કોંગ્રેસ નહીં ઝૂકે! સુરતમાં ભાજપની જીતને કોંગ્રેસ કોર્ટમાં પડકારશે, કરી લીધી આ મોટી તૈયારીઓ
BJP Surat Lok Sabha Victory: કોંગ્રેસ પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને તેના ડમીનું નામાંકન રદ થયા બાદ ભાજપે આ બેઠક બિનહરીફ જીતી લીધી છે. તમામ નોમિનેશન રદ કરવા અને ફોર્મ પરત કરવા માટે વહીવટીતંત્રનો ઉપયોગ થયો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે
Trending Photos
Gujarat Politics અમદાવાદ : લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા ભાજપે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. સુરતમાં પક્ષના ઉમેદવાર મુકેશ દલાલની જીત બાદ ભાજપ ઉત્સાહમાં છે અને પાર્ટીએ 400ને પાર કરવાના લક્ષ્યાંક સામે હુંકાર ભરી છે. કોંગ્રેસ હવે ચંદીગઢ મેયરની ચૂંટણીની તર્જ પર આ મામલાને કોર્ટમાં લઈ જવાની તૈયારી કરી રહી છે . ચૂંટણી પંચ સમક્ષ સુરતનો મુદ્દો ઉઠાવ્યા બાદ કોંગ્રેસની લીગલ ટીમ તેના પર વિચાર-વિમર્શ કરી રહી છે. મુકેશ દલાલ ભાજપના પહેલા એવા નેતા છે જેઓ લોકસભામાં બિનહરીફ ચૂંટાયા છે. સુરત બેઠક ભાજપનો જૂનો ગઢ છે. આ સીટ પર 1984થી સતત ભાજપનો કબજો છે.
કોંગ્રેસ કોર્ટમાં પડકારશે!
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલાને કોર્ટમાં પડકારવાનો નિર્દેશ આપતા કહ્યું છે કે કાયદાકીય વિકલ્પો ખુલ્લા રાખવામાં આવશે. સુરતમાં ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારના ત્રણ પ્રસ્તાવકોની સહીઓ નકલી હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ પહેલાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો ગુમ થયા હતા અને ત્યારબાદ ઉમેદવારી રદ કરવામાં આવી હતી.
આઠ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી
દરમિયાન, 22 એપ્રિલે, મેદાનમાં બાકી રહેલા અન્ય આઠ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા. છેલ્લે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારે લાલ ભારતીએ પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. પ્યારે લાલ ભારતીએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ માત્ર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ જ મેદાનમાં રહ્યા હતા. સુરતના ચૂંટણી અધિકારી/કલેક્ટર સૌરભ પારગીએ તેમને બિનહરિફ જાહેર કર્યા અને તેમને વિજયનું પ્રમાણપત્ર આપ્યું હતું. કોંગ્રેસ હવે સુરતના કેસને હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું વિચારી રહી છે.
કોંગ્રેસ નહીં રહે ચૂપ
કોંગ્રેસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન રદ કર્યું છે. ત્રણેય ટેકેદારોની સહીઓની ચકાસણીમાં ખામી હોવાનું કારણ આપવામાં આવ્યું છે. ડમી ઉમેદવાર સુરેશ પડસાલાનું નામાંકન પણ આ જ આધાર પર રદ કરી દેવાયું.
સુરતમાં ચૂંટણી મુલતવી રાખવામાં આવે તેવી અમારી માંગ છે. સુરત સંસદીય મતવિસ્તારના રિટર્નિંગ ઓફિસરે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન રદ કર્યું હતું કારણ કે તેમના ટેકેદારોએ દાવો કર્યો હતો કે તેમને કુંભાણીના ફોર્મમાં સહીઓ કરી નથી. આ ફરિયાદ બાદથી ટેકેદારો ગાયબ છે. અનિશ્ચિત સંજોગો છતાં રિટર્નિંગ ઓફિસરે નિલેશ કુંભાણીનું નામાંકન રદ કરતો હુકમ કર્યો હતો.
ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી હતી
કોંગ્રેસે ચૂંટણી પહેલાં ડ્રામા રચ્યો. વહીવટીતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. સુરત સિવાયની તમામ બેઠકો અમે જીતીશું તેવો દાવો સીઆર પાટીલે કર્યો હતો. મોદી સાહેબને પહેલું કમળનું ફૂલ આપતી વખતે હું આનંદ અનુભવું છું. ભાજપને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. 400 પારનો ટાર્ગેટ ભાજપ પૂરો કરશે.
કુંભાણી પર પણ સવાલો ઉઠી રહ્યા છે
ગુજરાતની સુરત બેઠક પર ભાજપની જીત બાદ રાજ્યની બાકીની 25 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. ભાજપ રાજ્યમાં આ જીતનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે, જ્યારે કોંગ્રેસ પાર્ટી આ મુદ્દે વિક્ટિમ કાર્ડ રમી શકે છે. એક તરફ કોંગ્રેસ પાર્ટી આ મામલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કેટલીક આંગળીઓ ઉઠાવવામાં આવી રહી છે. નામાંકન રદ્દ થયા બાદ 21મી એપ્રિલે બપોર બાદ ત્યાંના પક્ષના નેતાઓ સાથે કોઈ સંપર્ક નથી. નિલેશ કુંભાણીએ હજુ સુધી મીડિયા સમક્ષ આ મુદ્દે તેમના સંપૂર્ણ મંતવ્યો વિગતવાર રજૂ કર્યા નથી.
શું છે કોંગ્રેસની દલીલ?
કોંગ્રેસની દલીલ છે કે ઉમેદવારી પત્રો ખોટી રીતે રદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે કાયદાની જોગવાઈ મુજબ ઉમેદવારના નોમિનેશન ફોર્મમાં જો ટેકેદારની સહી ન હોય તો ફોર્મ રદ થઈ શકે છે, પરંતુ જો ટેકેદાર કહે કે આ સહી મારી નથી તો ફોર્મ રદ થઈ શકે તેવી કાયદામાં કોઈ જોગવાઈ નથી. કોંગ્રેસની બીજી દલીલ એ છે કે ફોર્મ પર સમર્થકની સહી અને એફિડેવિટ પરની સહી મારી નથી તે બંનેને ફોરેન્સિક લેબમાં મોકલવા જોઈએ. જો આ સહીઓ સમાન હોય તો ફોર્મ રદ કરી શકાતું નથી. કોંગ્રેસના નેતાઓ પણ કહે છે કે સુરતમાં જે રીતે બધુ થયું છે તે શંકા ઉભી કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે