Photos : શામળાજીમાં ગોકુળ જેવો માહોલ, નિજ મંદિર ખુલ્લુ હોવાથી ભક્તોએ હસતા હૈયે દર્શન કર્યાં

જન્માષ્ટમીના પર્વ પર જેમ ભગવાનનો જન્મ થાય છે, ત્યારે સમગ્ર ગોકુળ ગામમાં ઉત્સાહ હોય છે, તેવો જ ઉત્સાહ શામળાજીમાં શામળશા શેઠના જન્મ વખતે જોવા મળે છે

આશ્કા જાની/અમદાવાદ :અરવલ્લીના શામળાજીમાં જન્માષ્ટમી (Janmastami) ના પર્વને લઈને લોકો શામળિયા શેઠ (shamlaji temple) ના દર્શન કરવા ઉમટ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે ભાવિક ભક્તો દર્શન કરી રહ્યા છે. આજે ભગવાનને સોનાના આભૂષણો સાથે વિવિધ શણગાર સજાવવામાં આવશે. સવારે મંગળા આરતી બાદ પંચમૂર્તનો અભિષેક કરી ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું હતું તો બપોરે ભગવાનને આજે ખાસ રાજભોગ ધરાવવામાં આવ્યા હતા. હાલ, મંદિર ભલે ભક્તો માટે ખુલ્લો હોય, પરંતુ રાત્રે 8 વાગ્યાથી મંદિર ભક્તો માટે બંધ કરી દેવામાં આવશે. ભગવાનના અલૌકિલ મનોહર રૂપને જોવા માટે ભક્તો મોટી સંખ્યામાં શામળાજી આવી રહ્યા છે. પરંતુ દર વર્ષની સરખામણીમાં 10 થી 15 ટકા જેટલા જ ભક્તો જ દેખાયા છે. 

1/4
image

જન્માષ્ટમીના પર્વ પર જેમ ભગવાનનો જન્મ થાય છે, ત્યારે સમગ્ર ગોકુળ ગામમાં ઉત્સાહ હોય છે, તેવો જ  ઉત્સાહ શામળાજીમાં શામળશા શેઠના જન્મ વખતે જોવા મળે છે. શામળાજી ગામમાં આ ઉત્સવ પર ઠેરઠેર મટકી ફોડ કરવામાં આવે છે. તેમજ ભગવાનનો રથ સમગ્ર ગામમાં ફેરવવામાં આવે છે. પરંતુ આ વર્ષે સાદગીપૂર્વક ઉજવણી કરવાની છે. માટે માત્ર રથને નિજ મંદિરમાં ભક્તોના દર્શન માટે મૂકવામાં આવ્યો છે. ભલે ઉજવણી સાદગીપૂર્વક કરવાની હોય, પરંતુ ભક્તોમાં ઉત્સાહ બરકરાર છે. ભક્તો પોતાના બાળકોને બાળ ગોપાળનો વેશ ધારણ કરીને લાવ્યા છે. 

2/4
image

શામળાજીમાં ભગવાનને દર વર્ષે સોનાની વાંસળી અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે સોનાની વાંસળીનું સમારકામ કરવા માટે નવસારીના સોની પાસે મોકલવામાં આવી હતી. જ્યાં તેની અંદર સોનું ઉમેરવામાં આવે છે. 3 કારીગરોની 5 દિવસની મહેનત બાદ વાંસળી બની છે. જેની કિંમત અંદાજે 7 લાખ જેટલી છે. આ વાંસળી આજે જન્માષ્ટમીના પર્વ પર ભગવાનને અર્પણ કરવામાં આવી છે.

3/4
image

તો બીજી તરફ, છેલ્લા 30 વર્ષ થી 60 કિલોમીટરથી પગપાળા સંઘ લઈને અનેક ભક્તો શામળાજી પહોંચ્યા છે. 51 ગજની ધજા શામળશા શેઠને ધરવામાં આવશે. મુંબઇથી આવેલા એક પરિવારે પણ શામળાજીમાં ધજા ચઢાવી છે. 

4/4
image

કોરોનાના કારણે ભક્તોની સંખ્યામાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ પરંપરામાં કોઈ ઊણપ આવી નથી. શામળાજી મંદિરને અનેક રંગો સાથે રોશન કરાયું છે. કેળા અને આસોપાલવના તોરણ કરી મંદિરની સાજ-સજાવટ કરવામાં આવી છે. મંદિરને અંદરથી પણ લાઇટિંગ કરાયું છે. શામળાજી મંદિરના રોશનીના આકાશી દ્રશ્યો જુઓ તો મન પ્રસન્ન થઈ જાય.