વડોદરાની કરૂણ ઘટના! માતાની તેરમાની વિધિના દિવસે જ પુત્રની હત્યા: ઘરમાં એક માત્ર કમાનાર હતા...
તાજેતરમાં જ વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં એક હત્યાનો બનાવ બન્યો, આ હત્યા પાછળનું કારણ જાણી ખુદ તમે પણ એક વાર ચોક્કસ વિચારમાં મુકાઈ જશો કે શું ખરેખર પાર્કિંગ જેવી સામાન્ય બાબતે કોઈ કોઈનો જીવ લઈ શકે ખરું?? જી હા...આ કોઈ કાલ્પનિક વાત નઈ બલ્કે એક હકીકત છે.
Trending Photos
જયંતી સોલંકી/વડોદરા: વડોદરા શહેરમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે ઝઘડો થતા એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. માતાની તેરમાની વિધિના દિવસે જ કેટલાક માથાભારે તત્વોએ પુત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે શું હતો સમગ્ર મામલો અને આખરે કેમ એક વૃદ્ધ વેપારીએ ગુમાવવો પડ્યો પોતાનો જીવ?
સંસ્કારી નગરી વડોદરાને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ અહી હત્યા, લુંટ, મારામારી જેવા અનેક કિસ્સા હવે દિવસેને દિવસે સામાન્ય બની રહ્યા છે. તાજેતરમાં જ વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં એક હત્યાનો બનાવ બન્યો, આ હત્યા પાછળનું કારણ જાણી ખુદ તમે પણ એક વાર ચોક્કસ વિચારમાં મુકાઈ જશો કે શું ખરેખર પાર્કિંગ જેવી સામાન્ય બાબતે કોઈ કોઈનો જીવ લઈ શકે ખરું?? જી હા...આ કોઈ કાલ્પનિક વાત નઈ બલ્કે એક હકીકત છે.
સમગ્ર મામલા ની હકીકત એવી છે કે હરણી રોડ નજીક અક્ષરધામ સોસાયટીમાં રહેતા અને કારેલીબાગમાં પાણીની ટાંકી રોડ ઉપર લારીમાં દરજીકામ કરતા 60 વર્ષના રમેશભાઇ ચંદુભાઇ રાઠોડના માતાનું તાજેતરમાં અવસાન થતાં તેમના તેરમાંની વિધિ સરદારભવનના ખાંચામાં હનુમાનવાડી ખાતે રાખી હતી. કુટુંબના તમામ સભ્યો ત્યાં હાજર હતા. બપોરે આશરે સવા બે વાગ્યે તેરમાની વિધિ પતાવી બધા નીકળતા હતા. તે વખતે એક ફોર વ્હીલર ગાડી સરદાર ભવનના મેઇન રોડ પરથી હનુમાન વાડી તરફ ટેકરા પર આવી રહી હતી અને ત્યારબાદ પાર્કિંગ બાબતે તકરાર થતાં રમેશભાઇ ચંદુભાઇ રાઠોડે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
સમગ્ર મામલે ડીસીપી પન્ના મોમાયા એ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે તેરમાની વિધિ પતાવ્યા બાદ લોકો નીકળી રહ્યા હતા. દરમિયાન સરદાર ભવનના ખાંચામાં દુકાન ધરાવતા શાહ જનરલ સ્ટોરના દુકાનદાર અર્પણ અને તેના બે માણસોએ રમેશભાઇ, તેમના પત્ની અને પુત્રને સાથે મારામારી કરી હતી. જેમાં રમેશભાઇને ઢોર માર મારતાં અને ધક્કો વાગવાથી પડી જતાં તેમનું મોત નીપજ્યું હતું.
કારેલીબાગ પોલીસે આ બનાવમાં હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. ડીસીપી પન્ના મોમાયાએ આ બનાવની તપાસનું સુપરવિઝન કરી સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓની વિગતો મેળવી હતી. પોલીસે આ બનાવમાં દુકાનદાર અર્પણ કિરિટકુમાર શાહ (અમીઝરા ફ્લેટ,એચડીએફસી બેન્ક પાસે, વીઆઇપી રોડ, કારેલીબાગ), મનિષકુમાર કિર્તીકુમાર શાહ (પલ્લવપાર્ક, બ્રાઇટ સ્કૂલ પાસે, વીઆઇપીરોડ અને તેના પુત્ર, યશ મનિષકુમાર શાહની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આમ તો સરદાર ભવનના ખાંચાને વર્ષોથી વ્યાપારીઓના સંપ અને કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે. ત્યારે આ વિસ્તારમાં હત્યા જેવી ઘટના ઘટે તે જાણીને સૌ વડોદરા વાસીઓ અચરજમાં મુકાયા છે. ત્યારે શું ખરેખર પાર્કિંગ જેવી નજીવી બાબતે અહી હત્યાની ઘટના બની કે પછી અન્ય કોઈ જૂની અદાવતને એક વૃદ્ધનો ભોગ લીધો? તેની હકીકત જાણવા માટે પોલીસ દ્વારા આરોપીઓની કડકાઈ થી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે