અમદાવાદ ગ્રામ્યમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ, કુલ આંકડો 14 પર પહોંચ્યો
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદ: કોવિડ-19 વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા "કોરોના યોધ્ધા બનો- ઘરે રહો, સુરક્ષિત રહો" ના ધ્યેયમંત્રના પ્રચાર સાથે સમગ્ર જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે જેવી સંઘન આરોગ્ય વિષયક કામગીરી ઉપરાંત શંકાસ્પદ કોરોના દર્દીઓના સેમ્પલ લેવા જેવી કામગીરી કરાય છે.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં અસરગ્રસ્ત દેશોમાંથી આવેલા તથા અન્ય પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 1050 વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરાયા હતા. તે પૈકી 666 વ્યક્તિઓએ 14 દિવસનો ક્વોરન્ટાઈન પિરીયડ પૂર્ણ કરતા આરોગ્ય સહિત સમગ્ર જિલ્લા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ 384 હોમ ક્વોરન્ટાઈનમાં છે.
કોવિડ-19 પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની વિગત જોઈએ તો ફેમીલી કોન્ટેકટમાં આવ્યા હોય તેવી 33 વ્યક્તિઓ, કોમ્યુનિટી કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવા 154 અને હોસ્પિટલ કેર કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવા 38 મળીને કુલ 225 લોકો છે. અત્યાર સુધી કુલ 314 લોકોના સેમ્પલ લેવાયા છે. તે પૈકી 14 પોઝિટીવ અને 327 લોકોના સેમ્પલ નેગેટીવ આવ્યા છે.
હાલમાં પોઝિટિવ સારવાર હેઠળ 13 દર્દીઓ છે. જ્યારે એક વ્યક્તિ રિકવર થઈ છે. જિલ્લા દસ્ક્રોઈ તાલુકામાં 7, સાણંદ તાલુકામાં 3, તથા બાવળા, ધંધુકા, વિરમગામ અને માંડલ તાલુકામાં એક-એક મળી કુલ 14 લોકો પોઝિટિવ લક્ષણો ધરાવે છે. જો કે, જિલ્લામાં એકપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે