મેઘરાજાએ ખમૈયા કરતા ખેડૂતોએ બચેલા કુચેલા પાકની લણણી કરવાની શરૂઆત કરી
Trending Photos
ભાવનગર: જિલ્લામાં ખેડૂતોએ વરાપ નીકળતા ખેતરમાં પાકની કાપણી શરૂ કરી છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને પાકમાં વ્યાપક નુકશાન થયું છે, ત્યારે હવે બચેલા પાકને ખેડૂતો એકત્ર કરી રહ્યા છે. બાજરી જેવા પાકો પાણીમાં પલળી જવાને કારણે કોહવાઈ ગયા છે અને એમાં જીવાતો પડી ગઈ છે. જ્યારે અનેક જગ્યાએ ઢળી પડેલો પાક ખેતરોમાં જ ઊગી નીકળ્યો હતો, ત્યારે હવે બચેલું ધાન એકત્ર કરી ખેડૂતો નિપજ મેળવવા મથી રહ્યા છે.
ભાવનગર જિલ્લામાં ચોમાસા દરમ્યાન ખૂબ જ વરસાદ થયો છે. ચોમાસાના પ્રારંભે સારા વરસાદની આશાએ ખેડૂતોએ વ્યાપક પ્રમાણમાં વાવણી કરી હતી. જુવાર, બાજરી, તલ, કપાસ જેવા પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું હતું, પરંતુ બાદમાં અતિવૃષ્ટિ જેવા સર્જાયેલા માહોલના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા બાજરી, કપાસ અને તલ જેવા પાકોમાં ખૂબ મોટું નુકસાન થયું છે. ખેતરોમાં ઉભેલો ખેડૂતોનો પાક કોહવાઈ ગયો છે કોઈ જગ્યાએ પાકમાં ઇયળોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને માત્ર 25 થી 30 ટકા ઉતારો મળ્યો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે.
ઘોઘા પંથકના તગડી, માલપર, મામસા સહિતના અનેક ગામોમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખૂબ જ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે, ખેતરોમાં પાણી ભરાઈ જતા પલળી ગયેલો પાક કોહવાઈ ગયો છે જેથી તેમાં જીવાત પડી જતા ઉપજ ઘટી છે દરવર્ષે સવા સો થી દોઢસો મણ ના ઉતારા સામે ઓણ સાલ માત્ર 25 થી 30 ટકા ઉતારો થયો છે, બિયારણ પાછળ થયેલું ખર્ચ, દવા છંટકાવ, માવજત અને મજૂરી પાછળ હજારો રૂપિયા ખર્ચ કર્યા પછી ઘરમાં ચાલે એટલું ધાન પણ બચ્યું નથી તો વેચવા જવાની તો વાત જ ક્યાં કરવી, પરંતુ હાલ તો ખેડૂતો પોતાના ખેતરોમાં જે પણ કાઈ બચી ગયેલ ધાન એકત્ર કરી રહ્યા છે અને તેમાંથી કઈ રીતે નીપજ મેળવી શકાય એ વિચારી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે