જ્યાં આખું સૌરાષ્ટ્ર પાણી માટે કરી રહ્યું છે સંઘર્ષ, ત્યારે આ શહેરના લોકો છે બિન્દાસ, જાણો કેમ...
"જળ છે તો જીવન છે" પાણીનુ શું મહત્વ છે કેટલી અગત્યતા છે તે વાતને આ સુત્ર સારી રીતે સાર્થક કરે છે. પાણીનો યોગ્ય સંગ્રહ ન થવાની તેમજ આડેધડ પાણીના વેડફાટના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લામાં આજે પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે.
Trending Photos
અજય શીલુ, પોરબંદર: "જળ છે તો જીવન છે" પાણીનુ શું મહત્વ છે, કેટલી અગત્યતા છે, તે વાતને આ સુત્ર સારી રીતે સાર્થક કરે છે. પાણીનો યોગ્ય સંગ્રહ ન થવાની તેમજ આડેધડ પાણીના વેડફાટના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લામાં આજે પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. પરંતુ પાણીની આટલી તિવ્ર અછત વચ્ચે જુના પોરબંદર વિસ્તારમાં રહેતા લોકોને પાણીની જરા પણ અછત વર્તાઈ રહી નથી. તેનુ કારણ છે અહીંના પૌરાણિક ઘરોમાં જોવા મળતા વિશાળ ભૂગર્ભ ટાંકાઓ જેના વડે તેઓ 5થી 10 વર્ષ સુધીનો પાણીનો સંગ્રહ કરી શકે છે.
પાણી બચાવો જીવન બચાવો જેવા અનેક સુત્રોની ચર્ચાઓ તો આપણે ત્યાં ખુબજ થતી હોય છે. પરંતુ ખરા અર્થમાં પાણીનો સંગ્રહ કરવામાં અને જરૂર પુરતો જ ઉપયોગ કરવાના બદલે પાણીનો વેડફાટ પણ ખુબજ જોવા મળે છે. પાણીની અછતનો સાચો ખ્યાલ ત્યારે જ આવે છે. જ્યારે ઓછો વરસાદ પડે અને જળ સંગ્રહનો અભાવ હોય છે. પોરબંદર જિલ્લા સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે પીવાનું પાણી મેળવવા માટે લોકો સંઘર્ષ કરી રહ્યા છે. પરંતુ ખરા અર્થમાં વરસાદી પાણીને ખોટી રીતે વહેતુ અટકાવી આ પાણીનો જો યોગ્ય સંગ્રહ કરવામાં આવે તો પાણીની અછતમાં વર્ષો સુધી આ પાણી આશિર્વાદરુપ બનતુ હોય છે.
ગાંધી જન્મભૂમી કિર્તીમંદિર આસપાસનો વિસ્તાર કે, જને જુના પોરબંદર ઓળખવામાં આવે છે. ત્યાનાં તમામ ઘરોમાં આજે પણ જળસંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા વિશાળ ભૂગર્ભ ટાંકાઓ આવેલા છે. કિર્તીમદિરમાં આવેલ મહાત્મા ગાંધીના જન્મસ્થળ તેમજ કસ્તુરબા ગાંધીના જન્મસ્થળ ખાતે પણ 20 ફૂટ જેટલા ઉંડા ભૂગર્ભ ટાંકાઓ આવેલા છે. જુના પોરબંદરના તમામ ઘરોમાં આજે પણ ભૂગર્ભ ટાંકાઓ દ્વારા પાણીસંગ્રહ થતુ જોવા મળે છે. આ ઘરોમાં 20 ફૂટ સુધીની ઉંડાઈના ટાંકા દ્વારા વરસાદી પાણી અને પાલિકા દ્વારા મળતા પાણીનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ ટાંકાઓના પાણીની વિશેષતા જણાવતા અહીંના સ્થાનિકોએ એવુ જણાવ્યું હતું કે, ગત વર્ષે પોરબંદરમાં ઓછા વરસાદના કારણે આ ભૂગર્ભ ટાંકાઓમાં હાલ ઓછુ પાણી છે. અન્યથા વરસાદ અને નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણીનો ટાંકામાં સંગ્રહ કરીને આ પાણીનો વર્ષો સુધી ઉપયોગ કરી શકાય છે. આમ છતાં પણ તેઓને અન્ય લોકો જે રીતે પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે. તેવી પાણીની જરા પણ અછત વર્તાતી નથી. તેનુ કારણ એકમાત્ર આ ભૂગર્ભ ટાકા છે. આ ટાંકાઓમાં વર્ષો સુધી પાણીનો સંગ્રહ કરવા છતાં પણ તે પાણી જરા પણ દૂષીત થતુ નથી અને તેને પીવાના પાણી તરીકે પણ લોકો ઉપયોગમાં લેતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોરબંદરના જે જુનાવાણી ઘરોમાં હાલ આ ભૂગર્ભ ટાંકોઓ છે. તે તો આ ટાંકાને તેમના માટે આશીર્વાદરુપ ગણે છે. કારણ કે ગમે તેવી પાણીની અછતમાં પણ આ ટાંકા દ્વારા થયેલ જળસંગ્રહ તેમને બહુ ઉપયોગી નિવડે છે. આજના આધુનિક યુગમાં લોકોમાં પાણીનો વપરાશ વધ્યો છે. પરંતુ પાણીનો સંગ્રહ કરવાનો લઈને આજના કહેવાતા આધુનિક ઘરોમાં પણ કોઈ સુવિધા ઉભી કરવામાં આવી રહી નથી. ત્યારે પોરબંદરના આ ઘરોમાં આટલા વર્ષો પૂર્વે પણ એ પ્રકારનુ આયોજન થયેલુ જોવા મળે છે. જેના વડે વરસાદી પાણી અગાશી મારફત બહાર વહી જવાને બદલે સીધુ જ પાઈપલાઈન વડે આ 15 ફૂટથી વધુ ઓરસ-ચોરસ પહોળાઇ ધરાવતા અને 20 ફૂટથી વધુના આ તમામ વિશાળ ભૂગર્ભ ટાંકાઓમાં સીધુ જ સંગ્રહ થઈ જાય છે.
જળએ જ જીવનના સુત્રો તો આપણે ખુબજ સાંભળવા અને જોવા મળે છે. પરંતુ હકીકતે આ સુત્રને આપણે સાર્થક કરી રહ્યા નથી. તેથી જ દુષ્કાળના સમયે આપણે પાણીની ભિષણ સમસ્યાનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. જુના પોરબંદરમાં વર્ષો પહેલા વડવાઓ દ્વારા પાણીનું મહત્વ સમજીને જે રીતે તેનો બચાવ કરવા જળસંગ્રહ માટે ભૂગર્ભ ટાંકાઓ બનાવવા આવ્યા માં છે. તે ટાંકાઓ હવેના આધુનીક સ્થાન ગુમાવી રહ્યા છે. ત્યારે જુના પોરબંદરમાં ભૂગર્ભ ટાંકાઓ વડે થતા જળસંગ્રહના મુલ્યને સમજી સૌ કોઈ પ્રેરણા તેમાંથી લે તો દુષ્કાળના સમયે વર્તાતી પાણીની અછતથી ઘણા અંશે લોકોને રાહત મળી શકે તેમ છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે