Modi Cabinet Expansion: મોદી કેબિનેટમાં ફેરબદલીની અટકળો વચ્ચે ગુજરાતમાં અજંપાભરી સ્થિતિ!, કદ વધશે કે પછી કાતર ફરશે? 

Modi Cabinet Expansion: મોદી કેબિનેટમાં ફેરબદલીની અટકળો વચ્ચે ગુજરાતમાં અજંપાભરી સ્થિતિ!, કદ વધશે કે પછી કાતર ફરશે? 

નવા વર્ષમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે ગુજરાતમાં પણ અજંપાભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મોટાભાગના લોકોના મનમાં એક જ સવાલ રમી રહ્યો છે કે વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ શું કેન્દ્રમાં ગુજરાતનું પ્રભુત્વ વધશે કે પછી ઘટાડવામાં આવશે? જુલાઈ 2021માં જ્યારે મોદી સરકારના બીજા કાર્યકાળ પહેલા ફેરબદલ થયો હતો ત્યારે 3 નવા ચહેરાને જગ્યા મળી હતી. 

એ સમયે કેન્દ્રીય મંત્રીમંડળમાં સુરતથી સાંસદ દર્શના જરદોશ, ખેડાથી યુવા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને સુરેન્દ્રનગરથી સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાને પહેલીવાર મંત્રીપરિષદમાં જગ્યા મળી હતી. ત્યારબાદ ગુજરાતથી કુલ મંત્રીઓની સંખ્યા વધીને 6 થઈ ગઈ હતી. વિદેશમંત્રી એસ જયશંકરને જોડીએ તો હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળમાં સાત મંત્રી છે. એસ જયશંકર પણ ગુજરાતથી જ રાજ્યસભાના સાંસદ છે. આવામાં જ્યારે 2023માં મકર સંક્રાંતિ બાદ અને બજેટ સત્ર પહેલા કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો છે ત્યારે બધાની નજર એક જ વાત પર છે કે ગુજરાતમાં હાલમાં જ વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારે પ્રતિનિધિત્વ ઘટશે કે પછી કદ વધશે.

ગત ફેરબદલીમાં મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલા પ્રમોટ કરાયા હતા અને તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. બંને હાલ રાજ્યસભાના સભ્ય છે. બંને પાટીદાર સમુદાયમાંથી આવે છે અને બંનેનો કાર્યકાળ એપ્રિલ 2024 સુધી છે. જ્યારે એસ જયશંકરનો કાર્યકાળ ઓગસ્ટ 2023 સુધી છે. આવામાં આશા છે કે ત્રણેય મંત્રીઓની જગ્યા યથાવત રહી શકે છે. આ ઉપરાંત અમિત શાહ સહિત બાકીના ચારેય મંત્રી સાંસદ છે. તો આવામાં સવાલ એ છે કે ગુજરાતમાં જે ભવ્ય જીત મળી છે તેના ઈનામ તરીકે આ ફેરબદલીમાં જગ્યા મળશે. 

શું  પાટિલને પ્રમોશન મળશે?
ગુજરાતના રાજકીય ગલિયારામાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું કદ વધવાની અટકળો લાંબા સમયથી થઈ રહી છે. ચર્ચા છે કે કેબિનેટ ફેરબદલમાં સી આર પાટીલ કેન્દ્રમાં મંત્રી બની શકે છે. ત્યારબાદ આગામી ચૂંટણીઓમાં જે તે રાજ્યના પ્રભારી પણ બનાવવામાં આવી શકે છે. જો સી આર પાટીલ કેન્દ્રમાં મંત્રી બને તો સ્પષ્ટ  છે કે કોઈ પણ મંત્રી પદ પર કાતર ફરી શકે છે. બીજી ચર્ચા એ છે કે આગામી ફેરબદલમાં વિધાનસભા ચૂંટણીવાળા રાજ્યોનું પ્રતિનિધિત્વ વધી શકે છે. જેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અને કર્ણાટક સહિત પૂર્વોત્તર રાજ્યો સામેલ છે. જો આ રાજ્યોમાંથી પ્રતિનિધિત્વ વધ્યું તો ગુજરાતના મંત્રીઓની સંખ્યા ઘટી પણ શકે. 

તમામ 26 બેઠકો ભાજપ પાસે
ગુજરાતની લોકસભા બેઠકોની વાત કરીએ તો કુલ 26 બેઠક છે. આ તમામ 26 બેઠકો પર ભાજપનો કબજો છે. આવામાં ચર્ચા એવી પણ છે કે ફેરબદલમાં જો પાટીલ સામેલ ન થાય તો ગુજરાતના કોઈ નવા ચહેરાને તક મળી શકે છે. જેમાં કોઈ નવા સાસંદને લોટરી લાગી શકે છે અને જૂના કોઈ મંત્રીની ખુરશી જઈ શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. જેમાંથી 8 ભાજપ પાસે છે જ્યારે 3 કોંગ્રેસ પાસે છે. ભવિષ્યમાં આ 3 બેઠક પણ ભાજપ પાસે હશે કારણ કે કોંગ્રેસ ફક્ત 17 બેઠકો જીતી શકી છે અને આ સંખ્યા બળથી તે એક પણ સીટ જીતી શકશે નહીં. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

પાટીલના નામની ચર્ચા  કેમ?
ગુજરાતમાં ભાજપને જે અત્યાર સુધીની સૌથી ભવ્ય જીત મળી છે તેમાં નવસારીના સાંસદ સીઆર પાટીલની ભૂમિકા મહત્વની ગણવામાં આવી છે. પીએમ મોદીના મેજિકલ નેતૃત્વ વચ્ચે પાટીલે પેજ સમિતિનો પ્રયોગ કર્યો જે બ્રહ્માસ્ત્ર સાબિત થયું. કોંગ્રેસની ઔકાત નેતા વિપક્ષ સુધી પણ પહોંચી શકી નહીં જ્યારે આમ આદમી પાર્ટી પણ 5 બેઠકો સુધી જ પહોંચી શકી. આથી એવી ચર્ચા છે કે તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે. બીજી બાજુ ચર્ચા એ પણ છે કે પાટીલને સંગઠનની મોટી જવાબદારી સોંપવામાં આવશે. તેમને રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્રમાંથી કોઈ એક રાજ્યના પ્રભારી બનાવવામાં આવી શકે છે. સીઆર પાટીલનો પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યકાળ જુલાઈ 2023 સુધી છે. આવામાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલના એંધાણો વચ્ચે ગુજરાતમાં અજંપાભરી સ્થિતિ છે. એવો સવાલ છે કે ગુજરાતનો દબદબો વધશે કે પછી ઘટશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news