કોવિડની બીજી લહેરમાં વડોદરાની સયાજી હોસ્પિટલનું ICU સહિતનું ટ્રાયેજ બન્યું જીવન રક્ષક
એક અંદાજ પ્રમાણે આ સુવિધાને લીધે ઓકસીજન અને વેન્ટિલેટર સહિતની જે તાત્કાલિક સારવાર દર્દીઓના આગમનની સાથે જ ટ્રાયેજ માં મળી તેના પરિણામે અંદાજે 1650 થી 1750 દર્દીઓના જીવનની સુરક્ષા શક્ય બની.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરા: ટ્રાયેજ એટલે ક્વિક રિસ્પોન્સ સેન્ટર અથવા તાત્કાલિક સારવાર ની વ્યવસ્થા.સયાજી હોસ્પિટલ (Sayaji hospital) માં કોરોનાની પ્રથમ લહેર (First Wave) જ્યારે આથમી રહી હતી ત્યારે ઓકટોબરમાં કોવિડ (Covid) ટ્રાયેજની સુવિધા શરૂ કરવામાં આવી. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવની આ દૂરંદેશી ઘોડાપૂર જેવી કોરોનાની બીજી લહેરમાં ખૂબ જ નિર્ણાયક અને જીવન રક્ષક બની. એક અંદાજ પ્રમાણે આ સુવિધાને લીધે ઓકસીજન અને વેન્ટિલેટર સહિતની જે તાત્કાલિક સારવાર દર્દીઓના આગમનની સાથે જ ટ્રાયેજ માં મળી તેના પરિણામે અંદાજે 1650 થી 1750 દર્દીઓના જીવનની સુરક્ષા શક્ય બની.
સયાજી હોસ્પીટલ (Sayaji hospital) ના કોવિડ સારવારના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ એ જણાવ્યું કે આ વ્યવસ્થાથી કોવિડ (Civid 19) ના શંકાસ્પદ લક્ષણો સાથે આવતા દર્દીઓ ને પ્રથમ તો જરૂરી તાત્કાલિક સારવાર આપી શકાય છે અને જરૂરી ટેસ્ટના આધારે જો દર્દી કોવિડ પોઝિટિવ જણાય તો કોરોના વિભાગમાં અને જો નેગેટિવ હોય તો અન્ય સંબંધિત વિભાગમાં સારવાર માટે મોકલી શકાય છે.આ વ્યવસ્થાને લીધે નેગેટિવ દર્દીને બિન જરૂરી રીતે કોવિડ વોર્ડના સંક્રામક વાતાવરણમાં જતા અટકાવી શકાય છે.
ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ ઓકટોબર 20 માં કોરોના પીડિતો ને તાત્કાલિક સારવાર મળી શકે એવું ટ્રાયેજ સયાજી હોસ્પિટલમાં કોરોના સારવાર ના ભાગ રૂપે શરૂ કરવામાં આવ્યું, ત્યારે પ્રથમ લહેર સમાપન ની સમીપ હતી.તેની યાદ અપાવતા ડો. બેલીમે જણાવ્યું કે તે સમયે 5 વેન્ટિલેટર,5 મોનીટર,2 ઓકસીજન કોનસનટ્રેટર,2 ડી ફિબ્રીલેટર અને ઓકસીજન ટાંકી સાથે સંલગ્ન નિરંતર ઓકસીજન પુરવઠા ની સુવિધા સાથે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સુવિધા શરૂઆત થી જ અદ્યતન અને જરૂરી સુવિધા સંપન્ન હતી અને પ્રથમ લહેરમાં અંદાજે 300 થી વધુ દર્દીઓ ને તેની મદદ થી પ્રાથમિક તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
આ ટ્રાયેજ ખાતે ઉપરોક્ત જીવન રક્ષક સુવિધાઓ ની સાથે ચોવીસે કલાક નિષ્ણાત તબીબો,નિવાસી તબીબો,તબીબી અઘિકારીઓ,નર્સિંગ સ્ટાફ,નર્સિંગ સહાયકો,સેવકો,સફાઈ સેવકો,સિક્યુરિટી જેવી તમામ વ્યવસ્થાઓની કાળજી લેવામાં આવી હતી.
આ સુવિધાની અનિવાર્ય ઉપયોગીતા તો બીજા વેવમાં પુરવાર થઈ જ્યારે વાવાઝોડા તાઉતે ની ઝડપે અને આક્રમકતા સાથે કેસો વધ્યા. અત્યારે કહી શકાય કે આ સુવિધા વગર એકાએક ખૂબ વધી ગયેલી દર્દી સંખ્યાની સ્થિતિમાં સહુને જરૂરી જીવન રક્ષક તાત્કાલિક સારવાર ભાગ્યે જ શક્ય બની હોત. બીજી વેવ (Second Wave) ટોચ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે જ ડો.રાવે ખૂબ જ દુંરદેશી સાથે બે દિવસમાં ટ્રાયેજની સાથે જ નાના આઇસીયુ ની સુવિધા જોડી હતી.
ટ્રાયેજ ના મૂળ 22 બેડ માં થી 15 જેટલા બેડ ને આઈસીયુ (ICU) માં ફેરવી 15 વેન્ટિલેટર,15 મોનીટર,15 ઓકસીજન (Oxygen) કોન સેન્ટ્રેટર,20 જેટલા જમ્બો સિલિન્ડર અને વધારાની માનવ સંપદા ની વ્યવસ્થા ને પગલે ગંભીર હાલતમાં આવતા દર્દીઓ ને પણ તાત્કાલિક જરૂરી સારવાર આપવી શક્ય બની હતી. જ્યારે દર્દીઓનો પ્રવાહ ખૂબ જ વધ્યો ત્યારે ટ્રાયેજ અને ઓપીડી (OPD) વચ્ચેની લોબીમાં પણ 8 જેટલા ઓકસીજન પોઇન્ટ મૂકી,વધારાના ઓકસીજન કોન્સેંટ્રેટર ની વ્યવસ્થા કરી સહુને સારવાર આપવાની કાળજી લેવામાં આવી. જરૂર હોય તેવા દર્દીઓને સ્ટ્રેચર પર અને ખુરશીમાં બેઠા બેઠા ઓકસીજન સારવાર આપી સ્ટેબલ કરીને તેમના જીવ બચાવવામાં આવ્યા.
આ વ્યાપક વ્યવસ્થાઓ ને લીધે અન્ય સ્થળોએ જ્યારે દર્દીઓ નું આગમન અટકાવવા દરવાજા બંધ કરવા પડ્યા ત્યારે સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં અગમચેતીના લીધે આવી પરિસ્થિતિ ટાળી શકાઈ.બીજા વેવમાં 1884 જેટલા દર્દીઓ ને આ સુવિધાનો લાભ મળ્યો અને હજુ મળી રહ્યો છે. કેટલાક દર્દીઓને તો 15 થી 20 દિવસ ટ્રાયેજ માં જ રાખીને પછી ઓકસીજન સાથે વોર્ડમાં ખસેડતા.અહી જ વેન્ટિલેટર સારવાર આપવાના પરિણામે વોર્ડના વેન્ટિલેટર અન્ય ગંભીર દર્દીઓ ને સુગમતા થી ફાળવી શકાયા. અહી કાર્યરત તબીબો અને સ્ટાફે દિવસો સુધી સતત ચોવીસે કલાક વારાફરતી કાર્યરત રહીને સલામ ને પાત્ર સમર્પિત સેવાઓ આપી જે ભૂલી ન શકાય.
આ સેન્ટર અગ્નિ શમન ની જરૂરી આધુનિક વ્યવસ્થાઓ થી સુસજ્જ છે અને એન.ઓ.સી.પણ ધરાવે છે
હાલમાં આ સ્થળે નિરાંત નું વાતાવરણ છે કારણ કે દર્દી સંખ્યા ખૂબ ઓછી છે. આજે આખા કોરોના વિભાગમાં 125 જેટલા દર્દીઓ છે.ભગવાન ભલું કરે અને ત્રીજી લહેર ન આવે,પણ જો આવે તો પણ સાધન સુવિધા સુસજ્જ આ ટ્રાયેજ દર્દીઓ ના જીવન સુરક્ષિત રાખવામાં ખૂબ જ નિર્ણાયક બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે