International Yoga Day 2019 : 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવવાનું આ છે કારણ, જાણો થીમ

ભારતમાં યોગાભ્યાસની પરંપરા અંદાજે 5000 વર્ષ જૂની છે અને આ ભારતના આગ્રહ પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2015થી આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે 
 

International Yoga Day 2019 : 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવવાનું આ છે કારણ, જાણો થીમ

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ભારતમાં યોગાભ્યાસની પરંપરા લગભગ 5000 વર્ષ જૂની છે. યોગ શરીર અને આત્મા વચ્ચે સામંજસ્યનું અદભૂત વિજ્ઞાન છે. આ પ્રાચીન પદ્ધતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી વર્ષ 2015માં થઈ હતી. ભારતમાં આમ તો યોગ અસંખ્ય લોકોના દૈનિક જીવનનો એક ભાગ છે. તેઓ દરરોજ સવારે ઉઠીને નિયમિત રીતે વિવિધ યોગાસનો દ્વારા પોતાના શરીરને ચુસ્ત રાખતા હોય છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું પણ એક વિશેષ કારણ છે. 

International Yoga Dayનો ઈતિહાસ 
વિશ્વ યોગ દિવસ ઉજવવાના પ્રસ્તાવના મૂળિયા વર્ષ 2001માં નખાયા હતા જ્યારે પોર્ટુગિઝમાં યોગ પરિષદનું આયોજન થયું હતું. ત્યાર પછી 21 જુન, 2002ના રોજ પ્રથમ 'વિશ્વ યોગ દિવસ' ઉજવવામાં આવ્યો હતો. ત્યાર પછી બેંગલુરુમાં 4 અને 5 ડિસેમ્બર, 2011 દરમિયાન યોજાયેલી 'યોગ- વિશ્વશાંતિ માટેનું વિજ્ઞાન' નામની એક પરિષદનું આયોજન થયું હતું ત્યારે તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસ ઉજવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઈતિહાસમાં આ પ્રથમ વખત સમગ્ર વિશ્વમાંથી આવેલા યોગ ગુરૂઓએ યોગ માટેનો એક આંતરરાષ્ટ્રીય દિવસ હોવો જોઈએ તેનો વિચાર તરતો મુક્યો હતો. 

21 જૂનના રોજ હોય છે સૌથી લાંબો દિવસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, આ એ દિવસ છે જ્યારે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. આ દિવસે સૂર્યોદય વહેલા થાય છે અને સૂર્યાસ્ત પણ સૌથી મોડે થાય છે. આ ઉપરાંત, ભારમતાં 21 જૂન ઉનાળાની સંક્રાંતિનો પણ દિવસ હોય છે. પીએમ મોદીએ યોગના મહત્વ પર ચર્ચા કરી હતી. 

સંયુક્ત રાષ્ટ્રનો ઠરાવ
11 ડિસેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં 21 જૂનનો દિવસ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવવા માટે 69/131 નંબરનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ભારત દ્વારા આ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો જેને સંયુક્ત રાષ્ટ્રોના 193 સભ્ય રાષ્ટ્રોમાંથી 177 રાષ્ટ્રોએ સમર્થન આપ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આ ઠરાવને પેટા સમર્થન આપનારા પણ 175 દેશ હતા, જે અત્યાર સુધીનું સૌથી મોટું સમર્થન હતું. ત્યાર પછી વર્ષ 2015થી સમગ્ર દુનિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત 
21 જૂન, 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વના અનેક દેશોના વિવિધ શહેરોમાં ઉજવવામાં આવ્યો હતો. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. દિલ્હીમાં રાજપથ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ હાજર રહ્યા હતા. તેમની સાથે જ જુદા-જુદા 84 દેશના પ્રતિનિધિ સહિત કુલ મળીને 35,985 લોકોએ 32 મિનિટ સુધી વિવિધ યોગાસન કર્યા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો દ્વારા યોગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. 

21 જુન, 2015ના રોજ સમગ્ર વિશ્વમાં અંદાજે 200 મિલિયન લોકોએ જુદા-જુદા સ્થળોએ યોગાસનો કર્યો હતા. અમેરિકામાં જ 20 મિલિયન લોકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની સાથે જ સમગ્ર વિસ્વના લોકોમાં યોગ પ્રત્યે એક નવો ઉત્સાહ જાગ્યો હતો અને તેઓ યોગાસનની મદદથી શરીરને તંદુરસ્ત રાખવા આગળ આવ્યા હતા. 

વર્ષ 2019ની થીમઃ Climate Action
વર્ષ 2019ના યોગ દિવસની થીમ 'Yoga for Climate Action' રાખવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં પર્યાવરણ સામે ખતરો પેદા થઈ ગયો છે. કુદરતી સંસાધનોનો નાશ થઈ રહ્યો છે અને તેના પરિણામે સમગ્ર વિશ્વ પર જળવાયુ પરિવર્તનનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે. જળવાયુ પરિવર્તનના કારણે અનેક દેશોમાં ઋતુચક્રમાં પરિવર્તન આવ્યું છે તો વિશ્વના તાપમાનમાં પણ વધારો થયો છે. ગ્લેશિયરો ઓગળવા લાગ્યા છે. આથી, આ તમામ બાબતો પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'પર્યાવરણ પ્રત્યે જાગૃતિ' રાખવામાં આવી છે. 

અત્યાર સુધીના યોગ દિવસની થીમ 

  • 2015 : Yoga for Harmony and Peace (સદભાવ અને શાંતિ માટે યોગ)
  • 2016 : Connect the Youth (યોગ વડે યુવાઓને જોડો)
  • 2017 : Yoga for Health (આરોગ્ય માટે યોગ)
  • 2018 : Yoga for Peace (શાંતિ માટે યોગ)
  • 2019 : Yoga for Climate Action (પર્યાવરણ માટે યોગ)

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news