વિંગ કમાન્ડર અભિનંદનના આખા પરિવારે આપી છે ભારતીય વાયુસેનામાં સેવા
પુલવામામાં આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ પીઓકેના બાલાકોટ, મઝફ્ફરાબાદ અને ચકોટીમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકી ઠેકાણાઓનો સફાયો કર્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાની વાયુસેનાએ બુધવારે ભારતીય સરહદમાં પ્રવેશવાની ગુસ્તાખી કરતાં ભારતીય વાયુસેનાએ તેનો પીછો કરીને ભગાડી મુકી હતી, ભારતની આ જવાબી કાર્યવાહીમાં એક મીગ-21 વિમાન તુટી પડ્યું હતું અને ભારતનો એક પાઈલટ પાક. સેનાના કબ્જામાં આવી ગયો હતો, જેને હવે પાકિસ્તાને શુક્રવારે છોડી મુકવાની જાહેરાત કરી છે
Trending Photos
નવી દિલ્હીઃ ભારત-પાક. વચ્ચે થયેલી વાયુસેનાની કાર્યવાહીમાં ભારતનો એક પાઈલટ પાકિસ્તાનની સેનાના કબ્જામાં આવી ગયો હતો. ભારત સરકારે પાકિસ્તાનના નાયબ હાઈ કમિશનર સૈયદ હૈદરને બોલાવીને ભારતીય પાઈલટ અભિનંદનને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડ્યા વગર તાત્કાલિક ધોરણે ભારતને પરત આપી દેવા બુધવારે ચેતવણી આપી હતી. આ ઉપરાંત પાકિસ્તાન પર વ્યૂહાત્મક દબાણ પણ પેદા કર્યું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે, પાકિસ્તાને પકડેલા પાઈલટ અભિનંદનનો આખો પરિવાર ભારતીય વાયુસેનામાં સેવા આપી ચૂક્યો છે. તેના પિતા રિટાયર્ડ માર્શલ સિમ્હાકુટ્ટી વર્થમાન એરફોર્સની પૂર્વી કમાન્ડના પ્રમુખ રહી ચૂક્યા છે, જ્યારે તેની પત્ની તન્વી મરવાહા એરફોર્સમાં સ્કવોડ્રન લીડર રહી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા પછી તંગદીલીનું વાતાવરણ સર્જાયું છે. તેમાં પણ ભારતીય વાયુસેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈક-2 બાદ પાકિસ્તાન રીતસરનું ફફડી ગયું છે. ભારતની સર્જિકલ સ્ટ્રાઈકના જવાબમાં પાકિસ્તાનની વાયુસેનાએ વળતો જવાબ આપવાની ભૂલ કરી હતી. જેનો ભારતીય વાયુસેનાએ જડબાતોડ જવાબ આપતું તેનું કિંમતી F-16 વિમાન તોડી પાડ્યું હતું.
આ જવાબી કાર્યવાહીમાં ભારતનું એક મીગ-21 વિમાન પણ તુટી પડ્યું હતું અને ભારતનો એક પાઈલટ પણ પાક. સેનાના કબ્જામાં આવી ગયો હતો. ભારત તરફથી ભારતીય પાઈલટને છોડી મુકવા માટે આપવામાં આવેલી કડક ચેતવણી અને આંતરરાષ્ટ્રીય દબાણને પગલે પાકિસ્તાને ભારતીય પાઈલટને શુક્રવારે પરત સોંપી દેવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદમાં આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 'શાંતિની પહેલ તરીકે પાકિસ્તાન ભારતીય પાઈલટ પરત સોંપી દેશે.'
પાકિસ્તાનના હાથે પકડાઈ ગયેલા આ પાઈલટનું નામ અભિનંદન વર્થમાન છે અને તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેનો આખો પરિવાર વાયુસેનામાં સેવા આપી ચૂક્યો છે. અભિનંદનના પિતા, તેની પત્ની વાયુસેનામાં સેવા આપી ચૂક્યા છે અને અભિનંદને તાજેતરમાં જ મોકો મળતાં પાકિસ્તાનના દાંત ખાટા કરીને પોતાની વીરતાનો પરિચય આપ્યો છે.
અભિનંદનના પિતા રિટાયર્ડ એરમાર્શલ સિમ્હાકુટ્ટી વર્થમાન
વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનના પિતા ભારતીય વાયુસેનામાં પૂર્વી કમાન્ડના પ્રમુખ પદેથી નિવૃત્ત થયા હતા. 1973માં ભારતીય વાયુસેનામાં જોડાનારા નિવૃત્ત એરમાર્શલ એસ. વર્થમાન પાસે 4000 કલાકથી વધુ અને 40થી વધુ પ્રકારના વિમાન ઉડાવાનો અનુભવ છે. કારગિલ યુદ્ધ દરમિયાન તેઓ ગ્વાલિયર એરબેઝના ચીફ ઓપરેશન ઓફિસર હતા.
અભિનંદનની પત્ની રિટાયર્ડ સ્કવોડ્રન લીડર તન્વી મરવાહા
વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાને પોતાના જીવનસાથી તરીકે પણ એરફોર્સ અધિકારી સ્વોડ્રન લીડર તન્વી મરવાહાને પસંદ કરી હતી. અભિનંદનની પત્ની તન્વી ભારતીય વાયુસેનામાં 15 વર્ષની સેવા પછી હેલિકોપ્ટર પાઈલટ તરીકે નિવૃત્ત થઈ હતી. તન્વી મરવાહાએ IIM અમદાવાદમાં આર્મ્ડ ફોર્સિસનો એક્ઝીક્યુટિવ કોર્સ કરેલો છે. અત્યારે તન્વી બેંગલુરુમાં રિલાયન્સ જીયોમાં ડીજીએમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે