ગુજરાતમાં ચોમાસા પહેલા આવી ગયો વરસાદ, આ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસ્યા મેઘરાજા

Gujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસા પહેલા કમોસમી વરસાદનું આગમન... ઉત્તર ગુજરાતના અનેક જિલ્લા અને ભાવનગર જિલ્લામાં મુશળધાર વરસાદ નોંધાયો
 

ગુજરાતમાં ચોમાસા પહેલા આવી ગયો વરસાદ, આ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસ્યા મેઘરાજા

Ambalal Patel Prediction : ગુજરાતમાં ચોમાસા પહેલાં જ ચોમાસા જેવો માહોલ છે. આ વર્ષે ઉનાળાને બદલે ચોમાસુ હોય તેવો માહોલ છે. વારેઘડીએ સતત વરસાદ માવઠા સ્વરૂપે વરસી રહ્યો છે ગઈકાલે તો ભાવનગરમાં જેઠમાં અષાઢી માહોલ સર્જાયો હોય તેમ વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે બે કલાકની અંદર અઢી ઈંચ ધોધમાર વરસાદ વરસી જતાં ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. ભાવેણા વાસીઓએ તો જાણે ચોમાસુ હોય એવો અનુભવ કર્યો હતો. શહેરનો એક પણ એવો નીચાણવાળો વિસ્તાર બાકાત નહોતો જ્યાં પાણી ભરાયું ના હોય. ભાવનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા.

આકરા ૪૧ ડિગ્રી સાથેના તાપ બાદ મોડી સાંજે ધોધમાર વરસાદ વરસતાં શહેરીજનોને ગરમીથી તો રાહત મળી હતી પણ ચાલુ દિવસના મોડી સાંજે વરસાદથી લોકોની હાલત બગડી ગઈ છે. એક સાથે અઢી ઈંચ પાણી પડતાં ઠેરઠેર ચોમાસા જેવો માહોલ હતો. સાંજના પોણા છથી પોણા આઠ વાગ્યા સુધીમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ફ્લડ કંટ્રોલ વિભાગના સત્તાવાર આંકડા પણ ૫૯ મિ.મી.ના નોંધાયા હતા. 

હાલ ગુજરાતમાં વરસાદ 
અરબી સમુદ્રમાં 6 થી 9 જુનમાં ચક્રવાત ત્રાટકવાની સંભાવના છે. ત્યારે આજથી પાંચ દિવસ ગુજરતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી પાંચ દિવસ 50 કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતમાં વાવાઝોડાની અસર પહેલા જ વરસાદ જોવા મળ્યો છે.ભાવનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં સ્થાનિકો પરેશાન થયા છે. 

આ પાંચ દિવસ ક્યા ક્યા વરસાદ પડશે
2-3 જૂન - બનાસકાંઠા, સાબરકાંઠા
3 જુન - બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નનવસારી, દમણ
4 જૂન - સૌરાષ્ટ્ર-કચ્છમાં 50 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે
5 જુન - બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદ

ભાવનગરના કરચલિયા પરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની સાથોસાથ કરા પણ વરસ્યા હતા. ભાવનગરના કોમ્પલેક્ષ, ફ્લેટ, એપાર્ટમેન્ટના પાર્કિંગોમાં પણ પાણી ભરાયા હતા. તોફાની પવન અને ધોધમાર વરસાદના કારણે શહેરના પ્રભુદાસ તળાવ, કાળિયાબીડ, રૂપાણી સહિતના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. પાનવાડી અને અન્ય વિસ્તારોમાં વૃક્ષો અને વૃક્ષોની ડાળીઓ ધરાશાયી થઈ હતી. તો બોર્ડ-બેનર પણ કાગળની માફક હવામાં ઉડતા નજરે ચડયાં હતા. ભાવનગરની સાથે ઘોઘામાં પણ બે મિ.મી. કમોસમી વરસાદ વરસ્યો હતો. સિહોરમાં વાવાઝોડા જેવા પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. ઉમરાળા, વલ્લભીપુર પંથકમાં પણ કાળાડિબાંગ વાદળો અને વીજકડાકા સાથે છુટાછવાયા છાંટા વરસ્યા હતા. પાલિતાણામાં મોડી સાંજે તેજ પવન ફૂંકાયો હતો. ગારિયાધાર, ઘોઘા, તળાજા પંથકમાં વાતાવરણ સ્વચ્છ રહ્યું હતું. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આજે પણ જોવા મળ્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો છે. સમગ્ર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો છે. પાટણમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. હારીજ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો. સમગ્ર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. વરસાદ થતાં રસ્તા પર પાણી ભરાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news