આ દ્રશ્યો વિચલિત કરશે! સુરતમાં અઢી વર્ષની બાળકી પર કાર ચાલકે ચઢાવી મર્સિડીઝ, અને પછી...
શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક કાર ચાલકે અઢી વર્ષની બાળકી પર કાર ચડાવી દીધી હતી. આ બનાવમાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સુરતના પાલ વિસ્તારમાં બેઝમેન્ટમાં રમી રહેલી અઢી વર્ષની બાળકીને કાર ચાલકે અડફેટે લીધી હતી. આ ઘટનામાં બાળકીને ગંભીર ઈજાઓ થતા બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બીજી તરફ આ સમગ્ર મામલે પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરતના પાલ કેનાલ રોડ સ્થિત રોયલ ટાયટેનીયમના બેઝમેન્ટના પાર્કિંગમાં અઢી વર્ષની બાળકી બેઠા બેઠા રમી રહી હતી. આ દરમ્યાન સફેદ કલરની કાર ચાલકે બાળકીને અડફેટે લીધી હતી. બાળકીને ગંભીર ઈજાઓ થતા તેણીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળકીને માથાના પાછળના ભાગે ફેકચર તથા છાતીના અને ફેફસાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી.
આ બનાવને લઈને બાળકીની માતા કાજલબેન ઓડએ પાલ પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક ગીરીશભાઈ મનજીભાઈ મનીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.
સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાળકી બેઝમેન્ટમાં બેઠા બેઠા રમી રહી હતી આ દરમ્યાન કાર ચાલક કાર લઈને ત્યાંથી પસાર થાય છે અને બાળકીને અડફેટે લઈને ત્યાંથી ફરાર થઇ જાય છે. હાલ આ સમગ્ર મામલે પાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે