ક્રુરતાની હદ વટાવી : 1.10 લાખ ચૂકવ્યા, છતાં હોસ્પિટલે ખેડૂતનો લોહી નીતરતો મૃતદેહ સ્મશાને મોકલ્યો
Trending Photos
- ક્રાઇસ્ટ હોસ્પિટલે રૂપિયા પડાવી લીધા છતાં ફાટેલી પીપીઇ કિટમાં મૃતદેહ અંતિમ સંસ્કાર માટે મોકલ્યો
- પોલીસ અને ડોક્ટરોની સમજાવટ બાદ પરિવારજનોએ અંતિમવિધિ કરી
ગૌરવ દવે/ રાજકોટ :રાજકોટમાં માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. અમરેલીનાં એક ખેડૂતને કોરોના પોઝીટિવ રિપોર્ટ આવતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન ખેડૂતનું મોત થતા હોસ્પિટલે 1.10 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. બાદમાં ફાટેલી પીપીઇ કીટમાં મૃતદેહને બંધ કરી લોહીથી નિતરતો મૃતદેહ સ્મશાન ખાતે મોકલ્યો હોવાની અમાનવીય ઘટના સામે આવી છે.
મૃતદેહના નાક-કાનમાંથી લોહી વહેતુ હતું
અમરેલી નજીકના ચાંપાથળ ગામના મૃતક ખેડૂત રસિકભાઇ વધાસિયાનાં પુત્ર મુકેશભાઈએ જણાવ્યું હતું કે, સારવાર માટે હોસ્પિટલ દ્વારા અમારી પાસેથી 1.11 લાખની ફી તબક્કાવાર લેવામાં આવી હતી. મારા પિતાના મૃત્યુની સવારે 9.30 વાગે જાણ કરાઈ હતી. જેના બાદ બપોરે લાશ સોંપવામાં આવી હતી. જેમાં તેમના મૃતદેહના કાન અને નાકમાંથી સતત લોહી વહી રહ્યું હતું. ભારે હોબાળો થતા અંતે પોલીસ બોલાવવામાં આવી હતી. સ્વજનોએ પોસ્ટમોર્ટમ કરાવવાનો આગ્રહ કર્યો હતો. જોકે બાદમાં પોલીસ અને તબીબોની સમજાવટ પછી લાશના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : સરકાર ખોટું બોલે છે, પણ લાશો ખોટું બોલતી નથી... પીપીઈ કીટમાં ઢંકાયેલા મૃતદેહો આપી રહ્યાં છે
નળી કાઢ્યા બાદ લોહી નીકળતું હતું
આ અંગે ભક્તિનગર પોલીસ મથકના પી.આઇ જે. ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, મૃતકને નાકમાં ઓક્સિજન નળી મૂકવામાં આવી હતી અને લોહી પાતળું કરવા દવા આપવામાં આવી હતી. જેમાં નળી બહાર કાઢ્યા બાદ નાકમાંથી લોહી નીકળ્યાનું તારણ સામે આવ્યું છે. સમજાવટ બાદ પરિવારજનોએ આખરે મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા.
આ પણ વાંચો : બાળકો બન્યા કોરોનાના સાયલન્ટ સ્પ્રેડર, આ લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલ લઈ જજો
1.10 લાખ ખંખેર્યા - પરિજનોનો આરોપ
હોસ્પિટલવાળાએ સમજાવ્યું કે ઓક્સિજનની નળી કાઢી એટલે લોહી નીકળે છે. પરંતુ મૃતદેહમાંથી લોહી કંઇ રીતે નીકળી શકે. આ વાત પરિવારજનોને ગળે ઊતરે એવી નથી. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ લાવ્યા હતા જોકે 1.11 લાખ હોસ્પિટલને ચૂકવ્યા પણ હોસ્પિટલ તેમને બચાવી શકી નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે