Punjab Election Result 2022: નવી ચૂંટણી પિચ પર 'હિટ વિકેટ' થયા કેપ્ટન અમરિંદર સિંહ, આપના ઉમેદવાર સામે હાર્યા ચૂંટણી
Amarinder Singh: પંજાબમાં આમ આદમી પાર્ટીના વાવાઝોડામાં પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ જેવા મોટા નેતા પણ ચૂંટણી હારી ગયા છે. જાણકારી પ્રમાણે કેપ્ટનની પટિયાલા સીટ પરથી હાર થઈ છે.
Trending Photos
ચંડીગઢઃ પંજાબના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પટિયાલા સીટથી ચૂંટણી હારી ગયા છે. તેમને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજીતપાલ સિંહ કોહલીએ હરાવી દીધા છે. મહત્વનું છે કે આ વખતે કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો અને પોતાની નવી પાર્ટી બનાવી મેદાનમાં ઉતર્યા હતા. અમરિંદર સિંહે ચૂંટણી પહેલાં ભાજપ સાથે ગઠબંધન કર્યુ હતું. કેપ્ટન અમરિંદર સિંહે પોતા માટે પટિયાલા સીટ પસંદ કરી, આ સીટ પરથી તે 2017માં ચૂંટણી જીત્યા હતા. ત્યારે તેમણે આમ આદમી પાર્ટીના ડો. બલબીર સિંહને 52407 મતે હરાવ્યા હતા. 2047ની ચૂંટણીમાં અહીં કુલ 68.29 ટકા મત પડ્યા હતા.
પટિયાલા સીટ છે કેપ્ટનનો ગઢ
રાજ્યની આ પટિયાલા અર્બન સીટને કેપ્ટન અમરિંદર સિંહનો ગઢ માનવામાં આવે છે. અમરિંદર અહીંથી સતત 2002, 2007, 2012 અને 2017માં ચાર વખત ધારાસભ્ય બન્યા, તો 2014માં અમરિંદર સિંહે અમૃતસરથી લોકસભા ચૂંટણી લડી અને જીત્યા બાદ પોતાની વિધાનસભા છોડવી પડી હતી. તેમણે છોડેલી સીટ પર પત્ની પરનીત કૌરે પેટાચૂંટણી જીતી હતી. મહત્વનું છે કે કેપ્ટન અમરિંદર સિંહની ઉંમર 79 વર્ષ છે.
થોડા દિવસ પહેલાં અમિત શાહને મળ્યા હતા કેપ્ટન
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારે અમરિંદરે દાવો કર્યો હતો કે ભાજપની આગેવાનીવાળા ગઠબંધન પંજાબમાં સારૂ પ્રદર્શન કરશે. મહત્વનું છે કે પંજાબમાં ભાજપ પ્રથમવાર મોટા ભાઈની ભૂમિકામાં ચૂંટણી મેદાનમાં ઉતર્યુ હતું. ભાજપે અમરિંદર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ અને સુખદેવ સિંહ ઢીંઢસાની પાર્ટી શિરોમણિ અકાલી દળ (સંયુક્ત) ની સાથે ગઠબંધન કર્યુ હતું. અમિત શાહ સાથે મુલાકાત બાદ કેપ્ટન અમરિંદર સિંહ તરફથી પંજાબ લોક કોંગ્રેસ તરફથી સારા પ્રદર્શનનો દાવો કરવામાં આવ્યો હતો. કેપ્ટમ અંરિંદર સિંહે કહ્યુ- હું કોઈ પંડિત નથી. હું એવો વ્યક્તિ નથી જે આ વિશે કંઈ જણાવી શકે. મારી પાર્ટીએ સારૂ પ્રદર્શન કર્યુ છે. પરંતુ આ ચૂંટણીમાં હાર બાદ કેપ્ટનના રાજકીય ભવિષ્ય વિશે પણ સવાલ ઉઠી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે