મુંબઈ: આરે કોલોનીમાં હવે વૃક્ષો નહીં કપાય, સુપ્રીમ કોર્ટે તત્કાળ પ્રભાવથી લગાવી રોક 

મહારાષ્ટ્ર સરકાર મુંબઈની આરે કોલોનીના જંગલના વૃક્ષો કાપી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે લો સ્ટુડન્ટ્સની અરજી પર સુનાવણી હાથ ધરતા મહારાષ્ટ્ર સરકારને ઝાડ કાપવા પર તત્કાળ પ્રભાવથી રોક લગાવાનો આદેશ આપ્યો છે.

મુંબઈ: આરે કોલોનીમાં હવે વૃક્ષો નહીં કપાય, સુપ્રીમ કોર્ટે તત્કાળ પ્રભાવથી લગાવી રોક 

નવી દિલ્હી: મહારાષ્ટ્ર સરકાર મુંબઈની આરે કોલોનીના જંગલના વૃક્ષો કાપી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે લો સ્ટુડન્ટ્સની અરજી પર સુનાવણી હાથ ધરતા મહારાષ્ટ્ર સરકારને ઝાડ કાપવા પર તત્કાળ પ્રભાવથી રોક લગાવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ મામલે જ્યાં સુધી ફોરેસ્ટ એટલે કે એન્વાયરમેન્ટ બેન્ચનો નિર્ણય ન આવે ત્યાં સુધી આરેમાં યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સુનાવણી 21 ઓક્ટોબરે કરશે. 

સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે પૂર્વ નિયોજિત 1200 ઝાડને કાપવાની કામગીરી રોકાઈ ગઈ છે. સરકાર પહેલેથી 1200 ઝાડ કાપી ચૂકી છે. આરેમાં મેટ્રો શેડ બનાવવા માટે કુલ 2700 ઝાડ કાપવાની યોજના છે. જો કે જસ્ટિસ અરુણ મિશ્રાએ સુનાવણી દરમિયાન એ પણ કહ્યું કે અમે જે પણ સમજી રહ્યાં છીએ તે મુજબ આરે વિસ્તાર નોન ડેવલપમેન્ટ એરિયા છે પરંતુ ઈકો સેન્સિટીવ વિસ્તાર નથી. 

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મહારાષ્ટ્ર સરકાર તરફથી જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ અશોક ભૂષણ સમક્ષ પક્ષ રજુ કર્યો. તેમણે જણાવ્યું કે જરૂરિયાત માટે વૃક્ષો કપાયા છે. વાત જાણે એમ છે કે મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષો કાપવા અંગે ખુબ વિરોધ થયો છે અને સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. સુપ્રીમ કોર્ટમાં લો સ્ટુડન્ટ્સ તરફથી વૃક્ષો કાપવાના વિરોધમાં લખાયેલા એક પત્રને જનહિત અરજી માનતા સુનાવણીની વાત કરી. કોર્ટે આજે સુનાવણી માટે સ્પેશિયલ બેન્ચ પણ રચી. 

જુઓ LIVE TV

મેટ્રો શેડ માટે આરે કોલોનીના ઝાડ કાપવાનો વિરોધ સામાજિક અને પર્યાવરણ કાર્યકર્તાઓની સાથે સાથે અનેક બોલિવૂડ અને અન્ય ક્ષેત્રોની હસ્તિ પણ કરી રહ્યાં છે. બોમ્બે હાઈકોર્ટમાં દાખલ એક અરજીમાં માગણી કરાઈ હતી કે આ સમગ્ર વિસ્તારને જંગલ જાહેર કરવામાં આવે. જેના પર હાઈકોર્ટે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં આ મેટર પેન્ડિંગ હોવાથી તેના પર સુનાવણી થઈ શકે નહીં. 

આ બાજુ સરકારે આ મામલે બે નોટિફિકેશન બહાર  પાડ્યા હતાં. તેમાંથી એક દ્વારા આરે વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોનથી અલગ કરાયો હતો. કોર્ટે અરજીકર્તાના વકીલને કહ્યું કે તમે અમને એ નોટિફિકેશન બતાવો જેમાં આરે વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોનમાંથી બહાર કરાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news