નિયમોની ઐસીતૈસી કરતા 1000થી વધુ બિલ્ડરો પર તવાઈ, ખાતા ફ્રીજ કરાતા ખળભળાટ
RERA ACT: ગુજરાતમાં બેફામ બનેલાં બિલ્ડર્સ પર લાગશે કાયદાની લગામ! આડેધડ નિયમોની ઐસીતૈસી કરીને બિલ્ડિંગો ઉભી કરી દેતા ડેવલપર્સ અને બિલ્ડરોનું આવી બન્યું સમજો. જાણો આ સમાચાર વિગતવાર...
Trending Photos
Non-compliance: છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત જેવા ગુજરાતના મોટા શહેરોમાં રિયલ એસ્ટેટનો ધંધો બેફામ બન્યો છે. બિલ્ડર્સ કે ડેવલપર્સ પર જાણે કે, કોઈ જાતની લગામ ન રહી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. મોટા ભાગના બિલ્ડરો લોકો પાસેથી પૈસા પડાવીને નિયમોની ઐસી તૈસી કરીને તોતિંગ બિલ્ડિંગો ઉભી કરીને તગડી કમાણી કરી લે છે. એમના આ કામમાં કેટલાંક રાજકારણીઓનો પણ હાથ હોય છે. આવી સ્થિતિમાં છેલ્લો તો જે વ્યક્તિ મકાન ખરીદે છે તેની હાલત જ ખરાબ થાય છે. ત્યારે હવે આવી લાલિયાવાડી નહીં ચલાવી લેવામાં આવે. સરકાર દ્વારા નિયમોનો ભંગ કરતા બિલ્ડર્સ અને ડેવલપર્સ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સરકારે હાથ ધરાયેલી કડક કાર્યવાહીના ભાગ રૂપે રેરા દ્વારા બિલ્ડર્સ-ડેવલપર્સના બેંક ખાતા ફ્રીજ (સીલ) કરવાનું એટલેકે, સ્થગિત કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા મોટા શહેરોમાં હવે આની પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નિયમોને ગોળીને પી જનારા 1000 કરતા વધુ બિલ્ડરોના બેંક ખાતા ફ્રીજ કરાતા ખળભળાટ મચી ગયો છે. કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટ પૂરા થઈ ગયા હોય અને કોમ્પ્લાયન્સ રિપોર્ટ બાકી હોય તેવા બિલ્ડર્સ ડેવલપર્સને રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટની કલમ 63માં કરવામાં પ્રોજેક્ટના કુલ ખર્ચના 5 ટકા અને મહત્તમ રૂ. 5 કરોડનો દંડ કરવામાં આવશે.જો કે દરેક કેસની ચકાસણી કરીને પછી આ અંગે નિર્ણય લેવામાં આવશે એમ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીના જાણકાર સૂત્રોનું કહેવું છે.
બિલ્ડર્સ-ડેવલપર્સના બેંક ખાતા સીલ (ફ્રીજ) કરાતા સપાટોઃ
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના ગુજરાતના અંદાજે 1076 બિલ્ડર્સ ડેવલપર્સના ખાતાઓ સ્થગિત કરી દેવા અંગે આગામી મિટિંગમાં વિચારણા કરવાનું સૂચન કરતો પત્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટેએ સ્ટેલ લેવલ બેન્કર્સ કમિટીને પાઠવ્યો અને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ તે પત્ર બેન્કોને મોકલી આપતા એચડીએફસી બેન્કે તેની બેન્કમાંના બિલ્ડર્સ કે ડેવલપર્સના ખાતાઓ સીલ કરવાનું પગલું લીધું છે.ત્યારબાદ રેરાના અધિકારીઓએ પ્રસ્તુત સ્પષ્ટતા કરી છે.
નિયમોની ઐસીતૈસી કરતા બિલ્ડરોની હવે ખૈર નથી!
હવેથી નવા નિયમાનુસાર, બિલ્ડર નિયમ ભંગ કરે તે દિવસથી જ દંડ વસુલવામાં આવશે. કલમ 63માં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે રેરા ઓથોરિટી દ્વારા કરવામાં આવેલા કોઈપણ ઓર્ડરની બિલ્ડર દ્વારા અવગણના કરવામાં આવે અથવા તો પછી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં જે દિવસથી નિયમ ભંગ કરવાની શરૂઆત કરવામાં આવી હોય તે દિવસથી તેને દંડ લાગુ પડવા માંડે છે.
દંડની મહત્તમ રકમ રૂ. 5 કરોડ નક્કી કરાઈઃ
બીજા શબ્દોમાં કહીએ તો જેટલા દિવસ નિયમનો ભંગ થયો હોય તેટલા દિવસ દંડ લાગતો જ રહે છે. આ દંડની મહત્તમ રકમ રૂ. 5 કરોડ નક્કી કરવામાં આવેલી છે. કોઈપણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા જ નક્કી કરવામાં આવે છે.
રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા કડક કાર્યવાહીઃ
રેરાના સૂત્રોનું કહેવું છે કે પ્રોજેક્ટ પૂરો થયા પછી ઘણાં બિલ્ડર્સ બિલ્ડિંગ યુઝની પરવાનગી લઈને પ્રોજેક્ટ સમેટી લે છે. પરંતુ આ બધું રજૂ કરીને પ્રોજેક્ટ લીધા છે કે નહિ તેની જાણ રેરાને કરીને પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હોવાનું જણાવવાનું હોય છે.
આ જ રીતે ડેવલપર્સે સોસાયટીના સભ્યોને તેમનો ચાર્જ સોંપ્યો કે નહિ કે પછી તેમને સહકારી સોસાયટીની સ્થાપના કરીને મેમ્બર્સને આપવાના થતાં નાણાં પરત આપ્યા કે નહિ તેની વિગતો રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી સમક્ષ મૂકીને પ્રોજેક્ટનું કામ પૂરું થઈ ગયું હોવાની જાણ કરવાની છે. મોટાભાગના બિલ્ડર્સ ડેવલપર્સ પ્રોજેક્ટ પૂરો થયા પછી બિલ્ડિંગ યુઝની પરવાનગી મેળવી લીધા બાદ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીને તેઓ જાણ ન કરતાં હોવાથી તેમના એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે ચર્ચા કરીને નિર્ણય લેવાનું સૂચન મૂકવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે