Gujarat Rain: 13 ઈંચ વરસાદથી નવસારી જળબંબાકાર; જનજીવન અસ્તવ્યસ્ત, રાજ્યમાં 275 રોડ બંધ, હજુ પણ મેઘ તાંડવની આગાહી
Trending Photos
ગુજરાતમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના નવસારીમાં તો જાણે આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. સતત ભારે વરસાદના કારણે અનેક ઠેકાણે રસ્તાઓ પણ બંધ છે. અત્રે જણાવવાનું કે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સુરત, વલસાડ, નવસારીમાં મેઘ તાંડવની શક્યતા છે. દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિભારે વરસાદ પડશે એવી આગાહી કરાઈ છે.
નવસારીમાં આભ ફાટ્યું
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં છેલ્લા ચાર કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. નવસારીના જલાલપોર તાલુકામાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ પડ્યો છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી રાજ્યમાં 106 તાલુકાઓમાં વરસાદ પડ્યો. નવસારી તાલુકમાં કુલ 10.5 ઈંચ વરસાદ પડ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં જળ બંબાકરની સ્થિતિ સર્જાઈ છે. હજુ પણ વરસાદનું જોર યથાવત છે.
ભારે વરસાદના કારણે 275 રોડ બંધ
સતત ભારે વરસાદના કારણે રાજ્યમાં 275 જેટલા રસ્તાઓ બંધ છે. પોરબંદરમા એક નેશનલ હાઈવે બંધ છે. જ્યારે 13 સ્ટેટ હાઈવે બંધ છે. સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 4 સ્ટેટ હાઈવે બંધ છે. જ્યારે રાજકોટ, જામનગર અને પોરબંદરમા બે બે સ્ટેટ હાઈવે બંધ છે. પંચાયત હસ્તકના કુલ 246 રસ્તા બંધ છે. વલસાડ જિલ્લામાં 75 રસ્તા બંધ છે. પોરબંદરમા ૫૬,જુનાગઢમા 48, દેવભૂમિ દ્વારકામાં 15 અને નવસારીમાં 25 માર્ગો બંધ છે. રાજ્યમાં અન્ય 15 રસ્તા બંધ હાલતમાં છે.
નવસારીમાં આભ ફાટ્યું! કલાકમાં 9 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું #GujaratRains #Monsoon #Monsoon2023 pic.twitter.com/OhpjnFE9jL
— Zee 24 Kalak (@Zee24Kalak) July 22, 2023
એસટી વ્યવસ્થાને પણ અસર
ભારે વરસાદના કારણે રાજ્ય વાહન વ્યવહારને પણ અસર થઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં એસટીના 40 રૂટ બંધ કરવામાં આવ્યા છે. 40 રૂટ પરની 93 ટ્રીપ વરસાદના કારણે રદ કરાઈ છે. જ્યારે 3 ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો છે. રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક એક ગામમાં લાઈટો બંધ છે. છેલ્લા 24 કલાકમાં 74 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો.
અનેક ડેમોની ભયજનક સ્થિતિ
ગુજરાતના વિવિધ ડેમની સ્થિતિ ભયજનક સ્તરે આવી ગઈ છે. શેત્રુંજી ડેમના 20 અને મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા છે. તો જામનગરમાં ધોધમાર વરસાદ, અનેક ગામોને એલર્ટ કરાયાં છે. આ વચ્ચે વલસાડના કપરાડામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. ડેમમાં 65,330 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ કારણે ડેમના 10 દરવાજા ખોલાયા છે. ડેમમાંથી તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડાશે. નદી કિનારાના ગામના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
તો બીજી તરફ, બનાસકાંઠામાં ઉપરવાસમાં વરસાદને લઈને દાંતીવાડા ડેમના દરવાજા ખોલાય તેવી શક્યતા છે. ઉપરવાસમાં જો વરસાદ પડે તો આજે બપોરે બાદ દાંતીવાડા ડેમના દરવાજા ખોલી 2 હજાર ક્યુસેક પાણી છોડાશે. દાંતીવાડા ડેમના દરવાજા ખોલવાની શક્યતાઓને લઈને નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે.
કયા ઝોનમાં કેટલાં ડેમ ભરાયા? તેના પર નજર કરીએ તો...
મધ્ય ગુજરાતનો 1 ડેમ..
દક્ષિણ ગુજરાતનો 1 ડેમ...
કચ્છના 8 ડેમ...
સૌરાષ્ટ્રના 36 ડેમ...
કુલ 47 ડેમ નવા નીરથી છલકાયા...
રાજ્યમાં કેટલાં ડેમમાં કેટલું પાણી ભરાયું તેની વાત કરીએ તો...
72 ડેમમાં 90 ટકાથી વધારે પાણી ભરાયું...
15 ડેમમાં 80થી 90 ટકા પાણી ભરાયું...
20 ડેમમાં 70થી 80 ટકા પાણી ભરાયું...
99 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે...
લેટેસ્ટ આંકડા અનુસાર, રાજ્યના 207 જળાશયોમાં 58.40 ટકા પાણી ભરાયું છે. તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 63.12 ટકા પાણીનો સંગ્રહ, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 37.73 ટકા પાણી, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 48.34 ટકા પાણીનો જથ્થો, કચ્છના 20 ડેમમાં 65.27 ટકા પાણી છે. તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 74.96 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં 66.92 ટકા પાણી ભરાયું છે. \
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે