વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને કાલોલના પરિવારે ઇચ્છા મૃત્યુંની કરી માંગ
રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. આ વ્યાજખોરોના ત્રાસથી લોકો આત્મહત્યા કરે છે. આજે વધુ એક ઘટના પંચમહાલમાં બની છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવકે કલેક્ટર સમક્ષ ઇચ્છા મૃત્યુંની માંગ કરતાં ખળભળાટ મચી ગયો હતો.
Trending Photos
જયેંદ્ર ભોઇ/ ગોધરા: પંચમહાલ જીલ્લાના કાલોલના ત્રણ ફાનસ વિસ્તારમાં રહેતા કુઢીયા પરિવાર દ્વારા આજે પંચમહાલ જીલ્લા કલેકટર પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરતુ આવેદનપત્ર આપ્યું છે. કાલોલના કુઢીયા પરિવાર દ્વારા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કાલોલના જ રહેવાસી ઇકબાલશા દિવાન અને જીતેન્દ્ર જશવાની દ્વારા તેમના પરિવારને છેલ્લા ૮ માસથી નાણાની પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે અને તેમના પરિવારના મહિલા સભ્યો સાથે ગેરરીતી કરવામાં આવે છે.
વ્યાજખોરોએ અરજદાર ગિરધારી કુઢીયાના નાના પુત્ર પંકજને નોટબંધી વખતે ૩૦ લાખ રૂપિયા ૩૦%ના વ્યાજના દરે આપ્યા હોવાનું જણાવી હાલ ૧ કરોડ રૂપિયાની માંગણી કરી રહ્યા છે . જેને લઈને પંકજ ગત ૨૨-૧૧-૧૭ ના રોજથી ગુમ થઇ ગયેલ છે. બાદમાં આ વ્યાજખોરો દ્વારા અન્ય ઇસમો સાથે રાખીને પંકજના પરિવારજનોને હેરાન કરવાનું શરુ કરવામાં આવ્યું. વ્યાજખોરો દ્વારા પંકજના ઘરે તેમજ દુકાને જઈ પરિવારજનો સાથે બીભસ્ત ગાળો બોલી મારામારી કરી દુકાન તેમજ ઘરમાં રાખેલ માલસામાન તેમજ ૩૦ તોલા સોનું પણ લુટી ગયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે .
વ્યાજખોરોનો ભોગ બનનાર ગીરધર કુઢીયાએ જણાવ્યું હતું કે અમે કાલોલના રહેવાસીઓ છીએ અને અમારી પાસે ઇકબાલશા દિવાન અને જીતેન્દ્ર જશવાની દ્વારા અમારા પુત્રને ૩૦ લાખ રૂપિયા ૩૦% વ્યાજે આપ્યા હોવાની વાત કરે છે અને હાલ તેના ૧ કરોડ થઇ ગયા હોઈ અમને દુકાન અને ઘર આપી દો તેમ કહી અમારા ઘર અને દુકાનમાં ગુંડાઓ લાવી લૂંટ ચલાવી હતી. જેમાં સોનાના દાગીના અને સરસામાન તેઓ લુટી ગયા છે. આ બાબતે પોલીસ દ્વારા પણ અમને કોઈ જ મદદ કરવામાં આવતી નથી.
વ્યાજખોરો દ્વારા પંકજના ઘરેતેમજ દુકાને લુટ ચલાવ્યા બાદ પરિવારની મહિલાઓ પાસે પણ બીભસ્ત માંગણી કરવામાં આવી રહી છે તેમજ એક ઘર અને દુકાનને આ વ્યાજખોરો દ્વારા તાળું પણ લગાવી દેવામાં આવ્યું છે અને તમામ મિલકત વ્યાજખોરોના નામે કરી દેવા માટે પણ દબાણ હાલ કરી રહ્યા છે. સમગ્ર બાબતે પરિવાર દ્વારા કાલોલ પોલિસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા પરિવારની રજૂઆત ન સાંભળી કોઈ કાર્યવાહી ન કરી હોવાનો પણ આક્ષેપ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આમ વ્યાજખોરો ના ત્રાસથી કંટાળી ગયેલા આ પરિવારને તંત્ર દ્વારા પણ કોઈ જ મદદ ન મળતી હોવાથી આજે પરિવાર દ્વારા પરિવારના બાળકોને સરકાર સાચવે અને બાકીના ૧૦ સભ્યોને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે .
વ્યાજખોરોનો ભોગ બનનાર વર્ષા કુઢીયાએ જણાવ્યું હતું કે આ વ્યાજખોરો દ્વારા અમને બહુ જ હેરાન કરવામાં આવે છે અમારા પરિવારની મહિલાઓ પાસે અઘટિત માંગણી કરે છે અને ૧ કરોડ રૂપિયાની માંગણી કરે છે. પોલીસ દ્વારા પણ કે સરકાર દ્વારા પણ અમને કોઈ મદદ કરવામાં આવતી નથી, માટે આજે અમે કલેકટર સાહેબ પાસે ઈચ્છા મૃત્યુ ની માંગણી કરવા માટે આવ્યા છે . સમગ્ર મામલે જીલ્લા અધિક કલેકટરને ઈચ્છામૃત્યુની માંગણી કરવામાં આવ્યા બાદ તેમના દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવશે તેવી પરિવારજનોને ખાતરી આપવામાં આવી છે .
આ અંગે પંચમહાલના અધિક કલેક્ટર એમ એન નલવાયાએ જણાવ્યું હતું કે કાલોલના પરિવારને વ્યાજખોરો દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાથી ઈચ્છા મૃત્યુની માંગણી કરવામાં આવી છે જેમાં પરિવારના ૧૦ સભ્યોએ ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે. જે બાબતે પંચમહાલ જીલ્લા પોલીસ વડા ને જાણ કરવામાં આવેશે અને આ પરિવારને યોગ્ય ન્યાયિક તપાસ કરી આપવામાં આવશે. સરકારના નિયમ પ્રમાણે ઈચ્છા મૃત્યુ ની મંજુરી આપવામાં આવતી નથી .
સમગ્ર મામલામાં પોલીસ દ્વારા પણ આ વ્યાજખોરો સામે કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી તે એક મોટો સવાલ છે. પરિવાર દ્વારા અનેક વાર પોલીસને રજૂઆત કરવા છતાં પણ પોલીસ તેમજ સંબંધિત વિભાગો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી કે પરિવારને કોઈપણ પ્રકારની મદદ અપન કરવામાં આવી નથી. ત્યારે હવે ઈચ્છા મૃત્યુની માંગણી કર્યા બાદ હવે તંત્ર દ્વારા આ વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવે છે કે પછી માત્ર ખાનાપૂર્તિ કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે