'શિક્ષક દિવસ' નિમિત્તે રાજ્યના 36 શ્રેષ્ઠ શિક્ષકોનું ગાંધીનગર ખાતે કરાયું સન્માન
Teachers Day-2019 નિમિત્તે રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના 36 શ્રેષ્ઠ શિક્ષકોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
હીતલ પારેખ/ગાંધીનગરઃ 'શિક્ષક દિવસ' નિમિત્તે રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના 36 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું કે, "શિક્ષકો દ્વારા ગઢવામાં આવેલી સસંસ્કૃત ભાવી પેઢીથી જ રાષ્ટ્રનું નિર્માણ થવાનું છે. શિક્ષણ જેવો બીજો કોઈ મોટો ધર્મ નથી."
ગુરૂ દેવો ભવ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રખ્યાત ઉક્તિ 'ગુરૂ દેવો ભવ'નો સંદર્ભ ટાંકતા જણાવ્યું કે, "સમગ્ર વિશ્વમાં જો કોઈ અઘરામાં અઘી નોકરી હોય તો તે શિક્ષણ આપવાની છે, જે અનિવાર્ય પણ એટલી જ છે. માત્ર શિક્ષકો જ આ વિશેષ કાર્ય કરી શકે છે. એક સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ આપણાં જવાનોની શહીદી અને સુસંસ્કૃત યુવા પેઢીથી જ શક્ય છે."
રાજ્યપાલે શિક્ષકોને આપ્યા અભિનંદન
એવોર્ડ વિજેતા શિક્ષકોને અભિનંદન પાઠવતાં રાજ્યપાલે જણાવ્યું કે, "એક સમય એવો હતો જ્યારે વિશ્વભરના લોકો ભારતના ગુરૂઓ પાસે જ્ઞાન મેળવવા માટે આવતા હતા. વાલીઓ આજે શિક્ષકો પર વિશ્વાસ મુકીને પોતાના બાળકનું સુંદર ભવિષ્ય ગઢવા માટે શાળાઓમાં મોકલે છે. આથી શિક્ષકની જવાબદારી વધી જાય છે."
ન્યૂ ઈન્ડિયામાં ગુજરાતનો ફાળો અમુલ્ય રહેશે
રાજ્યના મુખ્યમંત્રીએ આ પ્રસંગે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, "ન્યૂ ઈન્ડિયામાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે. ચાલો આપણે સૌ ભેગા મળીને શિક્ષણ વ્યવસ્થામાં ધરમૂળથી પરિવર્તન લાવીએ અને એક વિશ્વાસ, જવાબદારી તથા ઈમાનદારીનું વાતાવરણ પેદા કરીએ."
'વ્યથા નહીં વ્યવસ્થા'નો મંત્ર આપ્યો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે 'વ્યથા નહીં વ્યવસ્થા'નો મંત્ર આપતા જણાવ્યું કે, ગુજરાત સરકાર શિક્ષકોની સમસ્યાઓને પર પ્રાથમિક્તાથી ધ્યાન આપવા માટે કટિબદ્ધ છે. ઓનલાઈન બાયોમેટ્રીક સિસ્ટમ દરેક શાળામાં માત્ર એક ટેબલેટથી બનાવવાની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ. નજીકના ભવિષ્યમાં તમામ સરકારી વિભાગોમાં પણ આવી બાયોમેટ્રિક વ્યવસ્થા લાગુ કરવાનું આયોજન છે.
36 શિક્ષકોને અપાયા એવોર્ડ
શિક્ષક દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં 36 શિક્ષકોને 'સર્વશ્રેષ્ઠ શિક્ષક'નો એવોર્ડ અપાયો હતો. જેમાં 13 પ્રાથમિક શાળા, 6 માધ્યમિક શાળા, 2 ઉચ્ચતર માધ્યમિક શાળા, 8 માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક પ્રિન્સિપાલ કેટેગરી, 1-1 એજ્યુકેશન ઈન્સ્પેક્ટર અને એચ. ટાટ ઈન્સ્પેક્ટર, 4 સીઆરસી, બીઆરસી, આસિસ્ટન્ટ ટીચર્સ ઈન્સ્પેક્ટર કેટેગરીના હતા. આ ઉપરાંત 2 શિક્ષકોને વિશેષ તાલીમ શ્રેણીમાં એવોર્ડ એનાયત કરાયા હતા.
વિદ્યાર્થીઓ પણ કરાયા સન્માનિત
આ પ્રસંગે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે ધોરણ-5થી 7ના વિદ્યાર્થીઓ વચ્ચે લેવામાં આવેલી ગુજરાતી, ગણિત, વિજ્ઞાન/પર્યાવરણ વિષયની પરીક્ષામાં 75 ટકાથી વધુ માર્ક લાવનારા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું.
Trending Photos