ગુજરાતમાં અજીબોગરીબ કિસ્સો: ખૂંખાર દીપડાને આજીવન કેદની સજા, જાણો શું કર્યો છે કાંડ?
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: માંડવીના બાળકને મારનાર દીપડો ઝંખવાવ સેન્ટરનો પ્રથમ કેદી બન્યો ફરી હુમલો ન કરે તે માટે આજીવન રખાશે. સુરત જિલ્લામાં છેલ્લાં 6 માસમાં દીપડા દ્વારા લોકો પર જીવલેણની 3 ઘટનાઓ બની છે. જેમાં થોડાક સમય પૂર્વે માંડવીમાં માનવભક્ષી દીપડાએ ખેતમજૂરના એક સાત વર્ષીય બાળકને ઉપાડી જઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. માંડવી વન વિભાગે 11 કલાક સુધી શોધખોળ કરીને દીપડાને પાંજરે પૂર્યો હતો.
આ દીપડો માનવભક્ષી હોવાનું સાબિત થયાં તેને ઝંખવાવ ખાતે શરૂ કરાયેલા પ્રથમ રિહેબિલિટેશન સેન્ટરમાં મૂકાયો છે. આમ ઉશ્કેર રિહેબિલિટેશન સેન્ટરનો આ દીપડો પ્રથમ કેદી બન્યો છે. ઝંખવાવ ખાતે હિંસક પ્રાણીઓ માટે પુનઃવસન કેન્દ્રની શરૂઆત બાદ કોઈ પ્રાણીને આ પ્રમાણે રાખવાની આ પ્રથમ ઘટના છે. ડીએફઓ આનંદ કુમારે જણાવ્યું હતું કે દીપડાને જો ફરી છોડવામાં આવે તો તે ફરી માનવ પર હુમલો કરી શકે છે. તેથી આવા દીપડાને અહીં જ આજીવન રખાશે. પુનઃવસન કેન્દ્રમાં માનવભક્ષી દીપડાને અંત સુધી રાખવાની વ્યવસ્થા છે.
સુરત ડીસીએફ આનંદ કુમારે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના જંગલોમાં ફરતા દીપડા શિકારની શોધમાં માનવ વસાહટની નજીક આવી રહ્યા છે. ભેંસ, ડુક્કર, વાછરડા સહિતના પ્રાણીઓ પર હુમલા કરવા સાથે દીપડા ઘણી વખત માનવી ઉપર પણ હુમલો કરી દે છે. માનવી પર હુમલો કરવાના બનાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે એક વખત મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાઈ તો રિહેલિટિબેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે. પહેલાં દક્ષિણ ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટર નહીં હોવાથી વડોદરા ખાતે મોકલાતા હતા. પરંતુ હવે સુરતના માંડવી સ્થિત ઝંખવાવમાં 1.50 કરોડ રૂપિયાના ખર્ચે રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે.
સાથે તેઓએ જણાવ્યું હતું કે, માંડવીના ઝંઝવાવમાં 10 દીપડા રાખી શકાય એવું રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને માંડવીમાં જ બીજું રિહેબિલિટેશન સેન્ટર બનાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જગ્યા ફાઇનલ કરી દેવામાં આવી છે. અહીંયા પણ 10 દીપડાને રાખી શકાય તેવી કેપેસિટી સાથેનું રિહેબિલિટિશન સેન્ટર બનાવાશે.
ઉલ્લેખનીય છે કે, હવે એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાઈ તો તે જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે. દરમિયાન માંડવીના ઝંઝવાવમાં હાલ જ રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થયું છે. ત્યારે માંડવીના ઉશ્કેરથી પકડાયેલો દીપડો ઝંઝવાવ સેન્ટરનો પહેલો કેદી બન્યો છે. હવે પછી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગના જંગલમાં કોઈપણ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાશે તો તેને ઝંખવાવના સેન્ટરમાં રાખવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે