મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પૂર્વ IAS અધિકારી કે. કૈલાશનાથનની નિમણૂંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર અને સલાહકારની નિમણૂંક કર્યા બાદ ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કે. કૈલાશનાથનની નિમણૂંક કરવામાં આવી છે. એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરી પૂર્વ આઈએએસ અધિકારી કે. કૈલાશનાથનનો દબદબો જોવા મળશે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાતમાં નવી સરકારની રચના બાદ હવે મુખ્યમંત્રીના પર્સનલ સ્ટાફની રચના કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ (Chief Principal Secretary) તરીકે પૂર્વ આઈએએસ અધિકારી કે. કૈલાશનાથનની નિમણૂંક કરવામાં આવી છે. કે. કૈલાશનાથનની નિમણૂંક 12 ડિસેમ્બરથી લાગૂ થઈ ગઈ છે અને તેઓ એક વર્ષ સુધી આ પદ પર રહેશે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કે. કૈલાશનાથન એક વર્ષ સુધી આ પદ પર રહેશે. તેમને કરાર આધારિત નિમણૂંક આપવામાં આવી છે.
આજે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને સલાહકારની નિમણૂંક કરવામાં આવી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂંક કરી છે. ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયા મુખ્ય સલાહકાર અને રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગના પૂર્વ સચિવ એસ.એસ.રાઠૌરને સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
પહેલેથી જ મુખ્યમંત્રી કાર્યાલયમાં કે.કૈલાશનાથનનો રહ્યો છે દબદબો
આપને જણાવી દઇએ કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળથી જ મુખ્યમંત્રી કાર્યાલયમાં કે.કૈલાશનાથનનો દબદબો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ 2006થી એપ્રિલ 2008 સુધી તેઓ નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ રહ્યા. ત્યારબાદ ઓક્ટોબર 2010થી મે 2013 સુધી ફરી મુખ્યમંત્રી મોદીના અધિક મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ થઈ અને 31 મે 2013ના રોજ 33 વર્ષની ફરજ બજાવીને સેવાનિવૃત્ત થયા.
નિવૃત્તિ બાદ જૂન 2013થી મે 2014 સુધી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યાલયમાં વિશેષ દરજ્જો ઊભો કરી તેમને પોતાના મુખ્ય અગ્ર સચિવ તરીકે મુકવામાં આવ્યા હતા. આનંદીબેનના કાર્યકાળમાં પણ એક વર્ષ સુધી તેમને સેવા પર ચાલુ રાખવામાં આવ્યા હતા.
આનંદીબેને કૈલાસનાથનને 2015માં આપ્યું એક્સટેન્શન
મે 2015થી ફરી એક વર્ષ માટે આનંદીબેને તેમને એક્સટેન્શન આપ્યું. આનંદીબેનના રાજીનામાં બાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને તેમણે પણ ઓગસ્ટ 2016થી પોતાના કાર્યકાળ સુધી કૈલાસનાથનને પોતાના અગ્ર મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા.
2017ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપનો ભવ્ય વિજય થયો અને ફરી એકવખત વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા. આ સાથે જ તેમણે પોતાના કાર્યાલયમાં મુખ્ય અગ્ર સચિવ તરીકે કૈલાસનાથનને બે વર્ષનું એક્સટેન્શન આપ્યુ જે ડિસેમ્બર 2019માં પૂર્ણ થવાનું હતું. આ એક્સટેન્શન પૂર્ણ થાય તે પહેલાં જ વિજય રૂપાણીએ વધુ 2 વર્ષ એટલે કે ડિસેમ્બર 2021 સુધી તેમનો કાર્યકાળ લંબાવી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે