માતાએ 3 વર્ષથી પુત્રને ઘરમાં જ ગોંધી રાખ્યો, કુપોષણનો શિકાર બાળક મોતને ભેટ્યો
રાજધાની દિલ્હીમાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક માસૂમ બાળકનું કથિત રીતે કુપોષણથી મોત નિપજ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક માસૂમ બાળકનું કથિત રીતે કુપોષણથી મોત નિપજ્યું છે. માસૂમ બાળકના આ દર્દનાક મોત માટે કોઈ બીજુ નહીં પરંતુ તેની મોતાની માતા જ જવાબદાર છે. માતાએ તેના પુત્રને છેલ્લા 3 વર્ષથી ઘરમાં જ કેદ કરીને રાખ્યો હતો. આ બાળકને ગત અઠવાડિયે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. કહેવાય છે કે બાળકની માતાની માનસિક હાલત સારી નથી. બાળકની હાલત જોઈને સ્પષ્ટપણે લાગતુ હતું કે તે કુપોષણનો શિકાર છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તેના મોતનું કારણ સ્પષ્ટ થશે.
પોલીસના જણાવ્યાં મુજબ દિલ્હીના ત્રિનગર વિસ્તારમાં એક માતા તેના પુત્ર મયંક સાથે કેટલાય વર્ષોથી રહેતી હતી. મયંકના પિતા તેમની સાથે નહતા રહેતા. મયંકની નાની રુકમણીએ જણાવ્યું કે 12 ઓક્ટોબરના રોજ પુત્રી નીતાએ પોતાના બાળકને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. ગલીના કૂતરા પણ તેના ઉપર ભોંકવા લાગ્યા હતાં. મયંકની હાલત ખુબ ખરાબ હતી. નાનીએ જણાવ્યું કે પુત્રીએ તેના પુત્ર મયંકને છેલ્લા 3 વર્ષથી ઘરમાં પૂર્યો હતો. તેને ક્યાંય બહાર નીકળવા દેતી નહતી. તે તેની મારપીટ કરતી હતી. જો હું તેને રોકવાની કોશિશ કરું તો મને પણ મારતી હતી.
આ બાજુ બાળકની માતા નીતાએ જણાવ્યું કે તેનો પતિ કેટલાક વર્ષોથી કોઈ બીજી મહિલા સાથે રહે છે. તે ઘરે આવતો નથી. મયંક પોતે જ ઘરની બહાર નીકળતો નહતો. "શાળામાં એડમિશન કરાવ્યું તો ત્યાં પણ જતો નહતો. છેલ્લા દોઢ મહિનાથી તેને લૂઝમોશન થયા હતાં. કઈં ખાતો નહતો. આખો વખત રૂમમાં જ રહેતો હતો. 12 ઓક્ટોબરના રોજ ઘરની સફાઈ માટે તેને બહાર બેસાડ્યો તો પાડોશીઓએ પોલીસને ફોન કરી દીધો. હું પોતે જ મારા જીવનથી પરેશાન છું. હું આત્મહત્યા કરી નાખીશ." નીતાની હાલત જોઈને એવું લાગે છે કે તેની માનસિક હાલત ઠીક નથી.
પાડોશમાં રહેતા લોકોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી અમે મયંકને જોયો નહતો. લગભગ 3 વર્ષ પહેલા બાલકનીમાં રમતો જોયો હતો. પરંતુ ત્યાર બાદ ક્યારેય જોયો નથી. મયંકની હાલત જોઈને એવું લાગે છે કે તેણે કેટલાય દિવસોથી કઈં ખાધુ નહતું. કેશવપુરમ પોલીસ સ્ટેશનનું કહેવું છે કે બાળકની માતા ડિપ્રેશનમાં લાગે છે. બાળક પોતે જ ઘરની બહાર નીકળતો નહતો. અનેક દિવસોથી તેની તબિયત ખરાબ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ જ માલુમ પડશે કે મયંકનું મોત કેવી રીતે થયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે