અલકાયદાની ધમકી બાદ મહારાષ્ટ્રમાં હાઈ એલર્ટ, ડ્રોનથી સંવેદનશીલ વિસ્તારમાં રખાશે નજર

Mumbai on High Alert: અલકાયદાની ધમકી બાદ મહારાષ્ટ્રમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. 

અલકાયદાની ધમકી બાદ મહારાષ્ટ્રમાં હાઈ એલર્ટ, ડ્રોનથી સંવેદનશીલ વિસ્તારમાં રખાશે નજર

મુંબઈઃ ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કરેલી વિવાદિત ટિપ્પણી બાદ દેશમાં તણાવનો વધી રહ્યો છે. આ વચ્ચે આતંકવાદી સંગઠન અલ-કાયદાએ પયગંબરના અપમાનનો બદલો લેવા માટે દેશમાં આતંકી હુમલાની ધમકી આપી છે. આતંકી સંગઠનની ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. અલકાયદાને લઈને મહારાષ્ટ્ર હાઈ એલર્ટ પર છે. 

મુંબઈમાં આતંકી ષડયંત્રનું એલર્ટ
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કેટલાક વિસ્તારને લઈને ષડયંત્રનું એલર્ટ જાહેર થયું છે. કાનપુરની જેમ કેટલાક અસામાજિક તત્વો પથ્થરમારા જેવી ઘટનાને અંજામ આપી શકે છે. મહારાષ્ટ્ર સરકારે તેને ગંભીરતાથી લેતા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી નજર રાખવામાં આવશે. તેને લઈને જલદી ગૃહ મંત્રાલય બેઠક કરશે, જેમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મંત્રાલયના સચિવ પણ સામેલ થશે. 

અલકાયદાની ધમકી બાદ એલર્ટ
મહત્વનું છે કે આતંકી સંગઠન અલકાયદાએ એક ધમકીભર્યો પત્ર જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું કે તે પયગંબરના અપમાનનો બદલો લેવા માટે મુંબઈ, ગુજરાત, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આત્મઘાતી હુમલા કરશે. અલકાયદાના ધમકીભર્યા પત્રમાં કહેવામાં આવ્યું કે ભગવા આતંકવાદીઓએ હવે દિલ્હી, બોમ્બે, યુપી અને ગુજરાતમાં પોતાના અંતની રાહ જોવી જોઈએ. આવું પ્રથમવાર જોવા મળ્યું છે જ્યારે અલકાયદાએ વિશિષ્ટ શહેરોનું નામ લઈને ધમકી જાહેર કરી છે. 

કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ ધમકીભર્યા પત્રની ખાતરી કર્યાં બાદ તમામ સંબંધિત રાજ્ય પોલીસ દળોને હાઈ એલર્ટ પર રહેવાનું કહ્યું છે. મહત્વનું છે કે પયગંબર મોહમ્મદ પર ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના નિવેદન બાદ ઘણા આતંકી સંગઠનોએ ધમકીભર્યા પત્ર જાહેર કર્યાં છે. તેને લઈને મોટા પાયે આક્રોશ જોવા મળી રહ્યો છે. અનેક મુસ્લિમ દેશોએ પણ નૂપુર શર્માની ટિપ્પણીનો વિરોધ નોંધાવ્યો હતો. તો નૂપુર શર્માએ આરોપ લગાવ્યો કે દિલ્હી પોલીસ દ્વારા તેને સુરક્ષા ઉપલબ્ધ કરાવવાના નિર્ણય બાદ તેને ધમકીઓ મળી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news