‘બેટી પઢાવો’ સૂત્રથી વિપરીત ગુજરાતની વરવી વાસ્તવિકતા, પૂછો આ દીકરીઓને...

‘બેટી પઢાવો’ સૂત્રથી વિપરીત ગુજરાતની વરવી વાસ્તવિકતા, પૂછો આ દીકરીઓને...
  • બોટાદ જિલ્લાના વેજળકા ગામે સરકારના સૂત્રો પોકળ સાબિત થયા છે અને શું આવી રીતે ભણશે ગુજરાત તેવા અનેક પ્રશ્નો ઉભા થયા
  • ગામના સરપંચ, પૂર્વ સરપંચ અને આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આ વિદ્યાર્થીઓ માટે આજ દિન સુધી બસ શરૂ કરવામાં આવી નથી

રઘુવીર મકવાણા/બોટાદ :‘બેટી પઢાવો બેટી બચાવો’ તેમજ ‘ભણશે ગુજરાત’ સરકારના આ સૂત્રથી વિપરીત દ્રશ્ય બતાવતી વાસ્તવિકતા સામે આવી છે. બોટાદના રાણપુર તાલુકાના વેજળકા ગામે એસટી બસની સુવિધાઓ ન હોવાથી ગામની 45 જેટલી વિદ્યાથીનીઓને અભ્યાસ માટે દરરોજ ૩ કિલોમીટર ચાલીને જવું પડે છે. ત્યારે ગામના સરપંચ સહિતના લોકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ બસની સુવિધા આપવામા આવી નથી. જેથી આગામી દિવસોમાં આદોલન કરવાની વિઘાથીઓ અને ગામના
આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વેજળકા ગામ આવેલું છે. આ ગામની વસ્તી અંદાજે 2500 થી 3000 હજારની છે. આ ગામમાં 1થી 8 પ્રાથમિક શાળા આવેલી છે. પરંતુ ધોરણ 8 પછી ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને બાજુમાં આવેલા સુંદરીયાણા ગામે અથવા ધંધુકા જવું પડતું હોય છે. ત્યારે હાલમાં આ ગામના 65 વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12માં સુંદરીયાણા ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ માટે જાય છે. જેમાંથી 45થી વધુ વિદ્યાર્થીનીઓ છે. જ્યારે શાળાનો સમય હાલમાં 11 થી 5 નો છે, પરંતુ આ ગામના વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે બસની સુવિધા ન હોવાથી ગામની તમામ દીકરીઓને ૩ કિલોમીટર ચાલીને ચંદરવા ગામ સુધી આવવું પડે છે. અને ત્યાંથી એસ.ટી.ની બસ મળે છે. તેમાં પણ જો આ બસમાં આગળના ગામડાઓમાંથી મુસાફરો વધુ હોય તો ઘણા વિદ્યાર્થીઓ આ બસમાં ચઢી શકતા નથી. જેના લીધે તેમને ચંદરવાથી પણ બીજા કોઈ વાહનમાં જવું પડે છે. જેથી વિદ્યાથીઓનો સમય વેડફાઈ છે અને અભ્યાસ થતો નથી. 

આ બાબતે આ વિદ્યાર્થીઓ માટે બસ શરૂ કરવા ગામના સરપંચ, પૂર્વ સરપંચ અને આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આ વિદ્યાર્થીઓ માટે આજ દિન સુધી બસ શરૂ કરવામાં આવી નથી. જથી વહેલી તકે આ વિદ્યાર્થીઓ માટે બસ શરૂ કરવામાં આવે તેવી વિદ્યાથીઓ અને ગામના આગેવાનોએ માંગ કરી છે. જો વિદ્યાથીઓ માટે તાત્કાલિક બસ શરૂ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં રસ્તા રોકો સહિતના આંદોલન કરવામાં આવશે તેમ ગામના પૂર્વ સરપંચ સહિત આગેવાનોએ દ્વારા ચીમકી ઉચ્ચારી હતી. 

રાજ્ય સરકાર શિક્ષણ માટે લાખૌ રૂપિયાનો ખર્ચ કરે છે અને બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રો આપી લોકોને જાગૃત કરે છે. પરંતુ બોટાદ જિલ્લાના વેજળકા ગામે સરકારના સૂત્રો પોકળ સાબિત થયા છે અને શું આવી રીતે ભણશે ગુજરાત તેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news