Electric Scooter Caught Fire: સામે આવી ઈલેક્ટ્રિક સ્કૂટરની 'સાઈડ ઈફેક્ટ'! પિતા અને પુત્રીનું મોત, અત્યંત ચોંકાવનારો કિસ્સો

એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે જ્યાં એસ્બેસ્ટસની છતવાળા ઘરમાં ઊભેલું ઈલેક્ટ્રિક સ્કૂટર આગમાં ભસ્મીભૂત થઈ જતા એક વ્યક્તિ અને તેની પુત્રીનું દર્દનાક મોત થઈ ગયું છે.

Electric Scooter Caught Fire: સામે આવી ઈલેક્ટ્રિક સ્કૂટરની 'સાઈડ ઈફેક્ટ'! પિતા અને પુત્રીનું મોત, અત્યંત ચોંકાવનારો કિસ્સો

નવી દિલ્હી: તામિલનાડુના વેલ્લુરથી એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે જ્યાં એસ્બેસ્ટસની છતવાળા ઘરમાં ઊભેલું ઈલેક્ટ્રિક સ્કૂટર આગમાં ભસ્મીભૂત થઈ જતા એક વ્યક્તિ અને તેની પુત્રીનું દર્દનાક મોત થઈ ગયું છે. ઘરમાં સ્કૂટર બળી જવાના કારણે આ બંને ગૂંગળાઈ ગયા અને બંનેના મોત થયા. પોલીસે જણાવ્યું કે 49 વર્ષના એમ દુરઈવર્મા એક ફોટો સ્ટુડિયો ચલાવે છે અને તેમણે થોડા દિવસ પહેલા જ ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યું હતું. તેમણે પોતાના ઘરમાં એક જૂની સોકેટમાં સ્કૂટરને ચાર્જ કરવા મૂક્યું અને સૂવા માટે જતા રહ્યા. જેના કારણે ઈલેક્ટ્રિક સ્કૂટરમાં શોર્ટ સર્કિટ થયું અને આગ લાગ્યા બાદ સમગ્ર ઘર ધૂમાડાથી ભરાઈ ગયું. 

ઘટનામાં પુત્રીનું પણ મોત
આ ઘટનામાં દુરઈવર્માની પુત્રી મોહના પ્રીતિનું પણ મોત થયું છે. જે આઠમા ધોરણમાં ભણતી હતી. પોલીસનું કહેવું છે કે કદાચ તે સોકેટ જૂનું હતું જેના ઓછા વોલ્ટેજના કારણે તે ઈલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ થઈ શક્યું નહીં અને શોર્ટ સર્કિટ થઈ ગયું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે રાતે 1 વાગે તેમણે ઈલેક્ટ્રિક સ્કૂટર બળતું જોયું જેના કારણે સમગ્ર ઘરમાં ધૂમાડો ભરાઈ ગયો હતો. તેમણે પોલીસ અને દુરઈવર્માની બહેનને આ અંગે જાણ કરી જે ત્યાંથી થોડે દૂર રહે છે. જો કે સ્થાનિક લોકો આગ ભીષણ હોવાથી બૂઝાવી શક્યા નહીં અને આ આગ આજુબાજુ ઊભેલી પેટ્રોલ બાઈક્સ સુધી પણ પહોંચી ગઈ હતી. અત્રે જણાવવાનું કે ઈલેક્ટ્રિક સ્કૂટર બળી જવાનો આ એકમાત્ર કિસ્સો નથી. હાલમાં જ એક ઓલા સ્કૂટર પણ પૂનામાં બળી ગયું હતું, જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહતી. 

દમ ઘૂટી જવાથી થયા મોત!
વેલ્લૂરથી ફાયરકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ બૂઝાવી દીધી. ત્યારબાદ સ્થાનિકો સામેનો દરવાજો તોડીને અંદર ઘૂસ્યા જ્યાં દુરઈવર્મા અને તેમની પુત્રી મૃત અવસ્થામાં મળી આવ્યા. પોલીસનું માનવું છે કે ગૂંગળાઈ જવાથી કદાચ બંનેને મોત થયા છે. કારણ કે બોડી પર ક્યાંય દાઝી જવાના નિશાન નથી. અત્રે જણાવવાનું કે 2013માં દુરઈવર્માના પત્નીનું અવસાન થયું હતું અને તેઓ તેમની પુત્રી અને પુત્ર સાથે રહેતા હતા. ભોજન કર્યા બાદ તેમનો પુત્ર તેમના એક સંબંધીના ઘરે સૂવા માટે જતો રહ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે તેમની પુત્રી ઘણા મહિના પછી પિતાને મળવા માટે આવી હતી. કારણ કે તે તેમના એક સંબંધીના ત્યાં તિરુવન્નમલઈમાં રહેતી હતી જેથી કરીને સારી રીતે ભણી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news