કાશ્મીરમા ઝડપાયેલા મહાઠગ કિરણ પટેલની કરમ કુંડળી : ગુજરાતમાં છે આવો ગુનાહિત ઇતિહાસ

Fake PMO Officer Kiran Patel : મહાઠગ કિરણ પટેલનો મામલે મોટો ઘટસ્ફોટ... RSS, BJP ના નેતાઓ અને સરકારી બાબુઓ સાથે ઘરોબો ધરાવતો કિરણ અને તેનો પરિવાર લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડીના અનેક ગુના આચરી ચૂક્યા છે

કાશ્મીરમા ઝડપાયેલા મહાઠગ કિરણ પટેલની કરમ કુંડળી : ગુજરાતમાં છે આવો ગુનાહિત ઇતિહાસ

Fake PMO Officer Kiran Patel અમદાવાદ : જમ્મુ-કાશ્મીરમાંથી અમદાવાદના મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરી છે. પોતાને પીએમઓનો અધિકારી હોવાનું જણાવી ઝેડ પ્લસ સિક્યુરિટી મેળવીને કરી ઠગાઈ. જમ્મુ CID ની તપાસમાં ઠગનો ભાંડો ફૂટ્યો છે. પોલીસે ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. ત્યારે કાશ્મીરમા ઝડપાયેલા કિરણ પટેલનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. કિરણ પટેલ વિરોધ ત્રણ ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. વડોદરાના રાવપુરા પોલીસ મથક કે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. અમદાવાદના નરોડા પોલીસ મથકે છેતરપિંડી અને કાવતરાનો ગુનો નોંધાયો હતો. અરવલ્લીના બાયડ પોલીસ મથકે છેતરપિંડી અને કાવતરાની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. તો વડોદરાની ફરિયાદમાં સમાધાન થતા નિકાલ થયુ હતુ. અમદાવાદ અને બાયડના ગુનામાં કિરણ પટેલ જામીન પર છે. 

2017થી 2019 દરમિયાન ઠગાઈની ત્રણ FIR નોંધાઈ
ઝેડ પ્લસ સુરક્ષા કવચ,  બુલેટપ્રૂફ એસયુવી અને ફાઈવ સ્ટાર હોટેલ માં મજા માણનારો ગુજરાતનો મહાઠગ કિરણ પટેલ ઉર્ફે બંસી પટેલ હાલ જેલની હવા ખાઈ રહ્યો છે. PMO ના નામે ચરી ખાતા કિરણ પટેલની શ્રીનગર પોલીસે ખોટી ઓળખ આપી જમ્મુ-કાશ્મીર સરકાર ને મૂર્ખ બનાવવાના ગુનામાં ધરપકડ કરી છે. સરકારના ખર્ચે શ્રીનગરની લલિત ગ્રાન્ડ પેલેસ નામની વૈભવી હોટલમાં રોકાયેલા મહાઠગ અનેક કારનામાઓને અંજામ આપી ચૂક્યો છે. ગુજરાત પોલીસના ચોપડે કિરણ પટેલ ઉર્ફે બંસી સહિત અન્ય સામે વર્ષ 2017થી 2019 દરમિયાન ઠગાઈની કુલ ત્રણ FIR નોંધાઈ ચૂકી છે. RSS, BJP ના નેતાઓ અને સરકારી બાબુઓ સાથે ઘરોબો ધરાવતો કિરણ અને તેનો પરિવાર લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડીના અનેક ગુના આચરી ચૂક્યા છે. આ સમગ્ર પ્રકરણમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સહિત રાજ્યની અન્ય એજન્સીઓ કિરણની ક્રાઈમ કુંડળી તપાસવામાં લાગી ગઈ છે. પરંતુ કિરણનો પરિવાર તો તેને ફસાવ્યો હોવાના આરોપ લગાવી રહ્યા છે.

કિરણ પટેલ શહેરના ઘોડાસર વિસ્તારમાં પ્રેસ્ટિજ બંગ્લોઝમાં ભાડાના મકાનમાં રહે છે. તેની પત્ની વ્યવસાયે ડોક્ટર છે. આ ઠગે રાજ્યના 10થી15 IPS અધિકારીઓ સાથે ઘરોબો કેળવ્યો હતો. ત્યાર બાદ કેટલાય પોલીસ અધિકારીઓને ડબામાં ઉતારી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે પરંતુ આ પોલીસ અધિકારીઓ બોલાવા તૈયાર નથી. કિરણ અને તેનો ભાઈ ભાવેશ બંને થઈને એક નિવૃત્ત ડીવાયએસપી પી.એમ. પરમાર પાસેથી ગાડીઓ લઈને વડતાલના સ્વામીનારાયણ મંદિરના સંતોને ભાડે આપવાનું કહીને પરત કરી નહોતી. જેની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. કિરણે ગાડીઓ લઈને પાછી નહોતી આપી તે અંગેની આ ફરિયાદ હતી.

ખોટી ડિગ્રી નીકળી 
PMOના બોગસ અધિકારી તરીકેની ઓળખ આપનાર કિરણ પટેલ બાબતે મોટા ખુલાસો થયા છે. કિરણ પટેલ વિદેશમાંથી PHDની ડિગ્રી મેળવ્યાનું લોકોને કહેતો હતો તેમજ IIM અમદાવાદથી MBA કર્યાનો કિરણ પટેલ દાવો પણ કરતો હતો. ઓસ્ટ્રેલિયાની વર્જિનિયા યુનિ.માંથી PHD કર્યું હોવાનું ટ્વીટ પણ કર્યું હતું. કોમનવેલ્થ વેકેશનલ યુનિ.ના માનદ ડિરેક્ટરનો બોગસ લેટર પણ કિરણ પટેલે બનાવ્યો હતો તેમજ IIM-અમદાવાદમાં જઇ ફોટો પડાવી MBA કર્યાનું ટ્વીટ કર્યુ હતુ.  તો આ ઠગના આ કારસ્તાનને લઈને ગુજરાત પોલીસ પણ તપાસ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news