શું પ્રજાને ફરી કરવું પડશે આંદોલન? 63 કિલોમીટરમાં 3 ટોલનાકાં, ઉઘાડી લૂંટ છતાં NHAI મૌન કેમ
સરકાર પ્રજાના જ પૈસાથી નવા રોડ બનાવે છે. હાઈવેનું નિર્માણ કરે છે. તે સારી વાત છે. રોડ રસ્તા સારા હોવા જ જોઈએ. પણ સરકારી તંત્ર હાઈવેનું નિર્માણ તો કરે છે પરંતુ તે હાઈવે પર તમારે વાહન હંકારવું હોય તો ટેક્ષ આપવો પડે છે.
Trending Photos
ઝી બ્યૂરો/ગીર સોમનાથ: ટોલનાકા પર ટોલને લઈ હંમેશા વિવાદ થતો રહ્યો છે. ફરી એકવાર નવો વિવાદ સામે આવ્યો છે ગીરસોમનાથ જિલ્લામાંથી સોમનાથ-ભાવનગર હાઈવે પર માત્ર 60 કિલોમીટરના જ અંતરે ત્રણ ટોલનાકા શરૂ થતાં લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે. ત્યારે શું છે આ સમગ્ર વિવાદ?, કેમ લોકોમાં ભભૂક્યો છે રોષ?
- 63 કિલોમીટરમાં ત્રણ ટોલનાકા
- વાહનચાલકોને લૂંટવાનો પરવાનો?
- ટોલ સંચાલકોની ખુલ્લી દાદાગીરી!
- ખુલ્લી લૂંટ છતાં NHAIનું મૌન કેમ?
- શું પ્રજાને ટોલનાકા માટે કરવું પડશે આંદોલન?
સરકાર પ્રજાના જ પૈસાથી નવા રોડ બનાવે છે. હાઈવેનું નિર્માણ કરે છે. તે સારી વાત છે. રોડ રસ્તા સારા હોવા જ જોઈએ. પણ સરકારી તંત્ર હાઈવેનું નિર્માણ તો કરે છે પરંતુ તે હાઈવે પર તમારે વાહન હંકારવું હોય તો ટેક્ષ આપવો પડે છે. વર્ષો સુધી ટેક્ષ ઉઘરાવવામાં આવે છે. પ્રજા ટેક્ષ પણ ભરે છે. પરંતુ ટેક્ષ ઉઘરાવવાની કોઈ લિમીટ હોવી જોઈએ. પ્રજા પાસેથી ખુલ્લી લૂંટ ન ચલાવાય. ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર 63 કિલોમીટરના અંતરે જ 3 ટોલનાકા શરૂ થતાં લોકોમાં રોષ ભભૂક્યો છે.
સામાન્ય રીતે ટોલનાકુ શરૂ કરવાનો ચોક્કસ નિયમ હોય છે. અમુક કિલોમીટર પછી જ બીજુ ટોલનાકુ હોય છે. પણ અહીં નિયમો ઘોળીની પી જવાયા છે. 63 કિલોમીટરના અંતરમાં ત્રણ ટોલનાકા છે. જેમાં એક વેરાવળ પાસે ડોરીમાં, બીજુ વેરાવળ નજીક સુંદરપાર અને ત્રીજુ કોડિનાર નજીક વેળવા પાસે ટોલનાકુ ખોલીને ખુલ્લેઆમ વાહનચાલકો પાસેથી ટોલની લૂંટ ચલાવવામાં આવે છે.
વેરાવળ ભાવનગર હાઈવે પર વાહનચાલકોને ચાલવું જાણે મુશ્કેલ થઈ ગયું છે. ટોલ તો ઉઘરાવાય છે પરંતુ હજુ હાઈવેનું કામ પણ અધુરુ છે. કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી સંસદની અંદર કહી ચુક્યા છે કે 60 કિલોમીટર પછી જ બીજુ ટોલનાકુ હોવું જોઈએ. પરંતુ અહીં તો મંત્રીનું પણ માનવા ટોલ સંચાલકો તૈયાર હોય તેમ લાગતું નથી. સોમનાથથી દિવ અને ભાવનગરથી દ્વારકા જતાં પ્રવાસીઓને ટૂંકા અંતરની મુસાફરીમાં પણ તગડો ટેક્ષ આપવો પડે છે.
3 ટોલનાકાથી રોષ
- 63 કિલોમીટરના અંતરમાં ત્રણ ટોલનાકા
- વેરાવળના ડોરી, વેરાવળનાક સુંદરપાર, કોડિનારના વેળવામાં ટોલનાકા
- ખુલ્લેઆમ વાહનચાલકો પાસેથી ટોલની લૂંટ ચલાવવામાં આવે છે!
- વેરાવળ-ભાવનગર હાઈવે પર વાહનચાલકો માટે મુશ્કેલી
- ટોલ તો ઉઘરાવાય છે પરંતુ હજુ હાઈવેનું કામ પણ અધુરુ
ટોલનાકાને કારણે સૌથી વધુ પરેશાની ટોલબુથથી માત્ર 200 મીટરના અંતરે આવેલા ગામ લોકોને થાય છે. આ ગામના લોકોને દિવસમાં ત્રણથી ચાર વખત હાઈવે પરથી નિકળવાનું થાય છે. જેટલી વાર પસાર થાય એટલીવાર ટેક્ષ ભરવો પડે છે. જેના કારણે લોકો હેરાન થઈ ગયા છે. માસિક પાસની વ્યવસ્થા પણ શરૂ કરાઈ નથી. રોડનું કામ અધુરુ છે, અનેક જગ્યાએ ડાયવર્ઝન અપાયેલા છે અને કામ ગોકળગતિથી ચાલી રહ્યું છે જેના કારણે લોકો આક્રોષિત થયા છે.
પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ટોલબુથ પર થતી ખુલ્લી લૂંટથી કંટાળ્યા છે. જે ઝડપે ટોલનાકા ઉભા કરી દેવાયા છે તેટલી ઝડપે રોડનું કામ થતું નથી. અધુરુ કામ જલદી કરવા લોકો માગણી કરી રહ્યા છે. તો 63 કિલોમીટરમાં ત્રણ ટોલનાકાથી કંટાળેલા લોકો આગામી સમયમાં કોઈ મોટું આંદોલન કરે તો નવાઈ નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે