ગુજરાતમાં પશુઓના મોતનું તાંડવ : માત્ર પશુપાલનથી ઘર ચલાવતા પરિવારો પર દુખનો પહાડ તૂટ્યો

Lumpy Virus Spread In Gujarat : ગુજરાતના 20 જિલ્લાના 1935 ગામોમાં ફેલાયો લમ્પી વાયરસ... સરકારે પશુપાલકો માટે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર 1962... ગાંધીનગરમાં શરૂ કરાયો કંટ્રોલરૂમ...
 

ગુજરાતમાં પશુઓના મોતનું તાંડવ : માત્ર પશુપાલનથી ઘર ચલાવતા પરિવારો પર દુખનો પહાડ તૂટ્યો

નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર જિલ્લાના વધુ 5 તાલુકા મળી કુલ 7 તાલુકાઓમાં લમ્પી વાયરસ પ્રસરી ગયો છે, અનેક ગૌવંશના મોત થઈ રહ્યા છે, તંત્ર દ્વારા 50 થી વધુ ટીમો બનાવી કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં લમ્પી વાયરસના કારણે જિલ્લામાં સેંકડો પશુઓના મોત થઈ ચૂક્યા છે. પરંતુ સરકારી ચોપડે માત્ર 25 પશુઓના મોત નોંધાયા છે. ત્યારે ભાવનગર, જેસર અને મહુવાને બાદ કરતાં તમામ તાલુકાઓમાં ફેલાયેલા લમ્પી વાયરસને ફેલાતો અટકાવવા પશુપાલન વિભાગ દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ભાવનગર જિલ્લામાં અનેક પશુપાલકો ખેતીની જમીન કે બીજા કોઈ વ્યવસાય વગર માત્ર પશુપાલન થકી દૂધ ઉત્પાદન કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરી જીવન નિર્વાહ કરી રહ્યા છે. એવા જ એક પશુપાલક છે રંઘોળા ગામના હમીરભાઇ ભરવાડ કે જેની પાસે ખેતી કરવા માટે નથી કોઈ જમીન કે નથી પરિવારનું ગુજરાન ચલાવવા માટે બીજો કોઈ રોજગાર. તેઓનો સમગ્ર પરિવાર માત્ર પશુપાલન પર નિર્ભર છે. હમીરભાઇ અને તેના ચાર ભાઈઓના નાના, મોટા અને વડીલો મળી કુલ 45 લોકોનો સંયુક્ત પરિવાર માત્ર પશુપાલન પર નિર્ભર છે. સરકારી ગોચર જમીનમાં પોતાની ગાયો ચરાવી દૂધ ઉત્પાદન થકી તેઓ પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓના સંયુક્ત કુટુંબમાં બધી મળી કુલ 200 થી વધુ નાની મોટી ગાયો છે, અને આ 200 ગાયોનું પેટ ભરવા તેઓ દિવસભર પશુધન સાથે ગૌચરની જમીન અને સીમ વિસ્તારમાં ચરાવવા નીકળી પડે છે, પરંતુ હાલ તેઓના પરિવાર પર લમ્પી નામની આફત મંડરાઇ રહી છે, તેમની પાસે રહેલી 200 ગાયો પૈકી 100 જેટલી ગાયોમાં લમ્પી વાયરસ પ્રસરી જતાં બીમાર પડી છે. તેમજ અનેક ગાયોનો લમ્પી વાયરસે ભોગ લઈ લીધો છે. ઝી મીડિયાની ટીમે રંઘોળા ગામે પહોંચી હમીરભાઇ સાથે વાતચીત કરી હતી, જેમાં તેઓએ કહ્યું કે જો આમને આમ ચાલ્યા કરશે તો તેઓનું કીમતી પશુધન બરબાદ થઈ જશે, તેમજ પરિસ્થિતિ અંગે ભીતિ વર્ણવતા સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.

ભાવનગર જિલ્લાના 7 તાલુકાઓના અનેક ગામોમાં વ્યાપક રીતે ફેલાયેલા લમ્પી વાયરસના કારણે કીમતી પશુધનને નજર સામે મરતું જોઈ પશુપાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, માત્ર ઉમરાળા તાલુકાના ધરવાળા, લીમડા અને રંઘોળા ગામમાં કુલ મળી 100 થી વધુ પશુઓના મોત થયા હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે, તો બીજી બાજુ જિલ્લાનું પશુપાલન વિભાગ પણ લમ્પી વાયરસ ને આગળ વધતો અટકાવવા સઘન રસીકરણ ઝુંબેશ ચલાવી રહ્યું છે, જેમાં જિલ્લાના 2.50 લાખ પશુધન સામે હાલ 20 હજાર જેટલા તેમજ જિલ્લાની સર્વોત્તમ ડેરી દ્વારા 85 હજાર ડોઝ પશુપાલન વિભાગ ને આપવામાં આવ્યા છે

હાલ ભાવનગર જિલ્લામાં લમ્પીના કહેરની વાત કરીએ તો...

  • ગારિયાધારના 23 ગામ
  • ઉમરાળાના 13 ગામ
  • ઘોઘાના 1 ગામ
  • તળાજાના 2 ગામ
  • વલભીપુરના 10 ગામ
  • સિંહોરના 8 ગામ
  • પાલીતાણાના 10 ગામ

આ પણ વાંચો : બંધનું એલાન: પંચાયતના કર્મચારીના આપઘાત મામલે સંપૂર્ણ બજારો બંધ, જાણો શું છે મામલો

આમ, આ તમામ ગામોના 400 થી વધુ પશુઓમાં લમ્પી વાયરસ ફેલાયો હોવાનું તેમજ જેના કારણે માટે 25 જેટલા પશુઓના મોત થયા હોવાનું જિલ્લા પશુપાલન અધિકારી કલ્પેશ બારૈયાએ જણાવ્યું. તેમજ તમામ તાલુકાઓ માટે 50 થી વધુ ટીમો બનાવી રસીકરણ કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news