ગુજરાતી હોવ તો શરમ કરો, હજારો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ગુજરાતી ભાષામાં નાપાસ થયા
10th Board Result : આજે જાહેર થયેલા ધોરણ-10ના પરિણામમાં ગુજરાતી પ્રથમ ભાષામાં 46,178 નાપાસ થયા છે જે પરિણામ ચોંકાવનારું છે. ગુજરાતી દ્વિતિય ભાષામાં 6345 વિદ્યાર્થી નાપાસ થયા છે, અંગ્રેજી ભાષાના ચલણમાં ગુજરાતી ભાષા ભૂલાઈ
Trending Photos
Students Fail In Gujarati Language : રંગેચંગે માતૃભાષા દિવસની ઉજવણી તો આપણે કરીએ છીએ પરંતુ માતૃભાષા ગુજરાતી વિષયમાં દર વર્ષે લાખ જેટલા વિદ્યાર્થીઓ ફેલ થાય છે. જે સ્થિતિ ખરેખર ચિંતાજનક છે. છેલ્લા કેટલાક વર્ષના ધોરણ 10ના બોર્ડના પરિણામો પર નજર કરશો તો ખ્યાલ આવશે કે સરેરાશ હજારો વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતી ભાષામાં ફેલ થાય છે. આજે જાહેર કરાયેલા ધોરણ 10નું પરિણામ ગુજરાતી ભાષાને લઈ આંખ ઉઘાડતું પરિણામ છે. ધો-10માં ગુજરાતી પ્રથમ ભાષામાં 46,178 નાપાસ થયા છે જે પરિણામ ચોંકાવનારું છે. ગુજરાતી દ્વિતિય ભાષામાં 6345 વિદ્યાર્થી નાપાસ થયા છે.
આપણા માટે ગર્વની બાબત છે કે ગુજરાતીઓએ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. ભૂતકાળમાં ગાંધીજીથી માંડીને સરદાર પટેલ અને હાલના સમયમાં રાજકીય ક્ષેત્રે નરેન્દ્ર મોદી, અમિત શાહ, ઉદ્યોગના ક્ષેત્રે અંબાણી બંધુઓ, અદાણી, અઝીમ પ્રેમજી, હાસ્યકલાકારોમાં જ્યોતિન્દ્ર દવેથી શાહબુદ્દીન રાઠોડ, લેખકોમાં મનુભાઈ પંચોળીથી તારક મહેતા, કલાકારોમાં ઓસમાણ મીરથી માંડીને પ્રતિક ગાંધી જેવા અસંખ્ય અને અગણિત ગુજરાતીઓનું પ્રદાન છે. તેનુ આપણને ગર્વ છે. પરંતુ આ પૂરતુ નથી. ગુજરાતી વિદ્યાર્થીઓનો ગુજરાતી માટેનો પ્રેમ ક્યાંક ખૂટતો વરતાઈ રહ્યો છે. જેની સાક્ષી આ આંકડાઓ પુરી રહ્યા છે. ગુજરાતના વિદ્યાર્થીઓ અંગ્રેજી તો સમજ્યા, ગુજરાતી વિષયમાં જ નબળા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતી વિષયમાં નાપાસ થવાનો આંકડો ખૂબ મોટો થઈ રહ્યો છે. ધોરણ 10 બોર્ડ પરીક્ષાના છેલ્લા 10 વર્ષના ગુજરાતી વિષયના આંકડાઓ પર નજર કરવામાં આવે તો…
- 2014માં ગુજરાતી વિષયમાં 1,61,888 વિદ્યાર્થીઓ નાપાસ
- 2015માં 27 ટકા એટલે કે 2,26,663 વિદ્યાર્થીઓ નાપાસ
- 2016માં 2 લાખ 29 હજાર વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ
- 2017માં 1 લાખ 3 હજાર વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ
- 2018માં 1 લાખ 6 હજાર વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ
- 2019માં 91 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ
- 2020માં 1 લાખ 348 વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ
- 2021માં કોરોનાના કારણે માસ પ્રમોશન અપાયું
- 2022માં 1 લાખ 19 હજાર વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ
- 2023માં 97,586 વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં નાપાસ
- 2024માં ગુજરાતી પ્રથમ ભાષામાં 46,178 નાપાસ થયા
ગુજરાતમાં દર વર્ષે ધોરણ 10માં લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં જ ફેલ થઈ રહ્યા છે. આ જાણ્યા પછી ગુજરાતી ભાષાની આનાથી વધુ દયનિય સ્થિતિ બીજી કઈ હોઈ શકે તે સવાલ ચોક્કસથી થાય. ગુજરાતી માતૃભાષા હોવાને કારણે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓમાં એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે આપણે માતૃભાષા શીખવાની ક્યાં જરૂર છે? એ તો આવડે જ છે ને? બસ એના જ કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ જોડણીની અને વ્યાકરણને હળવાશમાં લે છે અને તેની ભૂલો કરે છે. બાદમાં ઓછા માર્ક્સ આવે છે અને નાપાસ થવાનો વારો આવે છે.
પરિણામ પર કોંગ્રેસને કટાક્ષ
ગુજરાતી ભાષામાં નાપાસ મુદ્દે કોંગ્રેસે સરકાર પર કટાક્ષ કર્યો હતો કે, જેનું પરિણામ ઓછું આવ્યું તે વિદ્યાથીઓને ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતી ભાષામાં નાપાસ થયા તે ચિંતાનો વિષય છે. બેઝિક ગણિતમાં પણ એક લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ક્લાસરૂમ શિક્ષણ આપવાની જરૂર છે. સરકારે હકીકત લક્ષી શિક્ષણ આપવું જોઈએ. શિક્ષણ વિભાગે પણ પોતાનું મૂલ્યાંકન કરવું જોઈએ અને પરિણામ સુધારવા પ્રયાસ કરવા જોઈએ.
અંગ્રેજી સામે ગુજરાતી ભાષાને ટકાવી રાખવાનો પડકાર?
આજના જમાનામાં અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનો ક્રેઝ વધ્યો છે. બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતાં થતા ગુજરાતી લખતા-વાંચતા ભૂલી રહ્યા છે. કોઇ રેસ્ટોરન્ટમાં કે જાહેર જગ્યાએ પણ ગુજરાતીના બદલે હિન્દીમાં વાત કરતા જોવા મળે છે. માતૃભાષા આવડતી હોવા છતા તે વાત કરવાનું ટાળે છે. હાલમાં બધાનો એક ભૂત છે કે અંગ્રેજી બોલતા આવડે એટલે હોશિયાર. પણ એ ભૂલી જાય છે કે અંગ્રેજી પણ એક ભાષા જ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે