ગુજરાતમાં KYC કકળાટ, કામધંધા મુકીને લાઈનમાં ઉભા રહે છે લોકો, સર્વર ડાઉન થતાં હેરાનગતિ

સમગ્ર ગુજરાતમાં KYC માટે લાગી લાઈનો લાગેલી જોવા મળી રહી છે. મહાનગરો હોય કે નાના શહેરો કેવાયસી માટે બધા લોકો પરેશાન જોવા મળી રહ્યાં છે. લોકોએ સવારથી લાઈનમાં ઉભા રહેવું પડે છે. બીજીતરફ સર્વર ડાઉન થઈ જતાં હેરાનગતિ ભોગવવી પડે છે.

ગુજરાતમાં KYC કકળાટ, કામધંધા મુકીને લાઈનમાં ઉભા રહે છે લોકો, સર્વર ડાઉન થતાં હેરાનગતિ

અમદાવાદઃ હાલ સમગ્ર રાજ્યમાં રાશન કાર્ડની KYCની મગજમારી ચાલી રહી છે. સરકારે KYC ફરજિયાત કરતાં હવે સેન્ટરો પર લાંબી લાઈનો લાગેલી છે. KYC કરાવવાની અંતિમ તારીખ આવી જતાં હવે લાઈનો વધવા લાગી છે...ક્યાંક આધાર કાર્ડ અપડેટ માટે પણ લોકો લાઈનોમાં છે. લાઈનો ઓછી થઈ રહી નથી, મુશ્કેલી ઓછી થવાની જગ્યાએ વધી રહી છે. પણ સરકાર કે સરકારી તંત્ર એવું કોઈ કામ નથી કરતું કે જેનાથી લોકોને રાહત મળે...ત્યારે જુઓ સમગ્ર રાજ્યમાં KYCના કકળાટનો આ અહેવાલ...

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં KYCનો એવો કકળાટ ચાલી રહ્યો છે કે લોકો કંટાળી ગયા છે. કોઈનું થાય છે, તો કોઈનું KYC થતું નથી...જેના કારણે લોકોમાં રોષ છે...કલાકો નહીં એક-બે દિવસ સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ સમસ્યાનું સમાધાન નથી આવતું...જો સમાધાન નજીક હોય ત્યારે સરકારનું સર્વર ડાઉન થઈ જાય છે. એટલે કે ફરી લાઈનમાં ઉભું રહેવું પડે છે. તેમાં પણ પાછો નંબર આવ્યો તો આવ્યો નહીં તો હરી હરી...

હવે વડોદરામાં સ્થિતિ જોઈ લો....લોકો રાશનકાર્ડમાં KYC અને આધાર કાર્ડમાં અપડેટ માટે લોકો જીવનું જોખમ ખેડી રહ્યા છે...કારણ કે લાઈનમાં ઉભા રહેલા લોકો જે બિલ્ડીંમાં ઉભા છે તે જર્જરિત છે. ખખડી ગયેલા બિલ્ડીંગમાં લોકો રાશન મળે તે માટે KYCની માથાકૂટમાં લાગેલા છે. વડોદરાની જૂની જિલ્લા કલેક્ટર કચેરી બિસ્માર સ્થિતિમાં છે. બિલ્ડીંગ તુટેલી ફુટેલી હોવા છતાં પુરવઠા વિભાગ લોકોને બોલાવી KYCની કામગીરી કરી રહ્યું છે.

હવે વડોદરા પછી રાજકોટની સ્થિતિ જુઓ...મહાનગર રાજકોટમાં તો આધાર કાર્ડ કઢાવવું જાણે માથાનો દુઃખાવો બની ગયું છે...આધારમાં અપડેટ કરાવવું હોય કે પછી જન્મ-મરણનો દાખલો...શહેરના લોકોને હાલાકી, મુશ્કેલી અને સમસ્યા સિવાય બીજુ કંઈ જ નથી મળી રહ્યું....આધાર કેન્દ્રો પર વહેલી સવારથી 300થી વધુ લોકો લાઈનમાં લાગે છે. પણ નંબર માંડ ગણ્યાગાંઠ્યા લોકોને આવે છે...કારણ કે અહીં પણ સરકારી સર્વર વારંવાર ડાઉન થઈ જાય છે....લાંબી લાઈનો પણ સરકારી તંત્રને કોઈની પડી જ નથી...સરકારી વિભાગે લોકો માટે નતો પાણીની પણ વ્યવસ્થા કરી છે....અરજદારોને બેથી ત્રણ ધક્કા ખાવાનું જાણે નક્કી જ છે.....

મહાનગરોની સાથે ગ્રામ્ય વિસ્તાર અને નાના જિલ્લામાં તો સ્થિતિ વધારે ખરાબ છે...આ દ્રશ્યો બોટાદ જિલ્લાના છે...અહીં E-KYC કરાવવામાં લોકોને ભારે મુસિબત વેઠવી પડી રહી છે...KYC માટે આધાર કાર્ડ અપડેટ હોવું જરૂરી છે...તેથી પહેલા લોકોને આધાર માટે લાઈનમાં લાગવું પડે છે...ત્યારબાદ રાશન કાર્ડમાં KYC માટે લાંબી લાઈન લગાવવી પડે છે...30 નવેમ્બર KYCની અંતિમ તારીખ હોવાથી લોકોના ધડેધડા ઉમટ્યા છે..પણ સરકારી તંત્ર પાસે આધારમાં અપડેટ કરી શકે તેટલી કીટો જ નથી...ત્યારે લોકોમાં ભારેભાર રોષ છે અને સિસ્ટમ સુધારવા લોકો તંત્રને સલાહ આપી રહ્યા છે.

સરકાર અને સરકારી તંત્ર...નિયમ તો ફટાફટ બનાવી દે છે અને તેને લાગુ પણ કરી દે છે...પરંતુ હોશિયાર અધિકારીઓને એ ખબર નથી હોતી કે ઝડપથી લાગુ કરતાં નિર્ણયને પહોંચી કેવી રીતે વળાશે?...કારણ કે ક્યાંય પુરતી કીટ નથી તો ક્યાંય પુરતો સ્ટાફ ન હોવાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. જોવું રહ્યું કે લોકોને આ મોટી હાડમારીમાંથી ક્યારે મુક્તિ મળે છે?

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news