ગુજરાતના ખૂણે ખૂણે પહોંચશે દાદાની સવારી : સરકારે 300 નવી બસ જનતા વચ્ચે દોડતી કરી
New ST Bus In Gujarat : ગૃહ અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતેથી 301 જેટલી નવીન બસોનું પ્રસ્થાન કરાવ્યું... બસના ડ્રાઈવર અને કંડકટરોના હસ્તે લીલી ઝંડી અપાવીને બસનું પ્રસ્થાન કરાવાયું... છેલ્લા 14 માસમાં એસ.ટી નિગમ દ્વારા 1800થી વધુ બસો મુસાફરોની સેવામાં મુકાઈ
Trending Photos
Gujarat Government : પ્રજાજનોની પરિવહન અને પ્રવાસની સુવિધા સુખદ બનાવવા રાજ્ય સરકારનો માર્ગ વાહનવ્યવહાર નિગમ સતત કાર્યરત છે ત્યારે આજે અમદાવાદ ખાતેથી વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રૂ. 111 કરોડના ખર્ચે નવીન 301 જેટલી બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું. વાહનવ્યવહાર રાજ્યમંત્રીએ એસ.ટી બસના ડ્રાઈવર અને કંડકટરોના હસ્તે જ લીલી ઝંડી અપાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગેહર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદથી પ્રસ્થાન કરાવેલી 'દાદાની સવારી, એસ.ટી અમારી' રાજ્યના ખૂણે ખૂણે દોડી મુસાફરોના પરિવહનને વધુ સરળ બનાવશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આજે એસ.ટી બસોની સુવિધા અને ઇમેજમાં બદલાવ આવ્યો છે જેના કારણે મુસાફરોની સંખ્યા સતત વધતી જાય છે. તેમણે આંકડા આપી જણાવ્યું હતું કે, છેલ્લા 14 મહિનામાં રાજ્ય સરકારે 1800થી વધુ બસો જનતાની સેવામાં મૂકી છે, આજની 300થી વધુ બસોનો ઉમેરો થતાં નવીન બસોની સંખ્યા 2100ને પાર પહોંચી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
સાથે જ મંત્રીએ મુસાફરી કરતા લોકોના આંકડા આપતા કહ્યું કે, પહેલા રાજ્યમાં દરરોજ 25 લાખ લોકો એસ.ટી બસમાં મુસાફરી કરતા હતા, જ્યારે આજે દરરોજ 27 લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે, જે આનંદની વાત છે. આવનારા દિવસોમાં મુસાફરોની સંખ્યા વધીને 30 લાખ થાય તે દિશામાં રાજ્ય સરકારનો વાહન વ્યવહાર વિભાગ પ્રયત્ન કરી રહ્યો છે.
આ તકે એસ.ટી બસોના ડ્રાઈવર અને કંડકટરો પર પુષ્પગુચ્છની વર્ષા કરીને અભિવાદન કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે એસટી બસોના ડ્રાઇવર-કન્ડક્ટરની પ્રશંસા કરતા કહ્યું કે, એસ.ટી બસોના ઈમેજના બદલાવમાં મહત્તમ ફાળો ડ્રાઈવર અને કંડકટરોનો પણ છે. મુસાફરોના સુખદ પ્રવાસના તેઓ માધ્યમ બન્યા છે.
આજે પ્રસ્થાન કરાવેલી 301 જેટલી નવીન બસોની વિશેષતા વિશે વાત કરીએ તો, 59 જેટલી બસો સુપર એકસપ્રેસ છે જ્યારે 177 જેટલી બસો રેડી.બિલ્ટ સુપર એકસપ્રેસ છે. આ ઉપરાંત 32 જેટલી બસો સેમી લક્ઝરી (ગૂર્જર નગરી) અને 33 જેટલી બસો સેમી સ્લીપર કોચવાળી ફાળવવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે