200 કરોડની સંપત્તિ દાન કરીને ચર્ચામાં આવ્યા આ ગુજરાતી ઉદ્યોગપતિ, દેશભરમાં થયા વખાણ
Jain Samaj Diksha : હાલ દેશભરમાં ગુજરાતના ઉદ્યોગપતિએ દાન કરેલા 200 કરોડને કારણે ચર્ચામાં આવ્યા છે. 22 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાનારા જૈન સમાજના ભવ્ય દીક્ષા સમારોહમાં એકસાથે 36 લોકો દીક્ષા લેશે, જેમા સાબરકાંઠાનો કરોડપતિ ભંડારી પરિવાર પણ દીક્ષા લેશે, આ દંપતીએ દીક્ષા લેતા પહેલા 200 કરોડ દાન કર્યાં છે
હાલ ગુજરાતના સાબરકાંઠાનો ભંડારી પરિવાર 200 કરોડની સંપત્તિ દાન કરીને ચર્ચામાં આવ્યો છે. દેશભરમાં 200 કરોડના દાનની ઘટના ચર્ચાઈ રહી છે. સાબરકાંઠાના હિંમતનગરના રહેવાસી ભાવેશ ભંડારી અને તેમના પતની જીનલ ભંડારીએ જૈન દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. ભાવેશ ભંડારીએ પોતાની કરોડોની સંપત્તિ દાન કરી દીધી છે. તેમણે સાંસારિક મોહ ત્યજીને સંયમના માર્ગે નીકળવાનું નક્કી કર્યું છે.
બે વર્ષ પહેલા સાંસારિક જીવન ત્યજી દીધું
ભંડારી પરિવાર પહેલાથી જ ધાર્મિક હતો. તેઓ પહેલાથી જ જૈન સમાજના સંતોના સત્સંગમાં રહેતો હતો. તેથી સૌથી પહેલા વર્ષ 2022 ના વર્ષમાં ભાવેશ ભંડારીના 16 વર્ષીય દીકરા અને 19 વર્ષની દીકરીએ દીક્ષા લીધી હતી. બંનેએ બે વર્ષ પહેલા સાંસારિક જીવન ત્યજી દીધું હતું. આખરે વર્ષ 2024 માં ભાવેશભાઈ અને તેમની પત્નીએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો.
200 કરોડથી વધુની સંપત્તિ ત્યજીને દાન આપી દીધી
આ માટે ભાવેશ ભંડારીએ સાંસારિક મોહમાયાથી અંતર બનાવી લીધું છે. તેઓએ પોતાની અંદાજિત 200 કરોડથી વધુની સંપત્તિ ત્યજીને દાન આપી દીધી છે. તેમણે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા હતા. સંન્યાસી બનવા જઈ રહેલા ભાવેશ ભંડારી અને તેમની પત્ની જીનલ ભંડારીની ભવ્ય શોભાયાત્રા હિંમતનગરના રસ્તાઓ પર નીકળી હતી. અંદાજે ચાર કિલોમીટર લાંબી શોભાયાત્રામાં તેઓએ નીકળ્યા હતા.
દીક્ષા લેનારાઓ કોણ કોણ
અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર નિર્માણ કરવામાં આવેલી ભવ્ય, દિવ્ય અને સુરમ્ય અધ્યાત્મ નગરીમાં પૂજ્ય આચાર્યદેવ વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે મુમુક્ષુઓ દીક્ષા લેશે. 11 વર્ષની ઉંમરનાં બાળકથી લઈને 56 વર્ષના પ્રૌઢ સુધીના 35 મુમુક્ષુઓ દીક્ષા લેશે. જૈન દીક્ષા લેનારા 35 મુમુક્ષુમાંથી કેટલાક વેપારી છે, તો કેટલાક વિદ્યાર્થી અને ગૃહિણી પણ છે. અમદાવાદમાં યોજાનારા આ મહોત્સવમાં અમદાવાદમાં રહેતા 9 મુમુક્ષુ દીક્ષા લેવા જઈ રહ્યા છે, જેમાં એક સંપૂર્ણ પરિવાર, એક પતિ-પત્નીની જોડી, એક સગાં ભાઈ-બહેન સહિત એક મુમુક્ષુ દીક્ષા લેવા જઈ રહ્યાં છે. જ્યારે 12 મુમુક્ષુ સુરતના છે. સુરતનો 25 વર્ષનો યુવક દીક્ષા લેશે, જે CA ઇન્ટરમીડિયેટ અને ગાયક-સંગીતકાર છે. આ પ્રસંગે દેશભરમાંથી મોટી સંખ્યાામા જૈન શ્રદ્ધાળુઓ હાજર રહેશે. દીક્ષા લેનારા ૩૫ મુમુક્ષુઓના વરસીદાનનો ભવ્ય વરઘોડો તા. ૨૧ એપ્રિલના સવાર કાઢવામાં આવશે, જેની લંબાઈ આશરે ૧ કિલોમીટર જેટલી હશે. જે 35 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરવાના છે, તેમાં 10 મુમુક્ષુઓ તો 18 વર્ષની નીચેનાં છે. તેઓ પોતાનાં માતાપિતાની સંમતિથી દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે.
આખેઆખા પરિવારો દીક્ષા લેશે
સાબરકાંઠાના દિગ્ગ ઉદ્યોગપતિ ભાવેશ ભંડારી તેમના પત્ની જીનલ ભંડારી એકસાથે દીક્ષા લેવાના છે. દીક્ષા લેતા પહેલા ભંડારી પરિવાર 200 કરોડની સંપત્તિ દાન કરીને ચર્ચામાં આવ્યો છે. ભાવેશ ભંડારીના બંને સંતાનો બે વર્ષ અગાઉ દીક્ષા લઈ ચૂક્યા છે. તો આ સાથે સુરતનો ડાયમંડ ઉદ્યોગપતિનો પરિવાર પણ દીક્ષા લેશે. સુરતના શાહ પરિવારના દીકરાએ અગાઉ દીક્ષા લીધી હતી, જેના બાદ હવે માતાપિતા અને દીકરી દીક્ષા લેવા જઈ રહ્યાં છે.
કેવી રીતે લેવાય છે દીક્ષા
જૈન સમાજમાં દીક્ષાનું અનેરું મહત્વ હોય છે. જેમાં લોકો સાંસારિક મોહમાયા ત્યજીને સંયમનો માર્ગ અપનાવતા હોય છે. જેમાં લોકો પોતાની ધન, દૌલત બધુ જ પાછળ છોડીને સંયમના માર્ગે નીકળી જતા હોય છે. જૈન સમાજની આ વિધિ એક કઠિન પરીક્ષા છે. પરંતુ બધાની દીક્ષા મળતી નથી. જૈન સમાજની ભગવતી દીક્ષા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ બ્રહ્મચર્ય અને ઔચર્ય જેવા પાંચ મહાવ્રતનું પાલન કરવું પડે છે. સંસારના બધા જ મોહ ત્યજી દીક્ષાર્થીઓ ધન મિલકતનું દાન કર્યા પછી સમગ્ર જીવન પોતાની પાસે કોઈ પણ પ્રકારની ધન મિલકત રાખતા નથી. સંધ્યા બાદ આ જૈન સાધી સાધ્વીઓ ભોજન અને પાણી ગ્રહણ કરતા નથી તો બપોરે પણ ભોજન માટે ઘરોઘર ગોચરી લેવા જવું પડે છે. તો સાથે જ સમગ્ર જીવન વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કર્યા વિના માત્ર સ્વાધ્યાય, સેવા અને વૈયાવચ દ્વારા જીવન નિર્વાહ કરવું પડે છે.
જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા પહેલા અનેક પ્રસંગો યોજાતા હોય છે. દીક્ષાર્થીઓ માટે માળા મુહૂર્ત, સ્વસ્તિક વિધિ યોજાયા બાદ તેમના સંપૂર્ણ ધન મિલકતનું દાન કરવા વર્શિદાન યોજવામાં આવે છે. પહેલાના સમયમાં દીક્ષાર્થીઓ જાહેર માર્ગ પર પોતાની પાસે રહેલી બધું ધન લોકોને દાન કરતા હતા જો કે હવે મોટાભાગે લોકો દીક્ષા સ્થળ પર હાજર લોકોને એક બાદ એક દાન આપતા હોય છે. આ દાન આર્થિક રૂપે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે અને લોકો મુમુક્ષુ આત્માઓના આશીર્વાદ રૂપ તેને સ્વીકાર કરે છે. વર્શિદાન બાદ તેમનો ભવ્ય વિદાય કાર્યક્રમ યોજવામાં આવે છે જે તેમના જીવનના આ મોટા બદલાવ માટે ખૂબ મહત્વ ધરાવે છે. વિદાય બાદ દીક્ષાર્થીઓ પોતાનું વેશ પરિવર્તન કરી રંગબેરંગી કપડાં મૂકી સાધુઓના સફેદ વસ્ત્ર ધારણ કરી પોતાના શરીરના વાળનું પણ ત્યાગ આપે છે. તો ગુરુ ભગવંતો દ્વારા દીક્ષાર્થીઓને પાઠ ભણાવ્યાના એક સપ્તાહ બાદ તેમની વડી દીક્ષા યોજાય છે જેમાં શાસ્ત્રોક્ત વિધિ થકી તેમને પૂર્ણરૂપે સાધુ માનવામાં આવે છે.
Trending Photos