ગુજરાતમાં કુદરતે મચાવ્યો તાંડવ! જાણો પોરબંદરમાં ભારે વરસાદે ક્યા કેવો વેર્યો છે વિનાશ?

Gujarat Heavy Rains: પોરબંદરમાં મેઘરાજા એવા વરસ્યા કે શહેરમાં જાણે જળતાંડવ થઈ ગયું છે. શહેરનો એવો કોઈ વિસ્તાર નથી કે જ્યાં પાણી ભરાયેલું ન હોય. દરિયા કાંઠે વસેલું આ શહેર દરિયો બની ગયું છે. મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરમાં જાણે સ્વયંભૂ કર્ફ્યૂ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જુઓ પોરબંદરમાં મુશળધાર મેઘરાજાનો આ ખાસ અહેવાલ.

1/8
image

પોરબંદરમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. સુદામાપુરીએ જાણે જળસમાધિ લઈ લીધી છે. ગુરુવારથી પડી રહેલા અનરાધાર વરસાદથી પોરબંદરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેરના મુખ્ય રસ્તાઓ અને બજારો પાણીમાં તરવા લાગી છે. અનેક વાહનો બંધ થઈ જતાં ચાલકોને તેને દોરીને લઈ જવા પડ્યા હતા. તો અનેક સોસાયટીઓ સરોવર બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. મેઘરાજાની મુશળધાર એન્ટ્રીને કારણે શહેરમાં કર્ફ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

2/8
image

પોરબંદરમાં વરસાદથી દ્રશ્યો કેવા સર્જાયા તે જોઈ શકાય છે, શહેર સમુદ્ર બનેલું છે, દ્રશ્યો પારસનગર વિસ્તારના છે. જ્યાં કમર સુધી પાણી ભરાયેલા છે, લોકોના ઘરમાં પાણી છે, દુકાનો પણ જળમગ્ન થઈ ગઈ છે. ઘર અને દુકાનમાં રહેલો માલસામાન બગડી ગયો છે, જેના કારણે લોકો જે પણ થોડી ઘણી ઘરવખરી બચી તેને સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે.

3/8
image

અધધ વરસાદ ખાબક્તા રસ્તા પરથી નદી વહી રહી છે, બજારો વરસાદને કારણે બેહાલ થઈ ગઈ છે, મેઘરાજા શરૂ તો થઈ ગયા છે પરંતુ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યા, તેના કારણે પાણીનો નિકાલ જ થઈ રહ્યો નથી. રાણીબાગ, ખાપટ, જનકપુરી, સુદામા ચોક વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

4/8
image

કુદરત તાંડવ મચાવે ત્યારે કેવું થાય છે તે અહીં જોઈ શકાય છે. ભારે ભરખમ ટ્રેન જે ટ્રેક પરથી પસાર થાય છે તે ટ્રેક વરસાદમાં ધોવાઈ ગયો છે. ધરમપુર નજીકનો આ રેલવે ટ્રેક જાણે રમકડાનો હોય તેમ લાગી રહ્યું છે. ટ્રેક નીચેથી પાણીનો અધધ પ્રવાહ પાસ થઈ રહ્યો છે. ચારે બાજુ પાણી જ પાણી છે, નદી કે સમુદ્ર વચ્ચે ટ્રેક બનેલો હોય તેમ લાગી રહ્યું છે. દ્વારકા સોમનાથ બાયપાસ પાસે બનેલો આ ટ્રેક ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો છે.

5/8
image

કોળીવાડ વિસ્તારમાં એવું લાગે છે કે ઘરમાં પાણી છે કે પછી પાણીમાં ઘર? ઘરની અંદર ઘૂંટણ સુધી ભરાયેલા પાણીને કારણે ઘરવખરી પલળી ગઈ છે. ઘરની અંદર રહેલો તમામ સમાન ખરાબ થઈ ગયો છે. ઘર માલિકોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિક લોકો ઘરમાં ભરાયેલું પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો ગલી અને મહોલ્લામાં પણ જળભરાવ છે, કોઈ ગલી કે રસ્તો એવો નથી બચ્યો કે જ્યાં પાણી ભરાયેલું ન હોય.

6/8
image

એમ.જી.રોડ પર ભરાયેલા પાણીને કારણે લોકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે, પાણી એટલું ભરાયેલું છે કે કેટલાક વાહન ચાલકોએ દોરીને જવાનો વારો આવ્યો હતો. અનેક વાહનો ખોટકાયા પણ હતા. મેન રોડ પર એટલું પાણી ભરાયેલું છે કે રોડ નજરે પડી રહ્યો જ નથી. નજરે પડે છે માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે.

7/8
image

શહેરના મફતિયાપારામાં તો સ્થિતિ કેટલી વિકટ છે તે જોઈ શકાય છે. વિસ્તારમાં ખભા સુધી પાણી ભરાયેલું છે. વ્યક્તિ આખો ડૂબી જાય તેટલા પાણીમાં અનેક લોકો ફસાયેલા હતા. તંત્ર અને સ્થાનિક તરવૈયાઓએ 13 લોકોને રેસક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા. એક માળ સુધી ભરાયેલા પાણીને કારણે લોકોના ઘરો ડૂબી ગયા છે. અને ઘરવખરી સંપૂર્ણ નાશ પામી છે.

8/8
image

પોરબંદરમાં મેઘરાજાએ મચાવેલા તાંડવને કારણે શહેર સમુદ્ર બની ગયું છે, સોસાયટીઓ સરોવર બની ગઈ છે. ચારે બાજુ પાણીને કારણે શહેર જાણે સ્વયંભૂ થંભી ગયું છે. જિલ્લા વહીવટી તંત્રએ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. વરસાદ હજુ પણ રહેવાનું અનુમાન છે ત્યારે અગમચેતીના ભાગરૂપે શિક્ષણધિકારીએ રજાનો આદેશ કર્યો છે. પોરબંદરમાં ભરાયેલું આ પાણી ક્યારે ઓસરે છે તે જોવાનું રહેશે.