સુરતના ઉદ્યોગકારોને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ, ગભરુ ભરવાડ હતો અસલી માસ્ટરમાઈન્ડ

Surat News : સુરતના કાપડના ઉદ્યોગકારોને બ્લેકમેલ કરીને તેઓ પાસેથી નાણા પડાવતી ટોળકીનો પર્દાફાશ થયો, ગભરુ ભરવાડની ટોળકીની મોટી સંડોવણી

સુરતના ઉદ્યોગકારોને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ, ગભરુ ભરવાડ હતો અસલી માસ્ટરમાઈન્ડ

સુરત :સુરત શહેરના સચિન વિસ્તારના વિવાદાસ્પદ ગબરૂ ભરવાડ અને ટોળકી દ્વારા યાર્ન ફેક્ટરીના માલિકો હેઝાર્ડેસ્ટ કેમિકલ બારોબાર નાળામાં છોડી દેતા હોવાનું બતાવવા માટે જાતે જ પાણીમાં કેમિકલ મેળવ્યા બાદ વીડિયો બનાવી બ્લેકમેલ કરવાના ચકચારી પ્રકરણમાં સચિન પોલીસે એક સાગરીતને દબોચી લીધો છે.

સચિન-પલસાણા રોડ ઉપર આવેલી હોજીવાલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભાગીદારીમાં ગોકુલાનંદ પેટ્રો ફાઈબર્સ કંપનીના નામે યાર્નની ફેક્ટરી ચલાવતા કૌશિક કુનડિયાએ ગબરૂ ભરવાડ તથા તેના ત્રણ સાગરીતો રેવા ભરવાડ, લાલો ભરવાડ અને કનુ ભરવાડ વિરુદ્ધ ૧૦ લાખની ખંડણી માંગી બ્લેકમેઇલ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ટોળકી દ્વારા કંપનીની બહાર આવેલી વરસાદી પાણીના નાળામાં જાતે જ કેમિકલ નાંખી દઇ આ દૂષિત પાણી કંપનીમાંથી છોડવામાં આવી રહ્યું છે તેવું દર્શાવતો વીડિયો બનાવ્યો હતો ને બાદમાં આ જ વીડિયો યૂટ્યૂબ ચેનલ ઉપર વાયરલ કર્યો હતો. 

જોકે આ કંપની દ્વારા ગોઠવવામાં આવેલા CCTVમાં ગબરૂના ત્રણ સાગરીતો વરસાદી ગટરમાં કેમિકલ ભેળવતાં કેદ થયા હતા. કૌશિકભાઇએ આ વીડિયો ફૂટેજ સાથે સચિન પોલીસ મથકે પહોંચ્યા હતા. આ અંગે ફરિયાદ નોંધાવતાં અત્યારે સુધી ગબરૂ ભરવાડની હરકતને લઇ આંખ મિચામણાં કરી રહેલી સચિન પોલીસે કાર્યવાહી કરવા દોડા દોડી કરી મૂકી હતી અને કનુ ઉર્ફે મનુ ભરવાડને ઝડપી લીધો છે. તો ફરાર ગબરૂ ભરવાડ અને તેની ટોળકીના મોબાઇલ નંબરની તપાસ કરીને છેલ્લા છ મહિનામાં કોની કોની સાથે કેટલી વખત વાતચીત કરી તેની તપાસ કરવામાં આવશે. આ તપાસ બાદ કેટલાક મોટા માથાઓની પણ સંડોવણી બહાર આવે તેમ છે. 

કૌશિકભાઇએ કંપનીની ફરતે સીસીટીવી કેમેરા ગોઠવી દીધા હતા. 23 ઓગસ્ટે આ ટોળકીના બે સાગરીતો નાજુ રેવા ભરવાડ અને લાલો ભરવાડ આવ્યા હતા અને તેઓ જાતે જ કેમિકલની ગૂણ આ કંપનીનું આઉટલેટ જ્યાં નીકળે છે તેના પાછળના નાળામાં ઠાલવતાં દીધા હતા. કંપનીના કર્મચારીઓ દ્વારા તેમના ફોટો પણ પાડવામાં આવતાં ધાકધમકી આપતાં કંપની દ્વારા છેવટે સચિન પોલીસ મથકે ફોજદારી કરવાનો નિર્ણય કરાયો હતો. સચિન પોલીસે કંપનીના મેનેજરની ફરિયાદને આધારે ગબરૂ ભરવાડ, નાજુ રેવા ભરવાડ, લાલો ભરવાડ અને કનુ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે ગબરૂ ભરવાડ સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ ટોળકી દ્વારા ઉદ્યોગકારોને બ્લેકમેલ કરીને તેઓ પાસેથી નાણા પડાવતા હોવાની વ્યાપક ફરિયાદ સમયાંતરે ઉઠતી હોય છે. પરંતુ કેટલાક ઉદ્યોગકારો પણ આવી ટોળકી સામે ફરિયાદ કરવા આગળ આવતા નહીં હોવાના લીધે તેઓ બેફામ બન્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news