Bihar Politics: શું ભાજપ-જેડીયૂનું ગઠબંધન તૂટશે? મંગળવારે નીતિશ કુમારે બોલાવી મહત્વની બેઠક

Bihar Politics: બિહારમાં મંગળવારનો દિવસ મહત્વનો રહી શકે છે. ભાજપ-જેડીયૂ ગઠબંધન તૂટવાની અટકળો વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારે પાર્ટી નેતાઓની મહત્વની બેઠક બોલાવી છે. 

Bihar Politics: શું ભાજપ-જેડીયૂનું ગઠબંધન તૂટશે? મંગળવારે નીતિશ કુમારે બોલાવી મહત્વની બેઠક

પટનાઃ BJP-JDU Rift: બિહારમાં ગઠબંધનના ભવિષ્યને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમાર મંગળવારે મોટો નિર્ણય લઈ શકે છે. તેમણે પાર્ટી નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. જેડીયૂના વલણને જોતા ભાજપ વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે. ભાજપના નજીકના સૂત્રના હવાલાથી જાણવા મળ્યું છે કે બિહારમાં ભાજપ વેટ એન્ટ વોચની સ્થિતિમાં છે અને ભાજપ તરફથી નીતિશ કુમારની પાર્ટીને તોડવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે નહીં. સાથે ભાજપ તરફથી સરકાર પાડવાનો પ્રયાસ પણ કરવામાં આવશે નહીં. 

થોડા સમય પહેલા જેડીયૂના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહના રાજીનામા બાદ બિહારની રાજનીતિમાં હલચલ શરૂ થઈ હતી. ભાજપ અને જેડીયૂ વચ્ચે નિવેદનબાજી થઈ હતી. ત્યારબાદ સંકેત મળી રહ્યાં છે કે બિહારમાં ભાજપ-જેડીયૂનું ગઠબંધન તૂટી શકે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે સંપર્ક પણ કર્યો હતો. ત્યારબાદ ગઠબંધનમાં ફૂટ પડવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. 

નીતિશ કુમારે બોલાવી મહત્વની બેઠક
મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. જેડીયૂએ તેના બધા ધારાસભ્યોને સોમવારે સાંજ સુધી પટનામાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. આ બેઠકને લઈને ધારાસભ્ય ગોપાલ મંડલે કહ્યુ કે, અમને રાત્રે પટનામાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બેઠકમાં શું થશે તે વિશે કહી શકાય નહીં, પરંતુ કંઈક મોટું થવાનું છે. અમે હજુ ગઠબંધનમાં છીએ, પરંતુ જોઈશું ફેરફાર થાય છે કે નહીં. તો પાર્ટી પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યુ કે નીતિશ કુમારના નેતૃત્વમાં પાર્ટી જે પણ નિર્ણય કરશે, તે જેડીયૂના દરેક સભ્યને સ્વીકાર્ય હશે. 

જેડીયૂનો ભાજપ પર પ્રહાર
રવિવારે નીતિશ કુમારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં ભાગ લીધો નહીં. આ બેઠકમાં સામેલ ન થવા માટે તેમણે કોવિડ-19થી રિકવરીનો હવાલો આપ્યો હતો. જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે રવિવારે ઇશારા-ઇશારામાં ભાજપ પર નિશાન સાધતા દાવો કર્યો હતો કે બિહારના મુખ્યમંત્રી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે. 

તેમણે કહ્યું કે, એક 2020નો ચિરાગ મોડલ હતો, જેણે અમારી વિધાનસભા સીટને 43 સુધી લાવવાનો જવાબદાર હતો. બીજો હવે બનવાની શરૂઆતમાં હતો જેને ખતમ કરી દેવામાં આવ્યો. અત્યાર સુધી બંને પાર્ટીઓ કહી રહી છે કે બધુ બરાબર છે. જેડીયૂ નેતા ઉપેન્દ્ર કુશવાહાએ કોંગ્રેસ અને આરજેડી સાથે જવાની ચર્ચાને નકારતા કહ્યુ કે ભાજપ સાથે કોઈ મતભેદ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news