ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત પાંચેય આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં ગઈકાલે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આજે તેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
Trending Photos
અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ઝડપાયેલા પાંચ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, સીઈઓ રાહુલ જૈન સહિત પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં અગાઉ ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ થઈ ચુકી છે. કોર્ટે આ પાંચેય આરોપીઓને 30 નવેમ્બરે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ખ્યાતિ હોસ્પિટલના વધુ પાંચ આરોપીઓની મંગળવારે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ આરોપીઓ આણંદ પાસે એક ફાર્મ હાઉસમાં છુપાયેલા હતા. પોલીસે જેને ગઈકાલે ઝડપી પાડ્યા હતા. આ પાંચ આરોપીઓમાં ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને પિંકલ પટેલનો સમાવેશ થાય છે. આજે પાંચેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગ્રામ્ય કોર્ટે 30 નવેમ્બર સાંજે 4 કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
ચિરાગ રાજપૂત છે માસ્ટરમાઈન્ડ
મુખ્ય આરોપી ચિરાગ રાજપૂતની પૂછ પરછમાં શું સામે આવ્યું ચિરાગ રાજપૂત શરૂઆતમાં મેડીકલ રીપ્રેઝન્ટેટિવ તરીકે અલગ-અલગ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં કામ કરતો હતો. તેમજ અલગ-અલગ હોસ્પીટલમાં એડમીન/માર્કેટીંગ / ડિરેકટર / બ્રાન્ડિંગ જેવા હોદ્દા પર કામ કરતો હતો. હાલ તે ખ્યાતિ હોસ્પીટલમાં ડાયરેકટર તથા બ્રાન્ડિંગ માર્કેટીંગની જવાબદારી સંભાળે છે. જેનો માસીક પગાર રૂપિયા ૭,૦૦,૦૦૦/- (સાત લાખ) નો છે. આ ગુન્હામાં દર્દીઓને સ્ટેન્ટની જરૂર ન હોય તો પણ તે આગ્રહપૂર્વક સ્ટેન્ટ મુકાવતો. તેમજ ડોકટરને પણ તેની સુચનાનું પાલન કરવું પડતું હતુ. હોસ્પીટલની કેથલેબ ખાતે સ્ટેન્ટ મુકવાની પ્રોસીજર સમયે તે હાજર રહેતો. ચિરાગ રાજપૂત સહઆરોપી રાહુલ જૈનની સાથે તેને ગાડીમાં ઉદયપુર રાજસ્થાન ગયેલ ત્યારબાદ રાજસમંદ રોકાયેલો જ્યાં પંકિલ પટેલ તથા પ્રતિક ભટ્ટ તથા મિલીન્દ પટેલ સાથે જોડાય ગયેલ. આ તમામ આરોપીઓ એક દિવસ અગાઉ પ્રતિક પટેલના ઉકેરડીના મુવાડા ખાતે આવેલ ફાર્મ પર રોકાયેલ હતા.
ક્રાઈમ બ્રાન્ચે રિમાન્ડ માટે રજૂ કર્યાં આ મુદ્દા
(૧) અટકાયત હેઠળના આરોપીઓ દ્વારા ખ્યાતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી સરકારી યોજના હેઠળ આજદીન સુધી કેટલા દર્દીઓને અને ક્યાં ક્યાં પ્રકારની સારવાર આપવામાં આવેલ છે? તેની માહીતી મેળવવી અત્યંત આવશ્ય હોય આરોપીઓની પૂછપરછ માટે પોલીસ કસ્ટડી રીમાન્ડની જરૂર છે.
(૨) અટકાયત હેઠળના આરોપીઓ દ્વારા ખ્યાતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલ દ્વારા અલગ- અલગ ૧૩ ગામોમાં ફ્રી મેડીકલ કેમ્પ કરેલ હોવાની માહિતી મળેલ છે. તદઉપરાંત આરોપીઓની પૂછપરછ દરમ્યાન તેઓના દ્વારા ૧૫૦ કરતા વધુ કેમ્પનુ આયોજન કરેલ હોવાનુ જણાય આવેલ છે. આ તમામ કેમ્પ અલગ-અલગ ગામોમાં યોજી મોટી સંખ્યામાં દર્દીઓને હોસ્પિટલ ખાતે લાવી તેઓને કેવા પ્રકારની સારવાર આપવામાં આવેલ છે? શુ આ દર્દીઓને આપવામાં આવેલ સારવાર તેમને માટે યોગ્ય હતી? આ તમામ હકિકતોની માહિતી પોલીસ કસ્ટડીમાં રહેલ આરોપીઓજ આપી શકે તેમ છે. જેથી આરોપીઓની પૂછપરછ માટે પોલીસ કસ્ટડી રીમાન્ડની જરૂર છે.
(૩) અટકાયત હેઠળના આરોપીઓ દ્વારા ખ્યાતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલ દ્વારા અલગ- અલગ કેમ્પ કરી ગામના ગરીબ વર્ગના દર્દીઓને મફત સારવારના બહાને હોસ્પીટલ લાવી, દર્દીઓને ગંભીર પ્રકારની બિમારી ન હોવા છતા, તેવી બિમારી હોવાનુ દર્શાવી તેઓની તંદુરસ્તી માટે ચિંતા થાય તે રીતે પ્રભાવિત કરી, સરકારી યોજના હેઠળ એન્જીયોગ્રાફી તથા એન્જીયોપ્લાસ્ટી કરી સરકારમાંથી કરોડો રૂપિયા મેળવેલ છે. આ સમગ્ર ગેરકાયદેસર પ્રક્રિયામાં હાલના આરોપીઓ ઉપરાંત અન્ય સામેલ વ્યક્તિઓની માહિતી તથા આ પ્રક્રિયામાં PM-JAY યોજનાની કાર્યરીતિનુ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉલ્લઘન કરી આર્થિક ઉપાર્જન માટે સામેલ વ્યક્તિઓ વિશે હાલના આરોપીઓજ જણાવી શકે તેમ હોય આરોપીઓની પૂછપરછ માટે પોલીસ કસ્ટડી રીમાન્ડની જરૂર છે..
(૪) અટકાયત હેઠળના આરોપીઓ દ્વારા અમદાવાદ શહેર તથા અમદાવાદ શહેરની આજુબાજુમાં આવેલ નાના શહેરોમાં કલીનિક ધરાવતા ૪૫૦ થી વધુ ડોકટર્સ સાથે સંપર્ક કરી તેઓની ક્લીનિકમાં સારવાર માટે આવતા દર્દીઓને ખ્યાતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલ ખાતે રીફર કરવાથી ક્લીનિક ધરાવતા ડોક્ટરને પ્રી-પોસ્ટ તથા કમિશનની લાલચ આપી તે પેશ ન્ટ દર્દીને મોકલતા હતા તેને ચોક્કસ આર્થિક લાભ આપવામાં આવતો હતો. આમ કલીનિક ધારક ડોકટર્સ સાથે કરેલ નાંણાકીય વ્યવહારની વિગતોની માહિતી હાલના આરોપીઓજ આપી શકે તેમ છે જેથી આરોપીઓની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવી જરૂરી છે.
(૫) અટકાયત હેઠળના આરોપીઓ દ્વારા ખ્યાતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલના નેજા હેઠળ આજદિન સુધી ફ્રી મેડીકલ કેમ્પ યોજી કેટલા દર્દીઓને વધુ સારવાર માટે હોસ્પીટલમાં લાવેલ તેની માહિતી તથા સારવાર માટે લાવવામાં આવેલ દર્દીઓ પૈકી કેટલા દર્દીઓ મરણ ગયેલ છે. આ અંગેની માહિતી મેળવવા આરોપીઓની પૂછપરછ માટે પોલીસ કસ્ટડી રીમાન્ડની જરૂર છે.
(૬) અટકાયત હેઠળના આરોપીઓ પૈકી ચિરાગ રાજપૂત, ખ્યાતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલના ડાયરેક્ટર તરીકે મેનેજમેન્ટનુ તમામ કામ સંભાળે છે. તેમજ તેઓના દ્વારા PM-JAY યોજનાનો ગેરકાયદેસર લાભ આર્થિક ઉપાર્જન માટે જે પ્રકારે ગુનાહિત કાવતરા હેઠળ આ ક્રુત્યને અંજામ આપેલ છે તેમાં આરોગ્ય વિભાગ તથા PM-JAY યોજનાના કયા અધિકારી/કર્મચારી સંડોવાયેલ છે? તેમજ તેઓને કેવી રીતે અને કેટલો આર્થિક લાભ આપવામાં આવતો હતો તે વિશેની માહિતી હાલના આરોપીઓ જ આપી શકે તેમ હોય આરોપીઓની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવી જરૂરી છે.
(૭) અટકાયત હેઠળના આરોપીઓ દ્વારા ખ્યાતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલમાં આજદીન સુધી થયેલ નાણાંકીય વ્યવહારની માહિતી અંગે આરોપી ચિરાગ રાજપૂત તથા રાહુલ જૈન સુપેરે માહિતગાર હોય, આ નાણાંકીય વ્યવહારની માહિતી અંગે સધન પૂછપરછ ના માધ્યમથી જ આ માહિતી મળી શકે તેમ હોય. આરોપીઓની પોલીસ કસ્ટડીમાં લાંબા સમયની પૂછપરછ કરવી જરૂરી છે.
અટકાયત હેઠળના આરોપીઓ દ્વારા આજદિન સુધી ઉપયોગમાં લેવાયેલ મોબાઇલ ફોન । જે કરવાના બાકી છે. આરોપીઓના મો.ફોન માં સંગ્રહિત રહેલ ડેટા તેમજ ડિલીટ કરેલ ડેટાને મેળવવો જરૂરી છે. આ ડેટામાં આરોપીઓ દ્વારા કરવામાં આવેલ માહિતીની આપ-લે તેમજ અન્ય તપાસના કામે ઉપયોગી માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. આરોપીઓના મોબાઇલ ફોનમાં રહેલ ડેટા અંગે આરોપીઓ જાણતા હોય જે સરળતાથી મોબાઇલ ફોન રજુ કરે તેમ ન હોય તેઓની સઘન પૂછપરછથી જ તે મેળવી શકાય તેમ હોય આરોપીઓના પોલીસ કસ્ટડીના રીમાન્ડની જરર છે.
-(૯) અટકાયત હેઠળના આરોપીઓ પૈકી આરોપી ચિરાગ રાજપૂત "હોપ ફોર હાર્ટ” નામની અલગ ક્લિનીક ધરાવે છે. આ ક્લિનિકમાં કરવામાં આવતી સારવારની પધ્ધતિ સંદિગ્ધ હોય તેમજ આ ક્લિનીકમાં સારવાર માટે આવેલ દર્દી અને ખ્યાતિ હોસ્પીટલ વચ્ચેની કડી તથા કરેલા સારવાર અંગેની માહિતી મેળવવી ખૂબજ જરૂરી હોય પોલીસ કસ્ટડીમાં લાંબા સમયની પૂછપરછ કરવી જરૂર છે.
(૧૦) અટકાયત હેઠળના આરોપીઓએ ગુનો કર્યા બાદ ધરપકડ ટાળવા અલગ-અલગ સ્થળોએ રોકાણ કરેલ છે. તેમજ અલગ-અલગ પ્રકારના વાહનોનો ઉપયોગ કરેલ છે. આ આરોપીઓને તેઓની ધરપકડ પૂર્વેના સમયગાળામાં લોજીસ્ટીક મદદ પૂરી પાડનાર વ્યક્તિ,સ્થળ તથા વસ્તુઓની તપાસ થવી અત્યંત આવશ્યક છે. આ કામે જરૂરી ઝડતી તપાસ તથા પૂરાવાના ભાગરૂપે કબ્જે કરવાની કાર્યવાહી કરવાની હોય. આરોપીઓના લાંબા સમયના પોલીસ કસ્ટડી રિમાન્ડની જરૂરી
(૧૧) અટકાયત હેઠળના આરોપીઓ પૈકી ચિરાગ રાજપૂત તથા પંકિલ પટેલ તથા પ્રતિક ભટ્ટ તથા મિલીન્દ પટેલ છેલ્લા ત્રણ દિવસથી કપડવંજ નજીક આવેલ ફાર્મમાં તેમજ અગાઉ રાજસ્થાન ખાતે રોકાયેલ હોય, જેથી ગુન્હા સંલગ્ન અગત્યના પુરાવાઓ, તથા તપાસને સ્પર્શતા સંવેદનશીલ માહિતી ધરાવતા દસ્તાવેજો આ સ્થળો પૈકી તેમજ તેઓના સંપર્કસુત્રો પાસે રાખેલ હોવાની શક્યતા રહેલ છે. જેથી આરોપીઓની લાંબા સમય સુધીની પોલીસ કસ્ટડીમાં સઘન પૂછપરછ કરવી જરૂરી હોય પોલીસ કસ્ટડી રીમાન્ડની જરૂર છે.
(૧૨) અટકાયત હેઠળના આરોપીઓ દ્વારા ગુનાહિત કાવતરા હેઠળ હોસ્પીટલમાં દર્દીઓ વધુ સંખ્યામાં આવે તેટલો તેઓને વધુ આર્થિક ફાયદો થાય તે માટે અલગ-અલગ ગામોમાં કેમ્પ યોજવા માટે ગામના સરપંચનો સંપર્ક તથા મંજૂરી તેમજ સ્થળ નક્કી કરે છે. આ આયોજન કરવા તેમજ દર્દીઓ કેમ્પમાં લાવવાના કામ માટે સંલગ્ન ગામોના સરપંચોને નાણાંકીય લાભ આપેલ હોવાની શક્યતા જણાય છે. જેથી આ દિશામાં ઉંડાણપૂર્વક તપાસ હેતુસર આરોપીની સઘન પૂછપરછ માટે આરોપીઓની પોલીસ કસ્ટડીમાં હાજરી જરૂરી છે.
(૧૩) અટકાયત હેઠળના આરોપીઓ દ્વારા ખ્યાતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલ ખાતે અલગ અલગ બિમારીના કારણો જણાવી દર્દીઓને સારવાર માટે હોસ્પીટલમાં લાવી એન્જીયોગ્રાફ તથા એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવેલ જે પૈકી કેટલાક દર્દીઓ મરણ પામેલ છે. દર્દીઓન મ્રુત્યુબાદ મ્રુતકના સગાઓને આર્થિક લાભ કરાવી ફરીયાદ ન નોંધાય તે માટે પ્રભાવિતા કરેલ હોય તેમજ મ્રુતક દર્દીઓને જે તે સારવાર પૂર્વે તેમજ સારવાર બાદ ક્યા પ્રકાર ડોકટર્સ તથા મેડીકલ ડિગ્રી ધરાવતા તજજ્ઞને નિમેલા હતા? શુ આ ડોકટર આ પ્રકારની સારવાર માટે સક્ષમ હતા કે કેમ? તે બાબતે તપાસ કરવી ખુબજ જરૂરી છે. જેથી આરોપીઓની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવી આવશ્યક છે.
(૧૪) અટકાયત હેઠળના આરોપીઓ પૈકી આરોપી રાહુલ જૈન દ્વારા ખ્યાતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલને ત્રણ કરોડની ખોટ થયેલાનો ઓડિટ રીપોર્ટ તૈયાર કરેલ, આમ આ ગુન્હાના કામે રાહુલ જૈન ઉપરાંત આરોપી ચિરાગ રાજપૂત તથા ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીઓએ ગુનાહિત કાવતરાના ભાગરૂપે આ પ્રકારના રીપોર્ટ તૈયાર કરેલા હોય જે દસ્તાવેજી પુરાવા તપાસના કામે કબ્જે કરવા જરૂરી હોય આરોપીઓની પોલીસ કસ્ટડી રીમાન્ડની જરૂર છે.
(૧૫) અટકાયત હેઠળના આરોપીઓના બેન્ક ખાતાઓની માહિતી મેળવી, આ ખાતાઓમાં થયેલ નાણાંકીય વ્યવહાર તથા તે વ્યવહારોને નફા નુકશાનમાં દર્શાવી નાણાકીય વ્યવહારોને જે સ્વરૂપે દર્શાવેલ હોય તેના કારણો તથા આવક થયેલ નાણાકીય રકમો બાબતે આરોપીઓની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવી જરૂરી છે.
(૧૬) અટકાયત હેઠળના આરોપીઓ દ્વારા આચરવામાં આવેલ આ ગુન્હો સીસ્ટેમેટીક ફ્રોડ તથા ઈકોનોમીક ફ્રોડની પરીભાષા મુજબનો ગુન્હો હોવાનુ સ્વયં સ્પષ્ટ જણાય આવે છે. આ સુનિયોજીત ગુનાહિત કાવતરામાં આરોપીઓએ અલગ-અલગ તબક્કે ગે.કા. આર્થિક ઉપાર્જન માટે અલગ-અલગ ચોક્કસ ભૂમિકા ભજવેલ છે. પ્રત્યેક આરોપી દ્વારા આ ગુનાહિત કાવતરાને અંજામ આપવા ભજવેલ ભૂમિકા પરત્વે સંબંધિત દસ્તાવેજ, સંદેશા વ્યવહાર, પ્રલોભનોના સ્વરૂપે આપેલ આર્થિક લાલચ વિગેરે બાબતોની માહિતી આરોપીઓ પાસેથીજ મળી શકે તેમ છે. જેથી આરોપીઓની પૂછપરછ પોલીસ કસ્ટડીમાં થવી જરૂરી છે.
(૧૭) અટકાયત હેઠળના આરોપીઓ શિક્ષિત તેમજ કાયદાકીય પ્રક્રિયાથી જ્ઞાત હોવાના કારણે તપાસ સંબંધિત પ્રશ્નોના ઉતર અસંલગ્ન આપે છે. આરોપીઓની અટકાયત બાદ મળેલ સમય ગુનાની ગંભીરતાને લક્ષમાં લેતા, તેમજ એકત્રિત કરવાના થતા પૂરાવા માટે આ સમય પર્યાપ્ત નથી. આરોપીઓ સહજ રીતે તપાસમાં સહકાર આપતા હોવાનુ જણાતુ નથી જેથી પોલીસ કસ્ટડીમાં આરોપીઓની લાંબા સમયની પૂછપરછ અનિવાર્ય છે. જેથી આરોપીઓના લાંબા સમયના પોલીસ કસ્ટડી રીમાન્ડની જરૂર છે.
(૧૮) અટકાયત હેઠળના આરોપીઓ પૈકી ચિરાગ રાજપૂત હોસ્પિટલમાં ભાગીદાર બનેલ તે સમયે રૂપિયા ૧.૨૫ કરોડ ચુકવેલ, આ નાણાના મૂળ શ્રોત સંબંધે ઉંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે. જે આરોપીની હાજરીમાંજ થઇ શકે તેમ છે.
(૧૯) ખ્યાતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલ અંગે અસલ ભાગીદારી કરાર કબ્જે કરી, આ કરારની વિગતોમાં અગ્યતની માહિતી રહેલ હોય જે મેળવવી જરૂરી છે. જેથી આરોપીઓના પોલીસ કસ્ટડી રીમાન્ડની જરૂર છે.
(૨૦) અટકાયત હેઠળના આરોપીઓની એક જ સમયે, એક જ સ્થળે પૂછપરછ કરવામાં આવેથી અન્ય આરોપીની ગેરહાજરીમાં દોષારોપણ તેના પર ન ઢોળી દે તે માટે સામ-સામે બેસાડી પૂછપરછ કરવામાં આવેથી આ ગૂન્હા સંબંધે તેઓની ભૂમિકા તેમજ સત્ય હકિકત બહાર આવી શકે તેમ છે. જેથી આરોપીઓની લાંબા સમયની પોલીસ કસ્ટડી રીમાન્ડની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે