સંમેલન પહેલા ક્ષત્રિયોની અટકાયત શરૂ, રાજકોટ ના પહોંચે તે માટે જુઓ કોને કોને નજરકેદ કરાયા
Rajput Grand Convocation : રાજકોટમાં રતનપર ખાતે યોજશે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, આજે સાંજે 4થી રાત્રે 8 વાગ્યા સુધી યોજાશે સંમેલન, 50,000 ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થશે, 250થી વધુ પોલીસ જવાનો રહેશે તૈનાત, ત્યારે રાજપૂતોને રાજકોટ સુધી આવતા રોકવા માટે પોલીસે અટકાયત અને નજરકેદનો દોર શરૂ કર્યો
Trending Photos
Gujarat Politics : આજે ક્ષત્રિયોની આરપારની લડાઈ છે. ક્ષત્રિયોની માન મર્યાદાની લડાઈ છે. રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોના મહા સંમેલનને લઈને ગુજરાત પોલીસની આખી ફોજ ઉતારવામાં આવી છે. સવારથી જ 250થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. ક્ષત્રિય મહાસંમેલનમાં ક્ષત્રિય પોલીસ અધિકારીઓને પણ મેદાનમાં ઉતારાયા છે, જેઓ સમાજને સમજાવવાની ક્ષત્રિય પોલીસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. તો રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પણ સંમેલન સ્થળે પહોંચી ગયા છે અને સ્થળની મુલાકાત લઈ રહ્યાં છે. ત્યારે આ વચ્ચે પોલીસે રાજપૂતો રાજકોટ સુધી ન પહોંચે તે માટે અટકાયત અને નજરકેદનો દોર શરૂ કર્યો છે. અનેક ક્ષત્રિયોને રાજકોટ મહાસંમેલન જતા અટકાવવાનો પ્રયાસ કરવામાઆવી રહ્યો છે. અન્ય રાજ્યોમાંથી આવતા રાજપૂતોને પણ બોર્ડર પર રોકવાના પ્રયાસ કરાઈ રહ્યાં છે.
મહિલા આગેવાનોને રોકવામાં આવી
આંદોલનમાં આવતા 5 ક્ષત્રિય મહિલા આગેવાનોને રોકવામાં આવી છે. ગીતાબા પરમાર, પ્રજ્ઞાબા ઝાલા, અસ્મિતાબા ઝાલા, જાગૃતિબા રાઠોડ અને ચેતનાબા જાડેજાને પોલીસે અટકાવી હતી. મહિલા ક્ષત્રિય આગેવાનોએ પોલીસે નજરકેદ કર્યા હોવાના આરોપ લગાવ્યા છે. પોલીસે સંમેલનમાં ન જવા સૂચના આપી હોવાનું તેઓએ જણાવ્યું.
રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા જ અટકાયત
રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા રાજસ્થાનથી પણ લોકો આવી રહ્યાં છે. ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. રાજસ્થાનથી અરવલ્લી થઈને ગુજરાત પ્રવેશતા શિલાદેવી સુખદેવ સિંહ ઘોઘામેડીને પોલીસે નજરકેદ કર્યાં છે. જયપુરથી રાજકોટ જતા રતનપુર પાસે શિલાદેવીની અટકાયત કરાઈ છે. શિલાદેવી મૃતક સુખદેવ સિંહ ઘાઘામેડીના પત્ની છે. કરણી સેનાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખના પત્નીને રાજકોટ કાર્યક્રમ પૂર્ણ થાય સુધી નજરકેદ રખાશે. અરવલ્લી પોલીસ બોર્ડર વિસ્તારમાં સક્રિય બની છે. ખાનગી રીતે ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામા આવી રહી છે.
ક્ષત્રિયો ગામોગામ વિરોધ કરીને અટકાયત વહોરવા લાગ્યા
રાજકોટનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. હવે આ લડાઈ પરસોતમ રૂપાલા VS ક્ષત્રિય સમાજ ન રહીને ક્ષત્રિય VS ભાજપ થવા જઈ રહી છે. આ વિવાદ ચરમસીમાથી વટીને હવે પ્રતિષ્ઠાના જંગ સુધી આવી ગયો છે. બન્ને પક્ષેથી કોઈ નમતુ જોખવા તૈયાર નથી. ઉલ્ટાનું હવે તો લડી લેવાના મુડમાં છે. બીજીબાજુ ક્ષત્રિયોનું આંદોલન કરવામાં આક્રમક બનતુ જાય છે. ગામોગામ વિરોધાત્મક કાર્યક્રમ આપીને અટકાયત વહોરવા લાગ્યા છે. આવતીકાલે લડતની દેશવ્યાપી લડાયક રણનીતિ ઘડવા માટે ભારતભરમાંથી કરણી સેના અને ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન રતનપરમાં આયોજિત કરવામાં આવ્યું છે. લાખોની સંખ્યામાં ક્ષત્રિયો આ મહાસભામાં ઉમટી પડવાના છે. આજે સાંજે 5 વાગ્યે મહાસભા રાખવામા આવી છે. રાજ્યભરમાંથી 1300 બસ અને 4600 ફોરવહીલ સહિતના વાહનોમાં ક્ષત્રિયો રાજકોટ પહોંચી રહ્યાં છે. મહાસભા માટે સંબંધિત ડિપાર્ટમેન્ટની મંજૂરી ૫૦ હજાર લોકોની માગવામા આવી છે પરંતુ ધારણા એવી છે કે, ૨ લાખથી વધુ ક્ષત્રિયો સભામાં આવશે તેવુ માનવામા આવે છે.
રાજકોટના રતનપરમાં આજે ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન થશે. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં દેશભરમાંથી ક્ષત્રિય સમાજ એકત્ર થશે. સંમેલનમાં આંદોલનને કઈ દિશામાં લઈ જવું તેની નીતિ આજે જાહેર થશે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની જ એક માત્ર માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. આ માટે DCP, ACP સહિત 500 પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવશે. મુંબઈ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ અને MP થી ક્ષત્રિયો ઉમટે તેવી શક્યતા છે. સંમેલનમાં 50 હજારની મંજૂરી મળી છે, પણ 1 થી દોઢ લાખ ક્ષત્રિયો એકત્ર થવાનો અંદાજે છે. ત્યારે મહા સંમેલન શરૂ થવાના થોડા કલાકો પહેલા ગુજરાત સરકારે નવી રણનીતિ ઘડી નાંખી છે. નેતાઓથી કામ ન બન્યું તો, ક્ષત્રિય સમાજને સમજાવવા રાજ્ય સરકારે ક્ષત્રિય અધિકારીઓ મેદાને ઉતાર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે