તહેવારોમાં ઘર બંધ કરીને જતા હોય તો સાવધાન! 40 તોલા સોનું, 1800 ગ્રામ ચાંદી, 7 લાખની ઉઠાંતરી

પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ આવેલ દેવ દર્શન પાર્કમાં ભાડાના મકાનમાં રહેતા કાન્તાબેન રમેશભાઈ કોટીયા 62 વર્ષના વૃદ્ધાના ઘરમાં ચોરીનો મોટો બનાવ બન્યો છે.

તહેવારોમાં ઘર બંધ કરીને જતા હોય તો સાવધાન! 40 તોલા સોનું, 1800 ગ્રામ ચાંદી, 7 લાખની ઉઠાંતરી

અજય શીલુ/પોરબંદર: ચોરી લૂંટફાટની ઘટનાઓથી બચવા લોકો પોતાના કીંમતી સોના ચાંદીના દાગીના તથા દસ્તાવેજો સુરક્ષા માટે બેન્કના લોકરમાં રાખતા હોય છે. ઘરમાં કીંમતી દાગીના અને રોકડ રાખી થોડા સમય માટે પણ બહાર જવું કેટલું ભારે પડે છે તેનો ખ્યાલ પોરબંદરમાં થયેલ આ ચોરીની ઘટનાથી આવી શકશે.

પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ આવેલ દેવ દર્શન પાર્કમાં ભાડાના મકાનમાં રહેતા કાન્તાબેન રમેશભાઈ કોટીયા 62 વર્ષના વૃદ્ધાના ઘરમાં ચોરીનો મોટો બનાવ બન્યો છે. આ ચોરીમાં તસ્કરો ઘરમાં રહેલ 40 તોલા સોનાના દાગીના તથા 1800 ગ્રામ જેટલા ચાંદીના વાસણો અને રોકડ 7 લાખની ઉઠાંતરીની ઘટના બની છે.આ ચોરીના બનાવ અંગે ફરિયાદી કાન્તાબેનને પુછતા તેઓએ એવું જણાવ્યું હતું કે,તેઓ ઘરના દરવાજે તથા ડેલી પર તાળું મારીને ગત તારીખ 8-11-2023ના રોજ રાત્રીના તેમની દીકરી તથા જમાઇ સાથે હોસ્પિટલના કામે અમદાવાદ ગયા હતા.

બીજા દિવસે અમદાવાદથી રાત્રે તેઓ પોરબંદર પરત પહોંચ્યા હતા અને તેમના જમાઇ તેઓને કારમા ઘરે મુકવા આવ્યાં ત્યારે તેઓએ જોયું તો ગેટ ખોલી દરવાજા પાસે જતા દરવાજે તાળુ તુટેલું હતુ તેથી તેઓએ તેમના જમાઇને જણાવતા તે બંનેએ ઘરની અંદર જઇ જોતા કબાટ ખુલ્લો જોવા મળ્યો હતો અને દાગીનાના ખાલી બોક્સો જોવા મળ્યા હતા ઘરમાં તેમના તથા તેમની દીકરીના રહેલ અંદાજે કુલ 40 તોલા સોનાના દાગીના તથા 1800 ગ્રામ જેટલા ચાંદીના વાસણો અને રોકડ 7 લાખની ઉઠાંતરીની થયાનું ફરિયાદીએ જણાવ્યું હતું. 

40 તોલા સોનું અને આટલા મોટા પ્રમાણમાં ચાંદી તેમજ રોકડની ચોરીની ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફરિયાદીની ફરિયાદ લઈને આરોપીને ઝડપી પાડવા સહિતની કાયદેસરની કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે.ચોરીની આ ફરિયાદ અંગે પોરબંદર ઇન્ચાર્જ ડીવાયએસપીએ એવું જણાવ્યું હતું કે, તપાસ માટે ટેકનીકલ અને હ્યુમન ઇન્ટલીજન્સની અલગ અલગ ટીમો બનાવી તેમજ સીસીટીવી ફૂટેજ સહિતની મદદ લઈ ચોરને વહેલીતકે પકડી પાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

સાથે જ તેઓએ શહેરીજનોને અપીલ કરી હતી કે, તહેવારો સમયે કીંમતી સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિતની વસ્તુઓ બેન્કના લોકરમાં મુકવા અપીલ કરી હતી અને આપ લાંબા સમય સુધી ઘરની બહાર જવાના હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરવા અપીલ કરી હતી.

કીંમત ચીજ વસ્તુઓ ઘરમાં રેઢી મૂકીને વેકેશન અને તહેવારોમાં બહારગામ ફરવા જતા લોકો માટે પોરબંદરનો આ કિસ્સો લાલબત્તી સમાન છે.પોલીસે હાલ તો અલગ અલગ ટીમો બનાવી ચોરને પકડી પાડવા પ્રયાસ હાથ ધર્યા છે પરંતુ દિવાળી સમયે આ ચોરીના બનાવથી પરિવારમાં ચિંતત બન્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news