ફરી ગુંજ્યો અનામત આંદોલનનો મુદ્દો, પાટણમાં ઠાકોરને જીતાડવા પાટીદારોએ કેમ લીધા શપથ?
Loksabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલાં ભાજપને પાટીદારોનો ખુલ્લો પડકારઃ પાટણમાં કોઈપણ ભોગે ભાજપના ઉમેદવારોને હરાવવા પાટીદાર યુવાનો કટિબદ્ધ હોવાનો કરાયો દાવો.
Trending Photos
Gujarat Politics and Patidar/ઝી બ્યૂરો, અમદાવાદઃ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચુકી છે. ત્યારે ગુજરાતની બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાતની સાથે જ ભડકો થયો છે. એવામાં હવે પાટણમાં પાટીદારોએ શક્તિ પ્રદર્શન કર્યું છે. પાટીદાર અનામત આંદોલનનો મુદ્દે ફરી એકવાર લોકસભા ચૂંટણી પહેલા ગૂંજતો થયો છે. ખાસ કરીને પાટણ લોકસભા બેઠક પર પાટીદાર અનામતનો મામલો ઉઠયો છે. પાટીદારો પર થયેલા અત્યાચારનો બદલો લેવા અહ્વાન કરાયું છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારની નિવેદનો અને શપથ લેતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ હાલ રાજકારણ ગરમાયું છે.
બદલો લેવાના જાહેરમાં લેવાયા સોગંધઃ
પાટણની જાહેરસભામાં લેવામાં આવ્યાં બદલો લેવાના સોગંધ. સોશિયલ મીડિયા પર આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છેકે, જાહેરસભામાં પાટીદારોએ કોંગ્રેસને મત આપવા સોગંધ લેવામાં આવ્યાં છે. પાટીદારોએ સદારામ,મા ઉમિયા તેમજ ખોડલ માના લીધા સોગંધ. પાટીદાર અનામત આંદોલનનો બદલો લેવા માટે આ જાહેરસભામાં સોગંધ લેવામાં આવ્યાં છે. જેમાં મંચ પરથી એવું કહેવામાં આવ્યું છેકે, આ એજ ભાજપ છે જેના લીધે પાટીદાર યુવાનો શહીદ થયા છે. છતાં ભાજપે કોઈ વચનો પુરા કર્યા નથી. તેથી તેનો બદલો લેવા માટે આ વખતે પાટણમાં ભાજપના ઉમેદવારને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપી બદલો લેવાના સોગંધ પણ પાટીદારોએ લીધાં છે.
ચંદનજીને જીતાડી બદલો લેવા પાટીદારોએ આહ્વાન કર્યોઃ
એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છેકે, છેલ્લાં પાંચ વર્ષમાં ભાજપનો કોઈ આગેવાન પાટીદારોને પૂછવા પણ આવ્યો નથી. કોઈ રજૂઆત પણ સાંભળવામાં આવતી નથી. અમારા પ્રશ્નોને કોઈ વાચા આપી રહ્યું નથી. તેથી અમે ભાજપ અને તેના ઉમેદવારનો વિરોધ કરીએ છીએ. એક પાટીદાર 100 વોટમાં પરિવર્તન કરે તેવા શપથ મંચ પરથી લેવામાં આવ્યાં છે.
ચંદનજીને જીતાડી બદલો લેવા પાટીદારોએ આહ્વાન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે, ચૂંટણીપંચ આ અંગે હવે શું પગલાં લે છે તે પણ જોવું રહ્યું. કારણકે, આદર્શ આચારસંહિતાની વચ્ચે આ પ્રકારની રાજનીતિ, આ પ્રકારની ભાષણ બાજી, આ પ્રકારનો વાણીવિલાસ અને ઉશ્કેરણી જનક બાબતો, જે ચૂંટણી પ્રક્રિયાને સીધી અસર પહોંચાડી શકે છે તેના પર શું પગલાં લેવાશે તે જોવું રહ્યું...
પાટીદારો ભાજપને ચૂંટણીમાં જવાબ આપશેઃ ડો.કિરીટ પટેલ
કોંગ્રેસથી પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યુંકે, પાટીદાર આંદોલન વખતે હું પાસનો કન્વીનર હતો, ધારાસભ્ય નહોતો ત્યારે ભાજપ સરકારના ખાસ કરીને નીતિન પટેલ સહિતના પાટીદાર મંત્રીઓએ વચનો આપ્યા હતાં. પાટીદારોને કોઈ પ્રકારે અન્યાય નહીં થાય તેવી ખાતરી અપાઈ હતી. પણ બાદમાં બધુ ભુલાઈ ગયું. પાટીદાર સમાજ પર થયેલાં અત્યાચારને અમે ભુલ્યા નથી અને તેનો જવાબ હવે પાટીદારો ચૂંટણીમાં આપશે. પાટણમાં પાટીદાર સમાજે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને જીતાડવા માટે સોગંદ લીધાં છે તે યોગ્ય છે. અહીં કોઈપણ રીતે ભાજપના ઉમેદવારને હરાવવો એ જ અમારો ધ્યેય છે.
વધુમાં કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યુંકે, પાટીદાર સમાજના 12 થી વધુ યુવાનો શહીદ થયા હતા. તેમના પરિવારને સરકારી નોકરી આપવી, 35 લાખ રૂપિયાનું વળતર આપવું, આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર કરાયેલા કેસો પરત ખેંચવા સહિતની અમારી મુખ્ય માંગણીઓ હતી. નીતિનભાઈની અધ્યક્ષતામાં કમિટી બનાવી હતી. હું એ કમિટિમાં સભ્ય હતો. આજ સુધી એ માંગ પુરી કરવામાં આવી નથી. પાટીદાર સમાજની દીકરીઓને પોલીસે ગાળો આપી, હુમલો કર્યો. હવે તેનો જવાબ આપવામાં આવશે. ચંદનજીને મત આપીને પાટીદાર આંદોલનનો બદલો લેવા માટે શપથ લેવામાં આવ્યાં છે.
ભાજપને ગમે તે રીતે હરાવવું જોઈએ તો જ તાનાશાહી બંધ થશેઃ રેશ્મા પટેલ
પાટીદાર નેતા, રેશ્મા પટેલે જણાવ્યુંકે, ભાજપે લોકોની માંગ પુરી કરી નથી. પાટણના દિલમાંથી જે આગ નીકળી છે તે સમાજના પ્રેમ પ્રત્યે નીકળી છે. પાટીદાર સમાજ ભોળો સમાજ છે. હું આમ આદમીમાં છું તો પણ પાટીદાર સમાજ મારી સાથે છે. ભાજપને એનકેન પ્રકારે પરાસ્ત કરવું પડશે. ભાજપને સત્તાનું અભિમાન છે. વિપક્ષના નેતા પર ભાજપ ખોટા કેસો કરીને હેરાન કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે