ઓટો ઈન્ડસ્ટ્રીમાં સંકટઃ કોઈ કરી રહ્યું છે છટણી તો કોઈએ આપી VRSની ઓફર
છેલ્લા કેટલાક મહિનાથી ભારતની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પર સંકટના વાદળ છવાયેલા છે, અત્યાર સુધીમાં ઓટો ક્ષેત્રમાં 3.50 લાખ કરતાં વધુ લોકો બેરોજગાર થઈ ગયા છે અને હજુ પણ કંપનીઓમાં છટણી પ્રક્રિયા ચાલુ જ છે
Trending Photos
નવી દિલ્હીઃ દેશની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પર અત્યારે સંકટના વાદળ છવાયેલા છે. ઓટો ક્ષેત્રમાં એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં 3.50 લાખ કરતાં વધુ લોકો બેરોજગાર થઈ ગયા છે અને હજુ પણ કંપનીઓમાં છટણી પ્રક્રિયા ચાલુ જ છે. અનેક જાણીતી ઓટોમોબાઈલ કંપનીઓએ કેટલાક સમય માટે ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી દીધી છે.
ઓટો ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી મંદી વચ્ચે મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ 3000માંથી કોન્ટ્રાક્ટ પર રહેલા 3000થી વધુ કર્મચારીની નોકરી જતી રહી છે. આ અગાઉ પણ મારૂતિ સુઝુકીમાં 1000 કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. આ દરમિયાન અશોક લેલેન્ડ દ્વારા પણ કર્મચારીઓને કંપની છોડવા માટે ઓફર આપવામાં આવી છે.
શું કહે છે મારૂતિ સુઝુકી?
સમાચાર એજન્સી પીટીઆઈ અુસાર મારૂતિ સુઝુકીના ચેરમેન આર.સી. ભાર્ગવે જણાવ્યું કે, ઓટો ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી મંદીને જોતાં કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ આગળ લંબાવાયો નથી. જોકે, કાયમી કર્મચારીઓને તેની કોઈ અસર થઈ નથી. ભાર્ગવે જણાવ્યું કે, "આ તો બિઝનેસનો એક ભાગ છે. માગ વધે છે ત્યારે કોન્ટ્રાક્ટ પર વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે અને માગ ઘટે છે તો તેમની સંખ્યા ઘટાડી દેવાય છે."
ભાર્ગવે જણાવ્યું કે, મારૂતિ સુઝુકીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 3000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ઓટો ક્ષેત્ર દેશના અર્થતંત્રમાં સેલ્સ, સર્વિસ, ઈન્શ્યોરન્સ, લાયસન્સ, પેટ્રોલ પમ્પ, ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલી નોકરીઓનું સર્જન કરે છે. તેમણે ચેતવણી પણ ઉચ્ચારી કે, વેચાણમાં થોડો પણ ઘટાડો થાય તો તેની સીધી અસર રોજગાર પર પડે છે.
અશોક લેલેન્ડે પણ કરી જાહેરાત
ઓટો ક્ષેત્રની મોટી કંપની અશોક લેલેન્ડે પણ કામકાજના સ્તરે કર્મચારીઓને કંપનીમાંથી છૂટા કરવાની યોજનાની જાહેરાત કરી છે. જેના અંતર્ગત કર્મચારીઓને નોટિસ આપીને સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના (VRS) અને કર્મચારી છટણી યોજના (ESS)ની ઓફર આપી છે. કંપનીએ આ યોજનાની ઓફર એવા સમયે કરી છે જ્યારે તેના કર્મચારીઓ બોનસ વધારવાની માગ સાથે હડતાળ પર છે.
ઓટો ઈન્ડસ્ટ્રી પર સંકટ
ભારતની ઓટો ઈન્ડસ્ટ્રી અત્યારે મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે. છેલ્લા 9 મહિનામાં વાહનોના ઉત્પાદન અને વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જુલાઈ મહિનામાં પેસેન્જર વાહનોના વેચાણમાં 30.98 ટકા ઘટ્યું છે. જુલાઈ 2019માં કુલ 2 લાખ 790 વાહનોનું વેચાણ થયું છે. જુલાઈ, 2018માં આ આંકડો 2,90,931 વાહનનો હતો.
પેસેન્જર વ્હિકલની સાથે-સાથે મોટરસાઈકલના ઘરેલુ વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. ગયા મહિને દેશમાં 9,33,996 મોટરસાઈકલ વેચાયા હતા, જે ગયા વર્ષની સરખામણીએ 18,88 ટકા ઓછું છે. ઓટો ઉદ્યોગની આ સ્થિતિના કારણે ઓટો સેક્ટરના સંગઠન સિયામે સરકાર પાસે રાહત પેકેજની માગ કરી છે.
જુઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે