જેના થકી આખો પરિવાર ચાલતો હતો, તેને જ મર્સિડીઝે ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યો
Trending Photos
- સોમવારે રાત્રે 8.30 કલાકે 8.30 વાગ્યાની આસપાસ મર્સિડીઝ કારનો અકસ્માતનો સિલસિલો શરૂ થયો હતો
- રામધની પરિવારે બે મહિનામાં પરિવારના બે સદસ્યોને ગુમાવ્યા છે. બે મહિના પહેલા જ નિર્મલના નાના ભાઈની પત્નીનું મોત નિપજ્યું હતું
ઝી મીડિયા/બ્યૂરો :સુરત શહેરમાં ઉધના મગદલ્લા રોડ પર ગઈકાલે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની છે. મર્સિડીઝ કારે સાયકલ, બાઇક અને ઓટોરિક્ષાને અડફેટે લીધી હતી. જેમાં સાયકલસવાર શખ્સનું મોત થયું હતું. ચાલક મર્સિડીઝ મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતના પગલે રોડ પર લોકોનાં ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. ગાડીમાં તોડફોડ પણ કરી હતી. પરંતુ ત્યા સુધીમાં એક શખ્સની સાથે તેનો આખો પરિવાર વિખેરાઈ ગયો છે. મર્સિડીઝની ટક્કરે જે યુવકનું મોત નિપજ્યું, તે પોતાના પરિવારનો મોભી હતો. આખુ પરિવાર તેની કમાણી પર ચાલતો હતો. તો સાથે જ તેના મોતથી 2 પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
આ પણ વાંચો : રાજકોટ મનપાએ ભાંગરો વાટ્યો, લોકોને 1 સેકન્ડમાં 40 કિમીની સ્પીડે વાહન દોડાવવાનું કહ્યું
મર્સિડીઝ ગાડીએ સોમવારે રાત્રે ત્રણ ગાડીઓને ટક્કર મારી હતી. જેમાં પહેલા એક્ટિવા, બાદમાં રિક્ષા અને બાદમાં સાઈકલને ટક્કર મારી હતી. જેમાં સાઈકલ સવાર નિર્મલ રામધનીનું મોત નિપજ્યું છે. નિર્મલ રામધની 32 વર્ષના છે. મર્સિડીસ ચાલકે આખી ગાડી નિર્મલ રામધની પર ફેરવી દીધી હતી. નિર્મલ રામધની સુરતમાં યાર્નના વેપારી ગિરધર કેજરીવાલને ત્યાં નોકરી કરે છે. તેનો પરિવાર 18 વર્ષથી સુરતમાં રહે છે. નિર્મલને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પરંતુ દુખની વાત એ છે કે, રામધની પરિવારે બે મહિનામાં પરિવારના બે સદસ્યોને ગુમાવ્યા છે. બે મહિના પહેલા જ નિર્મલના નાના ભાઈની પત્નીનું મોત નિપજ્યું હતું. તેના બાદથી નિર્મલ જ પરિવારનો એકમાત્ર સહારો હતો. તે એકલા હાથે પરિવારનું પેટ ભરતો હતો. પરંતુ હવે રામધની પરિવારે પોતાનો કમાઉ દીકરો ગુમાવ્યો છે. તો સાથે જ ત્રણ સંતાનોએ પિતા ગુમાવ્યા છે.
આ પણ વાંચો : પતંગ બજારમાં કોરોનાનો વાયરો, નોખા મેસેજ સાથેની પતંગ એક ધાબાથી બીજા ધાબા પર ઉડશે
સોમવારે રાત્રે 8.30 કલાકે 8.30 વાગ્યાની આસપાસ મર્સિડીઝ કારનો અકસ્માતનો સિલસિલો શરૂ થયો હતો. તેણે પહેલા મગદલ્લા રોડ પર એક દંપતીને ટક્કર મારી હતી. જેના કારણે ટોળુ ભેગુ થયું હતું. પરંતુ ટોળુ ભેગુ થતા જ મર્સિડીઝ ચાલક ભાગવા જતો હતો, એટલી વારમાં તેણે અણુવ્રત દ્વાર પાસે એક કારને ટક્કર મારી હતી. અહી પણ કારના ચાલક સાથે તેની બોલાચાલી થઈ હતી. ત્યાંથી તે ફરી ભાગ્યો હતો. જ્યાં ઓટો રીક્ષા અને સાઈકલને ટક્કર મારી હતી. જોકે, સ્થાનિકોના કહેવા અનુસાર, મર્સિડીઝ કારનો ચાલક નશામાં ધૂત હોવાનુ કહેવાય છે. પરંતુ હીટ એન્ડ રનની આ ઘટનામાં એક પરિવારે તેમનો જુવાનજોધ દીકરો અને ત્રણ સંતાનોએ પિતા ગુમાવ્યા છે.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળા વિખેરીને ગુનો નોંધ્યો હતો. ગાડીના નંબરના આધારે તપાસ ચાલુ કરી છે. ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રન સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને ચાલકને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ ચાલુ કરી દીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે