CBI કરશે મણિપુર વાયરલ વીડિયો કેસની તપાસ, જે ફોનમાં વીડિયો શૂટ કરાયો તે ફોન જપ્ત, 35 હજાર જવાન તૈનાત

હિંસાગ્રસ્ત મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી ફેરવવાનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. 

CBI કરશે મણિપુર વાયરલ વીડિયો કેસની તપાસ, જે ફોનમાં વીડિયો શૂટ કરાયો તે ફોન જપ્ત, 35 હજાર જવાન તૈનાત

નવી દિલ્હીઃ મણિપુરમાં આદિવાસી મહિલાઓને નગ્ન પરેડ કરાવવાની ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગુરૂવારે આ જાણકારી આપી છે. હિંસાગ્રસ્ત મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી ફેરવવાનો વીડિયો સામે આવ્યા બાદ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી પર સતત હુમલો કરી રહી છે. 

સમાચાર એજન્સી એએનઆઈએ સર્વોચ્ચ સરકારી સૂત્રોના હવાલાથી જણાવ્યું કે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિડ દાખલ કરી વાયરલ વીડિયો મામલાની સુનાવણી મણિપુરથી બહાર કરાવવાની વિનંતી પણ કરશે. આ સિવાય જે મોબાઇલ ફોનથી મણિપુરની મહિલાઓના વાયરલ વીડિયોને શૂટ કરવામાં આવ્યો હતો, તેને જપ્ત કરી લેવામાં આવ્યો છે અને વીડિયો શૂટ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ ફોન સીબીઆઈને સોંપી દીધો છે. 

35 હજાર જવાન તૈનાત
રિપોર્ટ પ્રમાણે તેમ માનવામાં આવી રહ્યું છે કે ફોનમાંથી આ વીડિયો લીક કરવામાં આવ્યો હતો, તેની તપાસથી સમગ્ર ઘટનાક્રમની માહિતી મેળવી શકાશે. આ કેસ સીબીઆઈને સોંપવામાં આવી રહ્યો છે. સર્વોચ્ચ સરકારી સૂત્રએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર કુકી અને મૈતેઈ સમુદાયોના સભ્યોની સાથે અનેક રાઉન્ડની વાતચીત કરી છે. દરેક સમુદાયની સાથે છ રાઉન્ડની વાતચીત થઈ છે. પૂર્વોત્તરના રાજ્યમાં હિંસા રોકવા અને શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા માટે CRPF ના 35 હજાર જવાન તૈનાત કરવામાં આવ્યા છે. 

મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરાવવાનો વીડિયો 19 જુલાઈએ સામે આવ્યો હતો. આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો અને વિવિધ વિરોધ પ્રદર્શન થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વીડિયો ચાર મેનો છે. 

સુપ્રીમ કોર્ટે પણ લીધી નોંધ
નોંધનીય છે કે હિંસાગ્રસ્ત મણિપુરમાં બે મહિલાઓને નગ્ન પરેડ કરાવવાનો વીડિયો સામે આવ્યા બાદ સર્વોચ્ચ અદાલતે 20 જુલાઈએ કહ્યું હતું કે તે આ ઘટનાથી ખુબ દુખી છે અને હિંસાને અંજામ આપવા માટે મહિલાઓનો ઓજારના રૂપમાં ઉપયોગ કરવો બંધારણીય લોકતંત્રમાં અસ્વીકાર્ય છે. આ વીડિયોને ધ્યાને લેતા મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી પીઠે કેન્દ્ર તથા મણિપુર સરકારને તત્કાલ સુધારાત્મક, પુનર્વાસ અને પગલા ભરવા અને આ સંબંધમાં કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી આપવાનો નિર્દેશ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news