લોકસભા ચૂંટણી 2019: આડવાણી આ વખતે ચૂંટણી લડશે કે નહીં? સસ્પેન્સ....!
પ્રથમ વખત 1991માં ગુજરાતની રાજધાની ગાંધીનગરની લોકસભા સીટ પરથી ચૂંટણી જીત્યા બાદ આડવાણીએ અહીંથી 1998, 1999, 2004, 2009 અને 2014માં વિજય મેળવ્યો છે
Trending Photos
અમદાવાદઃ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી આગામી લોકસભા ચૂંટણી 2019 લડશે કે નહીં તેના અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. દેશના ગૃહમંત્રી તરીકે સેવા આપી ચુકેલા 91 વર્ષના આડવાણી ગાંધીનગર લોકસભા સીટ પરથી 6 વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. 1984ની લોકસભા ચૂંટણીમાં માત્ર બે લોકસભા બેઠક જીતનારી ભાજપના ઉદયનો શ્રેય આડવાણીને આપવામાં આવે છે. તેમણે વર્ષ 2014માં નરેન્દ્ર મોદીને પાર્ટીના વડા પ્રધાન પદનો ઉમેદવાર બનાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને ત્યાર બાદથી તેઓ પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા છે.
આડવાણી ચૂંટણી લડવા તૈયાર છે કે નહીં તે અંગે તેમના અંગત સચિવ દીપક ચોપડાને પુછવામાં આવ્યો ત્યારે તેમણે PTI ભાષાને જણાવ્યું કે, "તેના અંગે હજુ નિર્ણય લેવાયો નથી. પ્રસ્તાવ આવ્યા પછી નિર્ણય લેશે."
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, ઉમેદવારો માટે હાલ કોઈ વયમર્યાદા નક્કી કરાઈ નથી અને પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતી ઉમેદવારોના નામ નક્કી કરતા સમયે એ બાબત ધ્યાન પર રાખશે કે તેમના જીતવાની કેટલી સંભાવના છે.
શું પાર્ટીએ આડવાણીને ગાંધીનગર સીટથી ચૂંટણીલડવા વિનંતી કરી છે? આ અંગે ચોપડાએ જણાવ્યું કે, "હજુ સુધી પાર્ટીએ તેમનો સંપર્ક કર્યો નથી અને તેમણે પણ પાર્ટીનો સંપર્ક કર્યો નથી." ગુજરાત ભાજપના નેતાઓના એક વર્ગનું માનવું છે કે, આડવાણી મોટી ઉંમરના કારણે ચૂંટણી ન લડવાનો નિર્ણય જાતે જ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણના ધ્યેય સાથે 1992માં આડવાણીએ પોતાની રથયાત્રા દ્વારા ભારતીય રાજનીતિનું આખું પરિદૃશ્ય બદલી નાખ્યું હતું. ભાજપના ઉદયમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજ્ય ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે, ગાંધીનગરમાં ચૂંટણી લડવા અંગેનો અંતિમ નિર્ણય ભાજપનું સંસદીય બોર્ડ લેશે.
પ્રથમ વખત 1991માં ગુજરાતની રાજધાની ગાંધીનગરની લોકસભા સીટ પરથી ચૂંટણી જીત્યા બાદ આડવાણીએ અહીંથી 1998, 1999, 2004, 2009 અને 2014માં વિજય મેળવ્યો છે. 2009માં આડવાણી ભાજપના વડા પ્રધાન પદના ઉમેદવાર હતા, પરંતુ કોંગ્રેસ પાર્ટીનો પરાજય થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે