Rajkot: CM ભૂપેન્દ્ર પટેલે જ્યાં સફાઈ કરી તે બાલાજી મંદિર સામે હાઈકોર્ટમાં થઈ PIL
રાજકોટના કરણપરામાં આવેલા બાલાજી મંદિર સામે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. આ મંદિરનું સંચાલન વડતાલ સ્વામિનારાયણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ : રાજકોટના પૌરાણિક સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત કરણસિંહજી બાલાજી મંદિરના નવિનીકરણને લઇને વિવાદ સર્જાયો છે. રાજ્ય સરકાર દ્રારા બાલાજી મંદિર પરિસરમાં જ આવેલી કરણસિંહજી હાઇસ્કૂલનું જર્જરિત બિલ્ડીંગ શૈક્ષણિક હેતુ માટે શરતોને આધીન સોંપવામાં આવ્યું હતું. જો કે સ્થાનિકોનો આક્ષેપ છે કે મંદિર ટ્રસ્ટ દ્રારા શરતોને ભંગ કરીને કરણસિંહજી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં પેશકદમી કરી છે. જેને લઈને હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે ગત શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજકોટના આજ કરણસિંહજી બાલાજી મંદિર ખાતે થી રાજ્યભરના યાત્રાધામ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
PIL દાખલ કરનાર વકીલ રાજેશ જળુંએ જણાવ્યું હતું કે, આ સંસ્થાને કરણસિંહજી હાઇસ્કૂલનું સંચાલન સોંપવામાં આવ્યું હતું ત્યારે કોઇપણ પ્રકારનું બાંધકામ પૂર્વ મંજૂરી વગર કરી શકાય નહિ પરંતુ મંદિર ટ્રસ્ટ દ્રારા આ કોઇપણ પ્રકારની મંજુરી લીધા વગર જ આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. જેમાં કરણસિંહજી હાઇસ્કૂલમાં આવેલો ચબુતરો પણ તોડી પાડવામાં આવ્યો છે અને બાજુમાં આવેલા અન્નક્ષેત્રને પણ પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મુદ્દે હાઇકોર્ટમાં પીઆઇએલ પણ દાખલ કરવામાં આવી છે.સ્થાનિકોએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપીને શરત ભંગ કરી કાર્યવાહીની માંગ કરી છે. આ અંગે ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના કોઠારિ સ્વામી પોતે સમગ્ર બાબતે અજાણ હોવાનું કહી રહ્યા છે.
શું છે સમગ્ર વિવાદ ?
ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કૂલ જર્જરિત હાલતમાં હતી. જેથી રાજ્ય સરકારે શૈક્ષણિક હેતુની 12 જેટલી શરતો સાથે આ જર્જરિત ઇમારત રીનોવેશન કરી બાલાજી મંદિર ટ્રસ્ટને વિદ્યાર્થીઓના હેતુ માટે ફાળવવામાં આવી હતી. જોકે આ કરણસિંહજી હાઈસ્કૂલ પાસે જ બાલાજી મંદિર આવેલું હોવાથી કેમ્પસમાં મંદિર માટે 20 ચોરસ મીટર જગ્યા સ્વામિનારાયણ સંપ્રદાયની માલિકીની જ હતી. પરંતુ સરકારે કરણસિંહજી હાઈસ્કૂલના જર્જરિત ઇમારત સંચાલન કરવા આપતા હવે 13 હજાર ચોરસ મીટર જગ્યા બાલાજી મંદિર ટ્રસ્ટે કબજો કરી લીધો છે. જે મંદિર 20 ચોરસ મીટરમાં હતું તે હવે વિશાળ બનાવવામાં આવી રહ્યું છે. જેવી રીતે સાળંગપુરનું મંદિર છે તેવી જ પ્રતિકૃતિનુ મંદિર નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ગેરકાયદેસર રીતે મંજૂરી લીધા વગર બાંધકામ ચણી દેવામાં આવ્યું છે. મંદિરમાં ત્રણ માળ ખડકી દેવામાં આવ્યા છે. જ્યાં રહેઠાણ અને ભોજન સહિતની સુવિધા કરવામાં આવશે. જેને લઈને વિવાદ શરૂ થયો છે.
RMC કેમ ચૂપ?
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો અવારનવાર દૂર કરવામાં આવે છે. જોકે રાજકોટ શહેરના મધ્યમાં આવેલું કરણસિંહજી બાલાજી મંદિર નું ગેરકાયદેસર બાંધકામ કેમ રાજકોટ મહાનગરપાલિકાના ધ્યાને ન આવ્યું તે એક મોટો સવાલ છે. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું હોવાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાંધકામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી કે નહીં તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે જોકે આ મામલે હવે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ચાલતા બાંધકામને અટકાવશે કે નહીં તે એક ચર્ચા નો વિષય બન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે