આ વર્ષે ગુજરાતમાં આફૂસ અને કેસર કેરી દુષ્વાર બનશે! ખેડૂતો અને લોકોમાં ચિંતાનું મોજું, આંબા પર આમ્રમંજરી ન આવી!
નવસારી બાગાયતી જિલ્લો છે અને નવસારીની કેસર ગુજરાત સહિત દેશ – દુનિયામાં પ્રખ્યાત છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાને કારણે ઋતુચક્ર પાછળ ઠેલાતું જાય છે. જેની સીધી અસર ખેતી પાકો ઉપર વર્તાઈ રહી છે.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: બદલાતા વાતાવરણને કારણે ખેતી અને ખેડૂતોની હાલત કફોડી બની છે. છેલ્લા થોડા વર્ષોથી ફળોના રાજા કેરીની ખેતી પ્રભાવિત થઇ રહી છે. ઠંડીની શરૂઆત થતા જ આંબાવાડીઓમાં આમ્રમંજરી આવવા માંડે છે. પરંતુ થોડા દિવસો અગાઉ થયેલા માવઠાને કારણે આંબામાં જીવાત અને ત્યારબાદ સુકારાનો રોગ લાગ્યો હતો. જેની સાથે જ હાલમાં ઠંડી–ગરમી બંને રહેતા આંબાવાડીઓમાં આમ્રમંજરી દેખાતી નથી. જેથી આ વખતે ક્રીમી સીઝન મોડી થવાની ખેડૂતોમાં ચિંતા વધી છે. સાથે જ ફૂલ ગુલાબી ઠંડી પડે એની આશા સેવી રહ્યા છે.
નવસારી બાગાયતી જિલ્લો છે અને નવસારીની કેસર ગુજરાત સહિત દેશ – દુનિયામાં પ્રખ્યાત છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાને કારણે ઋતુચક્ર પાછળ ઠેલાતું જાય છે. જેની સીધી અસર ખેતી પાકો ઉપર વર્તાઈ રહી છે. ચોમાસામાં જિલ્લાની આંબાવાડીઓમાં નવી કુંપળો આવી હતી અને શિયાળામાં સારો મોર (આમ્રમંજરી) આવે એની ખેડૂતોને આશા હતી. પણ નવેમ્બરમાં માવઠામાં મુશળાધાર વરસાદ સાથે બરફના કરા પડ્યા બાદ ગાઢ ધુમ્મસ સાથે વહેલી સવારે ઝાંકળ રહ્યુ અને વાદળછાયા વાતાવરણને કારણે આંબા પર ચુસીયા પ્રકારની ઈયળ (ડેગા) નો ઉપદ્રવ વધ્યો હતો. જેથી આંબામાં સુકારાનો રોગ લાગી જતા.
હાલમાં જિલ્લાની મોટાભાગની આંબાવાડીઓમાં આમ્રમંજરી આવી નથી. જયારે હાલમાં વહેલી સવારે અને રાતે ઠંડી તેમજ દિવસ દરમિયાન ગરમી રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ આંબામાં આમ્રમંજરી ફૂટવા માટે 15 ડીગ્રી સુધી ઠંડી જરૂરી થઇ જાય છે. ત્યારે આવનારા દિવસોમાં ફૂલ ગુલાબી ઠંડી પડે, તો આંબાઓ ઉપર સારો મોર ફૂટવાની ખેડૂતો આશા સેવી રહ્યા છે. પરંતુ જો વાતાવરણમાં બદલાવ ન થાય, તો કેરી માટે મુશ્કેલી સર્જાશે.
નવસારી જિલ્લામાં ઘણી આંબાવાડીઓમાં આમ્રમંજરી આવી છે. તો મોટાભાગની આંબાવાડીઓમાં હજી મોર (આમ્રમંજરી) બેઠો જ નથી. ત્યારે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતો વાદળછાયા વાતાવરણમાં આંબાવાડીઓમાં રોગ અને જીવાત થવાની શક્યતાને જોતા ખેડૂતોને ભલામણ કરાયેલ દવાઓનો છંટકાવ કરવા સલાહ આપી રહ્યા છે. જેની સાથે જ ફલીનીકરણની પ્રક્રિયા થાય અને નાની કેરી બેસવા માંડે ત્યારે પણ નોવેલ અથવા 13045 ખાતરનો ઉપયોગ કરીને જીવાતને દૂર રાખવાની ભલામણ કરી રહ્યા છે. જેના થકી આંબા ઉપરથી ખરણ ઓછું થાય અને કેરીનું સારૂ ઉત્પાદન થઇ શકે.
છેલ્લા થોડા વર્ષોથી કેરીના ઉત્પાદન પર અસર થતા કેરી પકવતા ખેડૂતોની સ્થિતિ કફોડી થઇ છે. ત્યારે આ વર્ષે કેરીની સીઝન શરૂ થવા પૂર્વે જ વાતાવરણીય અસરે ખેડૂતોને ચિંતામાં મુક્યા છે. જોકે કુદરત રીઝે અને આવનારા દિવસોમાં ફૂલ ગુલાબી ઠંડી પડે તો સારી આમ્રમંજરી આવે અને તેના થકી કેરીનું ઉત્પાદન પણ સારૂ થાય એવી આશા સેવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે