Weather Forecast: માર્ચની આ તારીખથી ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે! ચિંતાજનક છે હવામાન વૈજ્ઞાનિકોની આ આગાહી
ગરમીને લઈને વેધર એક્સપર્ટ્સે જે ભવિષ્યવાણીઓ કરી છે તે ચિંતા ઉપજાવનારી છે. મીડિયા રિપોર્ટમાં આઈએમડીના પૂર્વ મહાનિદેશક કે જે રમેશના હવાલે જણાવવામાં આવ્યું છે કે પ્રી મોનસૂન સીઝનમાં આ વખતે પણ બે વર્ષની જેમ જ જોવા મળશે.
Trending Photos
ફેબ્રુઆરી મહિનો ખતમ થવાને આરે છે પરંતુ આમ છતાં ગુજરાતમાં જાણે ઉનાળો શરૂ થયો હોય તેવું મહેસૂસ થઈ રહ્યું છે. સવારે અને રાતે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. પરંતુ દિવસના ગરમી લાગવા લાગી છે. બીજી બાજુ દેશના હવામાનની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં છેલ્લા 16 વર્ષમાં ફેબ્રુઆરીમાં સૌથી ઠંડી રાતો અને સવારની શરૂઆત નોંધાઈ છે. મહિનાના અંત સુધીમાં ફૂંકાતા પવનમાં ઠંડીનો અનુભવ થાય છે. મોટાભાગના દિવસોમાં તડકો નિકળવા છતાં દિવસનું તાપમાન ફેબ્રુઆરીમાં પાંચ વર્ષમાં સૌથી ઓછું નોંધાયું. જો કે આમ છતાં ગરમીને લઈને વેધર એક્સપર્ટ્સે જે ભવિષ્યવાણીઓ કરી છે તે ચિંતા ઉપજાવનારી છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વખતે હોળીથી જ હીટવેવ શરૂ થઈ જશે. હોળી આ વર્ષે 24 તારીખે અને ધૂળેટી 25 તારીખે હોવાનું કહેવાય છે.
ગરમી ભૂક્કા કાઢશે
મીડિયા રિપોર્ટમાં આઈએમડીના પૂર્વ મહાનિદેશક કે જે રમેશના હવાલે જણાવવામાં આવ્યું છે કે પ્રી મોનસૂન સીઝનમાં આ વખતે પણ બે વર્ષની જેમ જ જોવા મળશે. આઈએમડીના જણાવ્યાં મુજબ આ વર્ષે હોળીની આજુબાજુ દેશના તમામ રાજ્યોમાં હીટવેવ જોવા મળી શકે છે. તેની પાછળનું પહેલું કારણ એ છે કે હોળી આ વખતે માર્ચના અંતિમ સપ્તાહમાં છે. જ્યારે દક્ષિણ ભારતમાં તો ફેબ્રુઆરી મહિનામાં જ તાપમાન વધવાનું શરૂ થઈ ગયું છે. સ્થિતિ એ છે કે દક્ષિણ ભારતમાં હાલ દિવસનું તાપમાન 4થી 6 ડિગ્રી સિલ્સિયસથી વધુ રેકોર્ડ થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર અને ઓડિશા સહિત કેટલાક રાજ્યોમાં હાલ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસથી વધુ જોવા મળ્યું છે.
શું કહે છે હવામાન નિષ્ણાંતો
હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે આપણે મૌસમી ચક્રના એક એવા દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ કે શિયાળો પૂરો થતાની સાથે જ તરત ગરમી દસ્તક આપવા લાગી છે. આવામાં વસંતનો દોર ખુબ ઓછો કે નહિવત રહી ગયો છે. દુનિયાભરના હવામાન પર અલનીનોની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. અલનીનોના કારણે પ્રશાંત મહાસાગર જ નહીં પરંતુ બંગાળની ખાડીની સાથે સાથે અરબ સાગરની સપાટીની તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જે ગત એક વર્ષમાં સામાન્ય કરતા વધુ જોવા મળ્યો છે. ગત વર્ષ દેશમાં હીટવેવ દક્ષિણ ભારતમાં 3 માર્ચથી શરૂ થઈ હતી. લૂની આ સ્થિતિ દેશભરમાં મેના ત્રીજા અઠવાડિયા સુધી રહી હતી. જ્યારે 2022માં હીટવેવ 11 માર્ચથી શરૂ થઈ હતી અને દેશભરમાં જૂનના પહેલા અઠવાડિયા સુધી યથાવત જોવા મળી હતી.
છેલ્લા ચાર દાયકામાં બદલાયું હવામાન
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયર્મેન્ટે હવામાનને લઈને એક સ્ટડી કર્યો છે. જેમાં સામે આવ્યું છે કે છેલ્લા 45 વર્ષમાં એક પણ મહિનો એવો નથી ગયો કે જ્યારે હવામાન સામાન્ય રહ્યું હોય, જ્યારે હવામાનમાં પીક ઈવેન્ટ ન થયું હોય. વર્ષ 2023માં જ 365 દિવસ પીક ઈવેન્ટનો રહ્યો. પીક ઈવેન્ટ આશય મૌસમી ફેરફાર જેમ કે પૂર, હિમવર્ષા, વધુ પડતી ગરમી, ઠંડી સાથે જોડાયેલી એવી ઘટનાઓથી થાય છે જેનાથી લોકો વધુ પ્રભાવિત થાય છે.
દેશના આઠ રાજ્યોમાં એક્સ્ટ્રીમ વેધરની 100થી વધુ ઘટનાઓ નોંધાઈ. જેમાં હિમાચલ પ્રદેશ ટોચ પર રહ્યું. રાજ્યમાં 149 દિવસ એવી ઘટનાઓ થઈ. મધ્ય પ્રદેશ, કેરળ અને યુપી પણ એવા રાજ્યોમાં સામેલ રહ્યા જ્યાં આવી ઘટનાઓએ લોકોને પરેશાન કર્યા.
ગુજરાતનું હવામાન
આ બધા વચ્ચે ગુજરાતમાં હવામાન ખાતાએ જો કે આવતીકાલથી ત્રણ દિવસ હળવા વરસાદ સાથે ભારે પવનની આગાહી કરી છે. બીજા દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી, ગીરસોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. ત્રીજા દિવસે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણામાં વરસાદ રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે. ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે