લો બોલો! બિલ્ડરની ઓફિસમાં લૂંટનો ભેદ ખોલવા પોલીસ રોડ પર વેશપલટો કરીને આખી રાત બેસી રહી....!!

હિતેશ મીણા, જીતેન્દ્ર મીણા અને તેની સાથે એક સગીર હાલ લૂંટના ગુનામાં પકડાયા છે. આ રાજસ્થાનની એક ગેંગ છે જે મહિને એકાદ બે વાર અમદાવાદ તથા અન્ય જગ્યાઓએ ચોરી તથા લૂંટને અંજામ આપવા આવે છે.

લો બોલો! બિલ્ડરની ઓફિસમાં લૂંટનો ભેદ ખોલવા પોલીસ રોડ પર વેશપલટો કરીને આખી રાત બેસી રહી....!!

ઉદય રંજન/અમદાવાદ: આંબલી ગામમાં બિલ્ડરની ઓફિસમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. છ લોકોની ગેંગમાંથી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી. બોપલના એક આરોપીએ ટીપ આપી હતી અને રાજસ્થાનની ગેંગ બોલાવી હતી. આરોપીઓનો પતો માત્ર એક બાઇકને ટ્રેક કરતા લાગ્યો. તો ઓફિસ પર આવતી હાઇફાઇ ગાડીઓને જોઇને બહુ રૂપિયા મળશે તેવી લાલચે ગેંગે લૂંટ કરી હતી. કોણ છે આ શાતિર ગેંગ..

હિતેશ મીણા, જીતેન્દ્ર મીણા અને તેની સાથે એક સગીર હાલ લૂંટના ગુનામાં પકડાયા છે. આ રાજસ્થાનની એક ગેંગ છે જે મહિને એકાદ બે વાર અમદાવાદ તથા અન્ય જગ્યાઓએ ચોરી તથા લૂંટને અંજામ આપવા આવે છે. પકડાયેલ આરોપી જીતેન્દ્ર લૂંટ વાળી જગ્યાએથી અવાર નવાર પસાર થતાં ત્યાં અવાર નવાર મોંઘીદાટ ગાડીઓ આવતી હોવાથી જીતેન્દ્રને આઇટીની રેડ તથા વીવીઆઇપી કરોડપતિ લોકો આવતા હોવાની શંકા જતા વધુ રકમ મળશે તેમ માની તેણે લૂંટ કરવાનું નક્કી કર્યું. અને આરોપીઓને રાજસ્થાનથી બોલાવી શનિવારે રાત્રે લૂંટને અંજામ આપ્યો હતો. 

આરોપીઓએ હાઉસ ઓફ આદી નામની આંબલી ગામમાં આવેલી બિલ્ડરની ઓફિસ પર પહેલા રેકી કરી હતી. ત્યારબાદ આરોપીઓએ ત્યાં રહેતા બે લોકોમાંથી એકને પાઇપ મારી હત્યાની કોશિષ કરી તો એકને બંધક બનાવી કરોડોની લૂંટ ચલાવવાનું માની અંદર ઘૂસ્યા. લૂંટ કરી તો માત્ર એક લાખની રકમ તેઓને મળી. લૂંટ કરી આરોપીઓ ભાગી ગયા અને એક બાઇક પણ લૂંટી ગયા. જેની જાણ પોલીસને થતાં પોલીસે માત્ર તે બાઇક ટ્રેક કર્યું અને આરોપીઓ નારણપુરા તરફ હોવાની દિશા મળતા ત્યાં પહોંચ્યા હતા. બાઇક પોલીસને બિનવારસી મળ્યું. જેથી બાઇક લેવા કોઇ આવે તેની રાહમાં વીસેક જેટલાની પોલીસની ટીમ આખી રાત વેશપલટો કરી ગરીબ અને સીધા સાદા માણસો દેખાય તેમ બેસી રહી. આખરે વાસુદેવ નામનો એક વ્યક્તિ બાઇક લેવા આવ્યો અને પોલીસે તેને ઝડપી પાડ્યો. જો કે તે બાઇકની ચાવી તેને રાકેશ મીણાએ આપી અને તેના કહેવા પર લેવા આવ્યો હોવાની કબૂલાત કરી. જેથી પોલીસ તેને સાથે રાખી આરોપીઓને શોધવા નીકળી.

બાઇક લેવા આવનાર વાસુદેવે પોલીસ આગળ કબૂલાત કરી નાખી કે રાકેશ મીણા અનેક ચોરીના ગુનામાં સંડોવાયેલો છે અને દર એક બે મહિને માલારામ મીણા અને લલિત ઉર્ફે લલ્લુ ધુલિયા સાથે ચોરી કરવા આવે છે અને સોલા ખાતે ઓરડીમાં રહે છે. જેથી પોલીસ તાત્કાલિક તે ઓરડીમાં તપાસ કરવા પહોંચી તો હિતેશ મીણા કે જે લૂંટમાં સંડોવાયેલ હતો તેને પોલીસે ઝડપી પાડ્યો. તેણે કુલ છ શખ્સો લૂંટમાં હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી. જે પૈકી રાકેશ અને લલિત બે દિવસ પહેલા રાજસ્થાનથી આવી કિશોર સાથે મળી રેકી કરવા લાગ્યા હતા.

પોલીસે ઓરડીમાં તપાસ કરતા લૂંટમાં ગયેલો માલ પણ મળી આવ્યો હતો. બાદમાં લૂંટ કોના કહેવા પર કરી તે બાબતે પૂછતાં નામ સામે આવ્યું જીતેન્દ્ર મીણાનું, જેની પણ પોલીસે ધરપકડ કરી લીધા. જીતેન્દ્ર બોપલ ખાતે રહી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. પણ આ લૂંટ વાળી જગ્યા પાસેથી નીકળે ત્યારે મોંઘીદાટ ગાડીઓ જોઇ તેને કરોડોની લૂંટનો વિચાર આવ્યો અને તેણે ટીપ આપી આરોપીઓને બોલાવી લૂંટ કરાવી અને ઓછી રકમ મળતા આઠ આઠ હજાર નો ભાગ અન્ય આરોપીઓને આપી દીધો હતો.

હાલ સરખેજ પોલીસે હિતેશ અને મુખ્ય આરોપી જીતેન્દ્રની ધરપકડ કરી સગીર આરોપી સામે કાર્યવાહી કરી છે...જ્યારે હવે પોલીસે રાકેશ, માલારામ અને લલિતની શોધખોળ કરવા ટીમો રાજસ્થાન રવાના કરી છે...આરોપીઓએ પોલીસને ગુમરાહ કરવા ચડ્ડી બનિયનધારીનો સ્વાંગ રચ્યો હતો. જો કે આરોપીઓને પકડવા પોલીસ પણ કાંઇ કાચી ન પડી અને પોલીસે પણ વેશપલટો કરી 36 કલાક જાગી ઝડપી પાડ્યા. માત્ર એક બાઇકનું એનાલિસીસ કરી આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા તો મળી સાથે જ લૂંટનો મુદ્દામાલ પણ રિકવર કર્યો.

આરોપીઓમાં રાકેશ મીણા ચોરી અને લૂંટમાં માહેર છે તે દર મહિને એકાદ બે વાર આમ ચોરી લૂંટ કરવા પણ આવતો હતો. ત્યારે હાલ ત્રણેલ લોકોને સાથે રાખી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ તો શરૂ કરી છે પણ ફરાર આરોપીઓને શોધવા પણ તજવિજ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news