે. એક ઘઉંની જાતને વિકસિત કરવા 11 વર્ષ જેટલો સમય લાગે છે, એટલે કે પુરી ધીરજ સાથે કૃષિ વૈજ્ઞાનિકો આ સંશોધન કરી ઘઉંની અવનવી જાત વિકસાવી રહ્યા છે. ત્યારે 44 વર્ષ બાદ આ સંસ્થાના કૃષિ વૈજ્ઞાનિકોને લોક-૭૯ ઘઉંની જાત ને વિકસાવવામાં સફળતા મળી છે.
અહીંની અગાઉની સંશોધન કરેલી લોક-૪૫ અને લોક-૬૨ નું ક્રોસ બ્રિડિંગ કરીને લોક-૭૯ ને વિકસિત કરવામાં કૃષિ વૈજ્ઞાનિકોએ સફળતા મેળવી છે. લોક-૭૯ ઘઉં વધુ ઉત્પાદકતા નહીં પણ ગુણવત્તા આધારિત સંશોધન છે. જેમાં 12.9 ટકા પ્રોટીન, 44.4 ટકા આયર્ન અને 42.35 ટકા ઝીંક છે, એટલે કે આ ઘઉં જરૂરી પોષકતત્વો થી ભરપૂર છે, જે કુપોષણની અવસ્થામાં ઘટાડો કરવામાં મહત્વનો ભાગ આવનારા સમયમાં ભજવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે