ગુજરાતમાં ભાજપે જાહેર કર્યા 4 રાજ્યસભા ઉમેદવારોના નામ; જાણો આ ઉમેદવારો વિશે જાણી અજાણી વાતો
Rajya Sbha Elections2024: રાજ્યસભા માટે ભાજપ દ્વારા ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે.
Trending Photos
Rajya Sbha Elections2024: આખરે ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર બેઠકો માટે ચોંકાવનારા ઉમેદવારોના નામ જાહેર કર્યા. જેમાં જેમાં જે.પી.નડ્ડા (JP Nadda), મયંક નાયક (Mayank Nayak), ગોવિંદ ધોળકિયા (Govind Dholakia) અને ડૉ. જશવંતસિંહ પરમાર (Dr. Jaswant Singh Parmar) નો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ આ ઉમેદવારો વિશે થોડીક જાણવા જેવી વિગતો…
ડૉ. જશવંતસિંહ પરમાર કોણ છે?
રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપે જશવંતસિંહ પરમારને જાહેર કરીને સૌને ચોંકાવ્યા છે. ત્યારે જાણીએ કે ડો. જશવંતસિંહ પરમાર કોણ છે? તો તમને જણાવી દઈએ કે જશવંતસિંહ પરમારનો જન્મ શહેરા તાલુકાના વાઘજીપુરમાં થયો હતા. 15 જૂન 1975માં તેમનો જન્મ થયો હતો. 2017માં ડો. જશવંતસિંહ પરમાર ગોધરાથી અપક્ષની ચૂંટણી લડ્યા હતા. 2004માં ભાગ્યોદય સર્જિકલ હોસ્પિટલની સ્થાપના કરી હતી. ડો. જશવંતસિંહ પરમાર ગોધરામાં ભાગ્યોદય પેટ્રોલિયમના માલિક પણ છે. તેમના વિશે મળતી માહિતી પ્રમાણે ડો. જશવંતસિંહ પરમારે અમદાવાદમાં MBBS બાદ M.S કર્યુ છે. ગોધરા સિવિલમાં સર્જન તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. 50 હજારથી વધુ સફળ ઓપરેશન કર્યા છે. ડો. જશવંતસિંહ પરમારે આર્થિક પછાત લોકો માટે સમૂહ લગ્નનું આયોજન પણ કર્યુ છે. જશવંતસિંહ પરમારનો પરિવાર વર્ષોથી RSS સાથે સંકળાયેલો છે. એવું કહી શકાય કે આશરે 30 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે. જશવંતસિંહ પરમાર પંચમહાલના બક્ષી પંચ મોરચાના કારોબારી સભ્ય પણ છે. તેઓ બારિયા બક્ષી પંચ સમાજમાંથી આવે છે. ગોધરામાં 60 હજારથી વધુ બારિયા બક્ષી પંચ સમાજના મતદારો રહે છે.
કોણ છે જે.પી.નડ્ડા?
ભાજપના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. 2 ડિસેમ્બર 1960માં તેમનો જન્મ થયો હતો. શાળા સમયથી ABVPમાં સક્રિય બન્યા હતા. જે.પી.નડ્ડા પટનાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને પટનાની કોલેજમાંથી સ્નાતક બન્યા હતી. ત્યારબાદ 1987માં હિમાચલ યુનિવર્સિટીમાંથી LLBની ડિગ્રી મેળવી હતી. 29 વર્ષની વયે જે.પી.નડ્ડા બીજેપી યૂથ વિંગના ઈન્ચાર્જ બન્યા હતા. 31 વર્ષની વયે ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. હિમાચલ પ્રદેશમાં કેબિનેટ મિનિસ્ટર તરીકે કામગીરી કરી છે. એટલે કે તેઓ હિમાચલ પ્રદેશથી ત્રણ વખત ધારાસભ્ય રહ્યા છે. 1994-98 વખતે તેઓ હિમાચલ પ્રદેશની વિધાનસભામાં ધારાસભ્ય દળના નેતા પણ રહી ચૂક્યા છે. તેઓ 1998થી 2003 વચ્ચે હિમાચલ પ્રદેશ સરકારમાં હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એન્ડ પાર્લામેન્ટ્રી અફેર્સના કેબિનેટ મંત્રી હતા. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં સ્વાસ્થ્ય મંત્રી બન્યા હતા. જેપી નડ્ડા 2014માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા. 2019માં તેમને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા અને 2020માં તેમની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વરણી કરાઈ હતી.
મયંક નાયક કોણ છે?
ભાજપ દ્વારા રાજ્ય સભાના સાંસદ તરીકે ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે ચોંકાવનારું નામ મયંક નાયકનું હતું. મયંક નાયક વિશે મળતી માહિતી પ્રમાણે તેઓ ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે.મંડલ સ્તરથી પ્રદેશ સ્તર સુધીના અભિયાનના ઈન્ચાર્જ બનાવ્યા હતા. મયંક નાયક મૂળ મહેસાણાના વતની છે. તેઓએ સંગઠનમાં અનેક જવાબદારી નિભાવી ચૂક્યા છે. OBC મોરચામાં મહામંત્રીની પણ ભૂમિકા ભજવી છે.
ગોવિંદ ધોળકિયા
ભાજપ દ્વારા રાજ્ય સભાના સાંસદ તરીકે ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સુરતના ગોવિંદ ધોળકિયાને રાજ્યસભા સાંસદના ઉમેદવાર તરીકેની જાહેરાત કરતા ઉદ્યોગકારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. એક સામાન્ય ખેડૂત પરિવારને ત્યાં ગોવિંદ ધોળકિયાનો જન્મ થયો હતો અને ત્યારબાદ રોજગારી મેળવવાના અર્થે સુરત આવ્યા હતા. ધીરે ધીરે તેમને ડાયમંડ ઉદ્યોગમાં પગ મૂક્યો હતો અને આજે 15,000 કરોડનો ઈનપોર્ટ અને એક્સપોર્ટનો વ્યવસાય તેવો ધરાવે છે. સાથો સાથ જો વાત કરીએ તો રામ મંદિરના નિર્માણમાં સૌપ્રથમ દાન ગોવિંદ ધોળકિયાએ 11 કરોડની જાહેરાત કરી હતી. સૌરાષ્ટ્ર હોય કે સુરત આ બંનેમાં ગોવિંદભાઈનું મોખરાનું સ્થાન અને નામ ધરાવે છે. ભાજપ એ એક સાથે બે માસ્ટર સ્ટોક માર્યો છે અને પોતાના તરફથી વોટ બેન્ક ખેંચી છે.
ગોવિંદભાઈ ઝી 24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ પોતે રાજકીય પક્ષથી દૂર છે ફક્ત સામાજિક કામ અર્થે તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે આવશે સવારે 10 વાગ્યાના અરસામાં અમિત શાહે ફોન કર્યો હતો અને તેઓ દ્વારા જણાવ્યું હતું કે તેમના નામની પસંદગી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે પી નડા અને અમિત શાહે ઉતારી છે. મને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો કે રાજ્યસભાના સાંસદ તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવશે. હાલમાં જે રીતે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે