PM Modi In Kutch : PM એ કહ્યું, અહીં રસ્તે ચાલતા પણ કોઈ વ્યક્તિ સપનુ સેવે તો આખું કચ્છ તેને વટવૃક્ષ બનાવવામાં જોડાય છે
PM Modi Kutch Visit : પ્રધાનમંત્રીએ આજે કચ્છવાસીઓની અનેક પ્રોજેક્ટ્સની ભેટ આપી, જેના બાદ તેમણે કચ્છી માડુઓને સંબોધન કર્યું
Trending Photos
કચ્છ :કચ્છ માટે આજે મોટો દિવસ છે. પીએમ મોદીએ આજે કચ્છીઓને અનેક વિકાસકાર્યોની ભેટ આપી છે. કાર્યક્રમમાં સ્ટેજ પર પીએમ મોદીનું કચ્છી પાઘડી અને કચ્છી જેકેટ પહેરાવીને સ્વાગત કરાયું. પ્રધાનમંત્રીએ સ્ટેજ પરથી નર્મદા નદીની કચ્છ શાખા નહેરની તખતીનું રિમોટ કન્ટ્રોલથી અનાવરણ કર્યું. તેમણે આ નહેરને વિધિવત રીતે જનસમર્પિત કરી હતી. આ ક્ષણે નહેરના દરવાજા ખૂલીને નર્મદાના પાણી કચ્છમાં પહોંચ્યા હતા. જે કચ્છની સમૃદ્ધિના દ્વાર ખૂલશે. કચ્છમાં હવે જળક્રાંતિ આવશે. રણોત્સવથી ઓળખાતું કચ્છ જળોત્સવ ઉજવી રહ્યું છે. વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરીને પીએમ મોદીએ કચ્છની પ્રજાને સંબોધન કર્યું. ભૂકંપના દિવસોને યાદ કરીને પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા.
કચ્છીઓને સંબોધતા તેમણે કહ્યું કે, આજે મન ભાવનાઓથી ભરેલું છે. સ્મૃતિવન અને બાળ વીર સ્મારકના નિર્માણમાં માત્ર પસીનો જ નહિ, કેટલાક પરિવારના આસુંઓએ પણ તેના ઈંટ-પત્થરોનું સિંચન કર્યું છે. મને યાદ છે અંજારમાં બાળકોના પરિજનોએ બાળ સ્મારક બનાવવાનો વિચાર મૂક્યો હતો. ત્યારે નક્કી કર્યુ હતું કે તેને પૂરુ કરીશું. તે પ્રણ આજે પૂરો કર્યો. જેઓએ સ્વજનોને ગુમાવ્યા, બાળકોને ગુમાવ્યા, આજે ભારે મનથી આ સ્મારકોને તેમને સમર્પિત કરું છું. આજે કચ્છ સાથે જોડાયેલા 4000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું. જે કચ્છના વિકાસ માટે ડબલ એન્જિનના સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આજે ભૂજની ધરતી પર આવીને સ્મૃતિ વન જઈ રહ્યો હતો ત્યારે આખા રસ્તામાં કચ્છે જે પ્રેમ વરસાવ્યો, તેનાથી આ ધરતી અને અહીંના લોકોને નમન કરુ છું.
તેમણે કહ્યું કે, સ્મૃતિવનમાંથી પસાર થયો તો અનેક જૂની યાદો તરી આવી. અમેરિકામાં આતંકી હુમલા બાદ પોઈન્ટ ઝીરો નામનું એક સ્મારક બનાવાયું છે. જાપાનમાં હીરોશીમા બાદ બનાવાયેલું મ્યૂઝિયમ પણ જોયું છે. આજે સ્મૃતિવન જોયા બાદ દેશવાસીઓને કહેવુ છે કે આપણું સ્મૃતિવન દેશના સ્મારકોની તુલનામાં એક કદમ પણ પાછળ નથી.
તેમણે કહ્યું કે, સામૂહિકતાની શક્તિએ મુશ્કેલ સમયમાં કચ્છ અને ગુજરાતને સંભાળ્યું. અગણિત નામોની સ્મૃતિ મારી નજર સામે આવે છે. ધીરુભાઈ શાહ, તારાચંદ છેડા, પ્રતાપસિંહ જાડેજા, હીરાલાલ પારેખ, જનસુખ ઠક્કર, રસીક ઠક્કર, ભોપાલભાઈ, અંજારના ચંપકલાલ શાહ જેવા લોકોની સાથે ખભા સાથે ખભા મળાવીને કામ કરવાનુ સૌભાગ્ય મળ્યુ હતું. આજે તેઓ હયાત નથી. તેમની આત્મા જ્યા પણ હશે કચ્છના વિકાસ માટે તેમને સંતુષ્ટિ અનુભવાશે અને આપણને આશીર્વાદ આપશે. આજે પણ કચ્છના વિકાસને આ લોકો પ્રેરણા આપે છે. કચ્છમાં રસ્તે ચાલતા પણ કોઈ વ્યક્તિ સપનુ સેવે તો આખું કચ્છ તેને વટવૃક્ષ બનાવવામાં જોડાઈ જાય છએ. કચ્છના આ જ સંસ્કારોએ આશંકા આકલનને ખોટુ સાબિત કર્યું. કચ્છ ક્યારેય ઉભુ નહિ થઈ શકે એવુ કહેનારા બહુ જ હતા. પણ આજે અહી તસવીર બદલાઈ ગઈ છે. ભૂકંપ પછીની દિવાળી મેં ઉજવી નથી. મારી સરકારના કોઈ મંત્રીએ દિવાળી ઉજવી નથી. ભૂકંપ બાદની પહેલી દિવાળીમાં સ્વજનોની યાદ આવવી સ્વભાવિક હતું. તેથી હું તમારી વચ્ચે આવીને રહ્યો. તેથી જ હું વર્ષોથી દિવાળી બોર્ડર પર જઈને દેશના જવાનો સાથે ઉજવું છું. તે વર્ષે મેં પરંપરા છોડીને ભૂકંપ પીડિતો વચ્ચે આવ્યો હતો. મુશ્કેલીના એ દિવસોમાં મેં કહ્યુ હતું કે, કે આપણે આપદાને અવસરમાં બદલીને રહીશું. તમને જે રણ દેખાય છે તે રણમાં મને ભારતનું તોરણ દેખાય છે. આજે હું લાલ કિલ્લાથી કહુ છું કે, 2047 ભારત વિકસીત દેશ બનશે. આજે તે સત્ય બનીને ઉભર્યું છે.
તેમણે કચ્છીઓ માટે કહ્યું કે, જે કચ્છમાં સિંચાઈ પરિયોજનાનું કોઈ વિચારી શક્તુ ન હતું. ત્યાં અમે ડેમ બનાવ્યાં. બાળકના જન્મના ચારચાર વર્ષ સુધી વરસાદ પડતો ન હતો એવા દિવસો પણ હતા. બે દાયકા પહેલા કચ્છમાં ડેમ બનશે તેવુ કોઈ વિચાર પણ કરતુ ન હતુ. પરંતુ આજે જે એકવાર અહી આવે છે તે કચ્છને ભૂલી શક્તો નથી. અહીંની દાબેલી, ભેલપુરી, કચ્છની ખારેક, કેસરનો સ્વાદ અહીં બધુ જ છે. જૂની કહેવત છે. મહેનતનુ ફળ મીઠું હોય છે. કચ્છે આ કહેવતને જમીન પર ઉતારી છે. ફળ ઉત્પાદનમાં કચ્છ ગુજરાતમાં નંબર વન જિલ્લો છે. અહીંના કમલમ, ખજૂર, અનાર વિદેશમા પણ મીઠાશ ફેલાવી રહ્યાં છે.
આજે આ જ કચ્છમાં પશુધનથી ધન વધારવાનું શરૂ કર્યું છે. 20 વર્ષમાં અહીં દૂધનુ ઉત્પાદન ત્રણ ગણું વધ્યું. સરહદ ડેરીના પ્રારંભે માત્ર 1400 લીટર દૂધ જમા થતુ હતું. પરંતુ આજે 5 લાખ લિટર દૂધ ભેગુ થાય છે. કચ્છએ આખા ગુજરાતને વિકાસની નવી ગતિ આપી છે. એક સમયે ગુજરાત પર કુદરતી આપદાના અનેક સંકટ આવી રહ્યાં હતા. ગુજરાત પર ષડયંત્રો થતા. આવી સ્થિતિમાં પણ એક તરફ ગુજરાત ડિઝાસ્ટર એક્ટ બનાવતુ પહેલુ રાજ્ય બન્યું. તેના પર કાયદો બન્યો. આ કાયદો કોરોનાકાળમાં ઘણો કામમાં આવ્યો. કચ્છના વિકાસ માટે લાખો કરોડો રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ થયું છે. અહી દુનિયાના સૌથી મોટા સિમેન્ટ પ્લાન્ટ છે. દુનિયાનો બીજો સૌથી મોટો ટેક્સટાઈલ પ્લાન્ટ છે. હિન્દુસ્તાનમાં કોઈ એવુ નહિ હોય જેણે અહીંનું મીઠું ખાધુ નહિ હોય.
કચ્છનો ક અને ખમીરનો ખ એનુ નામ મારો કચ્છડો બારેમાસ. સ્મૃતિવન દુનિયાનું મહત્વનુ નજરાણું છે, તેને જાળવવાની જવાબદારી તમારી છે. ભૂજિયા ડુંગરને લીલોછમ બનાવવાનો છે. રણોત્સવમાં જેટલી તાકાત છે, તેના કરતા અનેકગણી તાકાત સ્મૃતિવનમાં છે. આ મોકો ચૂકતા નહિ. સપના સાથે અને સંકલ્પ સાથે મેં તેમાં કામ કર્યું છે. તેમાં તમારી ભાગીદારી સાથ સહકાર જોઈએ. ભુજિયો ડુંગર જીવતો થાય તેના માટે તમારો સાથે જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે